સપ્ટેમ્બરના ઘટાડાની નિરાશા ખંખેરીને સોનું ફરી 1500 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ

Published: Oct 04, 2019, 11:12 IST | મુંબઈ

સોનું ફરી ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરી રહ્યું છે અને ભારતમાં પણ એના ભાવ ૩૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પાર કરી ગયા છે.

ગોલ્ડ
ગોલ્ડ

બે સપ્તાહની નીચી સપાટી પર પહોંચ્યા પછી અને સપ્ટેમ્બરમાં માસિક ધોરણે ભાવમાં ઘટાડા પછી ફરી સોનાના ભાવમાં તેજીનાં કારણો ઊભાં થઈ રહ્યાં છે. સોનું ફરી ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરી રહ્યું છે અને ભારતમાં પણ એના ભાવ ૩૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પાર કરી ગયા છે. ડૉલરમાં જોવા મળી રહેલી નબળાઈ, અમેરિકાના આર્થિક વિકાસના નબળા સૂચકો અને વ્યાજદર ઘટશે એવી આશાએ સોનાના ભાવ વધ્યા હતા. જોકે ગુરુવારે ભાવ ૧૫૦૦ ડૉલરની સપાટી આસપાસ ચાલી રહ્યા છે અને ત્યારે કોઈ મોટી વધ-ઘટ જોવા મળી રહી નથી.

વૈશ્વિક બજારમાં ગયા સપ્તાહે સતત ઘટી રહેલા સોનાના ભાવને થોડો ટેકો મળ્યો છે. મંગળવારે હાજરમાં સોનું ૮.૦૫ ડૉલર વધીને ૧૪૮૧.૭૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. બુધવારે એ ૧૮.૧૫ ડૉલર વધી ૧૪૯૯.૮૫ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. આજે હાજરમાં સોનું ૧૫૦૧.૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ ટકી રહેવા પ્રત્યન કરી રહ્યું છે. વાયદામાં ન્યુ યૉર્ક ખાતે કૉમેક્સ ડિસેમ્બર એક ડૉલર ઘટીને ૧૫૦૬ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૦.૧૪૫ ઘટી ૧૭.૫૩૮ની સપાટી ઉપર છે.

બુધવારે ભારતીય બજાર બંધ રહ્યાં હતાં એટલે સોનામાં વિદેશી બજારની બે દિવસની તેજીની અસર જોવા મળી હતી. ભારતમાં હાજર બજારમાં મુંબઈ સોનું ૭૭૦ વધીને ૩૯,૧૭૦ રૂપિયા અને અમદાવાદમાં ૭૯૦ વધી ૩૯,૨૫૦ રૂપિયા બંધ રહ્યું છે. એમસીએક્સ પર ઑક્ટોબર વાયદો ૫૬૮ વધીને ૩૭,૮૭૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઉપર હતો. ડિસેમ્બર વાયદો ૩૧૨ વધી ૩૮,૨૦૪ રૂપિયા ઉપર છે.

હાજરમાં મુંબઈ ચાંદી ૧૩૬૫ વધી ૪૬,૫૬૫ રૂપિયા અને અમદાવાદમાં ૧૩૩૦ વધી ૪૬,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો રહી છે. ચાંદી ડિસેમ્બર વાયદો ૪૨૮ વધી ૪૫,૨૮૦ રૂપિયા ઉપર હતો.

આ પણ વાંચો : લીલા દુકાળને કારણે ડાંગર અને શેરડીના પાકને અંદાજે 60 કરોડનું નુકસાન

ડૉલર નબળો પડતાં રૂપિયો વધ્યો

ભારતીય ચલણ રૂપિયો વિદેશી બજારમાં ડૉલર નબળો પડી રહ્યો હોવાથી ગુરુવારે દિવસની નીચી સપાટી કરતાં તીવ્ર ગતિએ વધી મંગળવારના બંધ કરતાં પણ મજબૂત બંધ રહ્યો હતો. આગલા બંધ ૭૧.૦૭ સામે રૂપિયો ૭૧.૨૨ની નબળી સપાટી પર ખૂલ્યો હતો અને વધુ નબળો પડી ૭૧.૩૫ થયો હતો. આ પછી વિદેશી બજારમાં ડૉલર નબળો પડવાની શરૂઆત અને શુક્રવારે રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે એવી આશા સાથે ફરી વધ્યો હતો. રૂપિયો દિવસમાં એક તબક્કે વધીને ૭૦.૮૬ થયો હતો. દિવસના અંતે આગળના બંધ કરતાં ૨૦ પૈસા વધીને ૭૦.૮૭ની સપાટીએ બંધ આવ્યો હતો. રૂપિયો નબળો પડતાં ભારતમાં સોનું સસ્તું થાય છે અને એને કારણે ગોલ્ડની માર્કેટના વર્તમાન ભાવને પણ ટેકો મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK