Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગોલ્ડમાં 45,000 રૂપિયાની મેજિકલ સપાટી હાથવેંતમાં

ગોલ્ડમાં 45,000 રૂપિયાની મેજિકલ સપાટી હાથવેંતમાં

25 February, 2020 07:37 AM IST | Mumbai
Bullion Watch

ગોલ્ડમાં 45,000 રૂપિયાની મેજિકલ સપાટી હાથવેંતમાં

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોના વાઇરસની ગંભીર અસરો થશે એવી ચિંતા વચ્ચે શૅરબજારમાં, ક્રૂડ ઑઈલ, ઔદ્યોગિક ધાતુઓમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સોનું, અમેરિકન ડૉલર જેવી સલામતી માટે સ્વર્ગ ગણાતી ચીજોના ભાવ વધ્યા હતા. ભારતમાં ફરી એક વખત સોનાના ભાવ ૪૪,૮૦૦ની નવી વિક્રમી સપાટીએ હતા. અમદાવાદમાં ખાનગી ધોરણે ભાવ ૪૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જોવા મળ્યા હતા અને વૈશ્વિક ધોરણે ભાવ જાન્યુઆરી ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ હતા.  કોરોના વાઇરસની અસરો યુરોપમાં ઇટલી સુધી પહોંચી હતી અને યુરોપિયન શૅર ચાર વર્ષમાં સૌથી મોટા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. અમેરિકામાં ડો-જોન્સ ૭૦૦ પૉઇન્ટ કે ૨.૫ ટકા ઘટીને ખૂલે એવી શક્યતા છે. શુક્રવારે સોનાના વૈશ્વિક ભાવ ઑગસ્ટ પછીના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા સાથે બંધ રહ્યા બાદ સોમવારે તેમાં વધુ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં તેજીનું મુખ્ય કારણ વાઇરસની આર્થિક અસરો ખાળવા માટે હળવા વ્યાજદરની નીતિની આશા છે.

ન્યુ યૉર્કમાં કૉમેકસ ખાતે સોનાનો એપ્રિલ વાયદો ૧૬૯૧.૫૫ ડૉલર પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી અત્યારે ૨.૧ ટકા વધી ૧૬૮૩.૯૫ ડૉલર પ્રતિ ઔંસ છે. હાજરમાં ભાવ ૨.૩ ટકા વધી ૧૬૮૧.૬૯ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. સોનાની સાથે ચાંદીના ભાવ પણ છ સપ્તાહની ઊંચી સપાટી ૧૮.૮૭ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. હાજરમાં ભાવ ૧૮.૭૧ ડૉલર પ્રતિ ઔંસ છે.



ભારતમાં ૪૫,૦૦૦ રૂપિયાની સપાટી હાથવેંતમાં


વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને સ્થાનિક રીતે ડૉલર સામે રૂપિયો ઘટી જતાં ભારતમાં સોનાના ભાવ ફરી એક વખત ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા અને ટૂંક સમયમાં તે ૪૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પાર કરે એવી શક્યતા છે. ખાનગીમાં અમદાવાદ ખાતે ભાવ ૪૫,૦૫૦ રૂપિયા સુધી પહોંચ્યાની વાત પણ આવી રહી છે પણ કોઈ સમર્થન મળી રહ્યું નથી. જોકે બન્ને શહેરોમાં ભાવ ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. એક જ સપ્તાહમાં ભારતમાં સોનાના ભાવમાં ૨૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ વધારો જોવા મળ્યો છે.

મુંબઈ ખાતે હાજરમાં સોનું વધીને ૪૪,૮૩૫ રૂપિયા થઈ દિવસના અંતે ૧૭૮૫ વધી ૪૪,૮૧૦ રૂપિયા બંધ આવ્યું હતું. અમદાવાદ ખાતે વધીને ૪૪,૯૦૦ થઈ દિવસના અંતે ૧૭૬૫ વધી ૪૪,૮૭૦  રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. હાજરમાં મુંબઈ ચાંદી ૧૪૨૫ વધી ૫૦,૫૨૦ અને અમદાવાદ ખાતે ૧૪૧૦ વધી ૫૦,૫૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૯માં પણ સોનું ૪૧,૦૦૦ રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયું હતું પણ પછી તેમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એ સમયે ચાંદીના ભાવ ૫૧,૦૦૦ રૂપિયાને પાર કરી ગયા હતા.


વાયદામાં પણ નવા ઊંચા ભાવ

સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨,૯૩૨ ખૂલી, ઉપરમાં ૪૩,૭૮૮ અને નીચામાં ૪૨,૯૩૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૭૧ વધીને ૪૩,૭૩૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮૯૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૪,૫૯૦ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૨૭૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૨૨ રૂપિયા વધીને બંધમાં ૪૩,૫૩૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૮,૬૦૭ ખૂલી, ઉપરમાં ૪૯,૨૩૪ અને નીચામાં ૪૮,૫૨૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૮૧ વધીને ૪૯,૦૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૭૮૫ વધીને ૪૯,૦૮૨ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી ૭૨૧ વધીને ૪૯૧૨૫ રૂપિયા બંધ રહ્યા હતા.

૨૦૧૯ની તેજી હજી પણ ચાલુ જ છે

કેલૅન્ડર વર્ષ ૨૦૧૯માં વૈશ્વિક બજારમાં વાયદામાં ભાવ ૧૬ ટકા અને હાજરમાં ૧૮ ટકા જેટલા વધ્યા હતા. વૈશ્વિક બજારમાં આવેલી તેજી અને ભારતીય ચલણ ડૉલર સામે ૨.૨૮ ટકા નબળું પડ્યું હોવાથી તેમ જ કેન્દ્ર સરકારે આયાત ડ્યુટીમાં કરેલા વધારાથી ભારતમાં સોનાના હાજર ભાવ ૨૦.૬ ટકા અને ચાંદીના ભાવ ૧૮.૯ ટકા વધ્યા હતા.

વર્ષ ૨૦૨૦માં થોડા દિવસ ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી અને હવે કોરોના વાઇરસની દહેશતથી સલામતીના સ્વર્ગની માગ વધી રહી છે. ભારતમાં વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧.૦૮ ટકા અને ચાંદીમાં ૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

વાઇરસ અને તેની અસરો

કોરોના વાઇરસની સૌથી વધુ અસર ચીનમાં જોવા મળી રહી હતી જે હવે ઇટલી, ઈરાન, દક્ષિણ કોરિયા સહિત અન્ય ૨૮ જેટલા દેશોમાં પહોંચી છે. ચીનમાં ફૅક્ટરીઓ બંધ રહી છે અથવા તે ઓછી ક્ષમતાએ ચાલી રહી છે. આ અસરોના કારણે ચીનનો આર્થિક વિકાસદર વર્ષ ૨૦૨૦માં ૫.૮ ટકા રહેશે એવી ધારણા મૂડીઝે ઘટાડી હવે ૫.૨ ટકા કરી છે. ચીન અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે એટલે તેનાથી લગભગ વૈશ્વિક વિકાસ દર ૦.૨૫ ટકા જેટલો ઘટી શકે એવી ધારણા છે. ઇન્ટરનૅશનલ મોનેટરી ફન્ડ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો વાઇરસની અસર ખાળવામાં નહીં આવે તો નાજુક એવી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર જોખમ ઊભું થઈ શકે છે.

હળવા વ્યાજદરની નીતિની આશા

અમેરિકન ૧૦ વર્ષના બૉન્ડના યિલ્ડ ૧.૪ ટકા થઈ ગયા હતા જે સૂચવી રહ્યા છે કે મંદી આવી રહી છે અથવા તો વૈશ્વિક ધોરણે વાઇરસની અસરો ખાળવા માટે હળવા વ્યાજદરની નીતિ અપનાવવી પડશે. અમેરિકામાં ૩૦ વર્ષના બૉન્ડ વિક્રમી નીચી સપાટી ઉપર છે. ચીન અને દક્ષિણ એશિયાના દેશોએ વાઇરસની અસર ખાળવા માટે નાણાં પ્રવાહિતા વધારી છે અને અમેરિકામાં પણ આગામી મહિને ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર ઘટે એવી સંભાવના વધી રહી છે. હળવા વ્યાજદરમાં સોનાની ખરીદી આકર્ષક બને છે, કારણ કે તે કોઈ વ્યાજ સાથે જોડાયેલી અસ્કયામત નથી.

એશિયાઈ ચલણોમાં ઘટાડો

આજે જાહેર રજાના કારણે જાપાનની બજારો બંધ હતી પણ અમેરિકન ડૉલર સામે કોરિયાના વોનની આગેવાની હેઠળ સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના વાઇરસના કારણે જોખમી અસ્કયામતો છોડી સોના તરફ પલાયન જોવા મળી રહ્યું છે અને ઊભરતા અર્થતંત્ર સામે ડૉલર તરફ ખરીદીનો રુખ જોવા મળી રહ્યો છે. સોમવારે કોરિયાનો વોન ૦.૮ ટકા ઘટી છ મહિનાના નીચેના સ્તરે જોવા મળ્યો હતો. ઇન્ડોનેશિયાનો રૂપિયો ૦.૯ ટકા ઘટી છેલ્લા એક મહિનાની નીચી સપાટીએ હતો. ચીનનો યુઆન નબળો હતો જ્યારે સિંગાપોર ડૉલર ૦.૩ ટકા ઘટી ગયો હતો. થાઈલૅન્ડનો બહાત પણ ૦.૫ ટકા ઘટી નવ મહિનાની નીચી સપાટીએ હતો.

રૂપિયો ત્રણ મહિનાના નીચલા સ્તરે

એશિયાઈ ચલણોમાં જોવા મળેલી વેચવાલીની જેમ ભારતમાં પણ ડૉલર સામે રૂપિયો ઘટી ગયો હતો. આ ઉપરાંત શૅરબજારમાં વિદેશી સંસ્થાઓના વેચાણની અસરની પણ રૂપિયા સામે દબાણ હતું. આજે રૂપિયો ૩૦ પૈસા ઘટી ૭૧.૯૪ ખૂલ્યો હતો જે વધીને ૭૧.૭૬ થયા બાદ ફરી ઘટી ૭૨.૦૧ થઈ ૩૪ પૈસા ઘટી ૭૧.૯૪ની સપાટીએ બંધ આવ્યો હતો. ગત સપ્તાહે ૩૩ પૈસા ઘટ્યા બાદ આજના ઘટાડા સહિત રૂપિયો નવેમ્બર ૧૩ પછીની સૌથી નીચી સપાટીએ પટકાયો છે. વૈશ્વિક બજારમાં ડૉલર વધી રહ્યો છે અને જોખમી અસ્કયામતો વેચવાની વૃત્તિના કારણે આગામી દિવસોમાં પણ ભારતીય ચલણ ઉપર દબાણ રહે તેવી શક્યતા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૪૩,૫૯૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૪૩,૪૧૫

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૪૯,૦૩૫

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 07:37 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK