અન્ય બજારોમાં સુધારા સાથે ફરી ખરીદનારા મેદાનમાં: સોનું 1500 ડૉલરની ઉપર

Published: Mar 21, 2020, 10:33 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક બજારોમાં વ્યાપક વેચવાલી પછી નીચા મથાળે આજે ખરીદી જોવા મળી રહી છે.

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારોમાં વ્યાપક વેચવાલી પછી નીચા મથાળે આજે ખરીદી જોવા મળી રહી છે. શૅરબજાર અને ક્રૂડ સહિત સુધારો જોવા મળતાં સોનામાં નીચા ભાવે ખરીદી નીકળતાં ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. સોનાની સાથે ૧૧ વર્ષની નીચી સપાટીએ પડેલા ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે. આઠ દિવસમાં આઠ ટકા વધેલા ડૉલરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે એ દર્શાવે છે કે દરેક ચીજો વેચી ડૉલર કે રોકડ એકત્ર કરવાનો એક તબક્કો પૂરો થયો અને અન્ય બજારો વધતાં બુલિયનમાં પણ ખરીદી આવી છે.

આજે સોનું વાયદો ૧.૪૭ ટકા કે ૨૧.૮૦ ડૉલર વધી ૧૫૦૧.૧૦ ડૉલર અને હાજરમાં ૧.૬૪ ટકા કે ૨૪.૨૦ ડૉલર વધી ૧૪૯૫.૪૪ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. ચાંદીનો વાયદો ૫.૦૪ ટકા કે ૬૧ સેન્ટ વધી ૧૨.૪૭૫ અને હાજરમાં ૪.૬૯ ટકા કે ૫૭ સેન્ટ વધી ૧૨.૬૯ ડૉલર પ્રતિ ઔંસનો ભાવ જોવા મળી રહ્યો છે.

અમેરિકામાં પણ આજે શૅરબજાર તેજી સાથે ખૂલ્યાં હતાં. એશિયા અને યુરોપના શૅર પણ વધ્યા હતા. વૈશ્વિક સરકાર અને વિવિધ મૉનિટરી ઑથોરિટી દ્વારા અબજો ડૉલરના પૅકેજની અસર જોવા મળી રહી છે એનાથી બજારમાં લિક્વિડિટી વધી છે અને સોનામાં નફો બાંધી અન્યત્ર માર્જિન ભરવાનું દબાણ ઘટી ગયું છે એટલે તેજી જોવા મળી રહી છે.

નીચા મથાળેથી સોનું ૭૨૦, ચાંદી ૨૧૬૦ રૂપિયા ઊછળી

વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી, ક્રૂડ ઑઇલ અને શૅરબજારમાં જોવા મળેલી નવી ખરીદી સાથે ભારતમાં પણ ભાવ વધ્યા હતા. ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી ભાવમાં વૃદ્ધિની તીવ્રતા વધારે જોવા મળી હતી. સોનામાં હાજર બજારમાં મુંબઈ ખાતે ભાવ ૭૨૦ વધી ૪૨,૪૩૦ અને અમદાવાદ ખાતે ૭૧૦ વધી ૪૨,૪૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯૯૦૦ ખૂલી, ઉપરમાં ૪૦૯૪૮ અને નીચામાં ૩૯૮૩૮ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૯૪૭ વધીને ૪૦૭૭૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૮૦ વધીને ૮ ગ્રામદીઠ ૩૩૬૫૭ અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૭૧ વધીને ૧ ગ્રામદીઠ ૪૦૦૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૧૦ વધીને બંધમાં ૪૦૭૯૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં ચાંદી મુંબઈ ખાતે ૨૧૬૦ વધી ૩૮,૫૧૦ અને અમદાવાદ ખાતે ૨૦૮૦ વધી ૩૮,૫૦૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૫૯૩૧ ખૂલી, ઉપરમાં ૩૭૦૯૮ અને નીચામાં ૩૫૭૪૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૨૬૭ વધીને ૩૬૩૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૧૨૮૭ વધીને ૩૬૪૧૮ અને ચાંદી-માઇક્રો એપ્રિલ ૧૧૮૧ વધીને ૩૭૧૭૦ બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK