ઈરાન સાથેના અમેરિકાના ઘર્ષણથી ભારતમાં સોનું ઐતિહાસિક ઊંચી સપાટીએ

Published: Jan 04, 2020, 13:50 IST | Mumbai

ઈરાન સાથેના અમેરિકાના ઘર્ષણથી ભારતમાં સોનું ઐતિહાસિક ઊંચી સપાટીએ, વૈશ્વિક બજારમાં ચાર મહિનાની ઊંચી સપાટી

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક સોનાના ભાવની તેજી માટે નક્કર પરિબળ આવી ગયું છે. ડૉલર વધતો અટકી ગયો છે. અમેરિકાના ટ્રેઝરીના યીલ્ડ ઘટી ગયા છે અને ઈરાન સાથે અમેરિકાની તંગદિલીને કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સેફ હેવન, સલામતી માટે સ્વર્ગ ગણતાં સોના-ચાંદીમાં રોકાણકારો ખરીદી કરવા માંડ્યા છે. વૈશ્વિક સોનું ચાર મહિનાની ટોચે છે અને ભારતમાં સર્વકાલીન ઊંચી – ઑલટાઇમ હાઈ સપાટીએ સોનાના ભાવ પહોંચી ગયા છે.

ગુરુવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે પેન્ટાગૉને ઇરાકમાં મિસાઇલ-હુમલો કરીને ઈરાનના મેજર જનરલ કાસીમ સુલેમાની અને તેના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલાના પગલે સોનાના ભાવ પળવારમાં જ ૧૦ ડૉલર વધીને ૧૫૪૦ ડૉલર પ્રતિ ઔંસ પાર થઈ ગયા હતા. સુલેમાની સાથે ઇરાકના એક અંતિમવાદી નેતાની પણ હત્યા કરવાનો આદેશ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો હોવાનું નિવેદન અમેરિકાએ સત્તાવાર રીતે કર્યું હતું. ઈરાને વળતો હુમલો કરવાની ચેતવણી ઉચ્ચારી હોવાથી ભૌગોલિક તંગદિલીને કારણે શૅરબજાર ઘટ્યાં હતાં અને ક્રૂડ ઑઇલ, ગોલ્ડ અને યેન વધ્યાં હતાં. ક્રૂડ ઑઇલ અખાતના દેશોમાં તંગદિલી વધે અને એનાથી પુરવઠા પર અસર થાય એવી ધારણાએ વધ્યું હતું, જ્યારે સોનું અને યેન સલામત રોકાણ તરીકે ઊછળ્યાં હતાં.

શુક્રવારે વૈશ્વિક હાજર બજારમાં સોનાના ભાવ ગુરુવારે ૧૫૧૭ ડૉલર સામે વધી ૧૫૨૮ ડૉલર થયા હતા અને શુક્રવારે એ વધારે ઊછળી ૧૫૫૧ ડૉલર થઈ અત્યારે ૧૫૪૫.૫ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. ન્યુ યૉર્ક સોનું ફેબ્રુઆરી વાયદો ૧.૩૫ ટકા કે ૨૦.૬૫ ડૉલર વધી ૧૫૪૮.૭૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી વાયદો ૦.૫૯ ટકા કે ૧૦ સેન્ટ વધી ૧૮.૧૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.

ભારતમાં સોનું ઐતિહાસિક સપાટીએ, ચાંદી પણ ઊછળી

વૈશ્વિક બજારમાં સોનાના વધેલા ભાવ અને ડૉલર સામે રૂપિયો એક મહિનાની નીચી સપાટીએ પટકાતાં ભારતમાં સોનાના ભાવ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. છેલ્લે સપ્ટેમ્બરમાં ૪૦,૨૦૦ની સપાટી જોવા મળી હતી. આજે મુંબઈમાં હાજરમાં સોનું ૮૯૦ રૂપિયા ઊછળી ૪૧,૨૭૦ અને અમદાવાદમાં ૯૧૦ વધી ર૪૧,૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની નવી ઑલટાઇમ હાઈ સપાટીએ બંધ આવ્યું હતું.

હાજર સાથે વાયદામાં પણ સોનાના ભાવ નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં ૩૯,૮૮૫ રૂપિયાની વિક્રમી સપાટી પાર કરી આજે ભાવ ૪૦,૦૦૦ રૂપિયાની સપાટી પણ વટાવી ગયા હતા. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯૫૦૦ ખૂલી, ઉપરમાં ૪૦૧૪૩ અને નીચામાં ૩૯૫૦૦ના રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૮૧૧ વધીને ૪૦૦૮૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫૭૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૧૮૫૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬૯ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૮૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૯૨ વધીને બંધમાં ૩૯૯૧૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના ભાવ પણ હાજરમાં ૯૮૫ વધી ૪૯,૮૦૦ અને અમદવાદમાં ૯૭૫ વધી ૪૮,૭૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ આવ્યા હતા. સપ્ટેમ્બરમાં ચાંદીના ભાવ કરતાં જોકે આ ભાવસપાટી હજી નીચી છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭૧૯૯ ખૂલી, ઉપરમાં ૪૭૯૨૪ અને નીચામાં ૪૭૧૯૯ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૬૯ વધીને ૪૭૭૯૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૭૬૧ વધીને ૪૭૮૦૫ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૭૫૯ વધીને ૪૭૮૦૭ રૂપિયા બંધ રહ્યા હતા.

શું સોનું ૧૬૦૦ ડૉલર થશે?

ઇતિહાસ દર્શાવે છે કે જાન્યુઆરી મહિનો સોનાની ભાવસપાટી માટે તેજીમય રહ્યો છે. છેલ્લાં ૨૦ વર્ષમાં સરેરાશ ૨.૭ ટકા ભાવ જાન્યુઆરી મહિનામાં વધ્યા છે. વર્તમાન ભાવે જો આ સરેરાશ ભાવવધારો થાય તો એ સપ્ટેમ્બરમાં વૈશ્વિક બજારમાં જોવા મળેલી ૬ વર્ષની ઊંચી સપાટી પાર કરે એવી શક્યતા છે. જો છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ ભાવવૃદ્ધિ ૫.૨ ટકા જેટલી વધે તો ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસ આસપાસ રહી શકે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં સોનાના ભાવ કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ ૧૮ ટકા વધ્યા પછી હવે તેજી માટે નવું પરિબળ આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધ તંગ હતા ત્યાં પેન્ટાગૉને મિસાઇલ-હુમલો કરી લશ્કરી ઉચ્ચ અધિકારીને મારી નાખતાં ઈરાન ગિન્નાયું છે અને હવે બન્ને દેશ વચ્ચે તંગદિલી વધશે એવી શક્યતાએ જોખમ છોડી રોકાણકારો સોના જેવી સલામત અસ્કયામત તરફ આવ્યા છે.

સિક્કા નહીં, ઈટીએફ વધારે પસંદ

સોનાના ભાવ ૨૦૧૯માં વધ્યા હોવા છતાં અમેરિકન મિન્ટનું સિક્કાનું વેચાણ ઇતિહાસમાં સૌથી ઓછું આવ્યું છે, કારણ કે વધુ ને વધુ રોકાણકારો વૈશ્વિક સ્તરે હાજરમાં સોનું ખરીદવાને બદલે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ તરફ વળી રહ્યા છે. અમેરિકન ઇગલ કૉઇનનું કુલ વેચાણ ૨૦૧૯માં ૧,૫૨,૦૦૦ ઔંસ રહ્યું હતું જે આગલા વર્ષ કરતાં ૩૮ ટકા ઓછું છે અને ૧૯૮૬ પછીથી ઉપલબ્ધ આંકડા અનુસાર સૌથી ઓછું રહ્યું છે. આવી જ રીતે ચાંદીના ઇગલ કૉઇનનું વેચાણ ૧૪૮.૬૩ લાખ ઔંસ રહ્યું છે જે આગલા વર્ષ કરતાં ઓછું છે અને છેલ્લાં ૧૨ વર્ષમાં નોંધાયેલો સૌથી નાનો આંક છે.

ભારતમાં સોનાની આયાત ત્રણ વર્ષમાં સૌથી ઓછી

૨૦૧૯ દરમ્યાન ઊંચા ભાવને કારણે ઘટી ગયેલી માગને કારણે ભારતમાં સોનાની આયાત ૧૨ ટકા જેટલી ઘટી છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વર્ષ દરમ્યાન ૧૮ ટકા વધ્યા હતા. સપ્ટેમ્બરમાં વૈશ્વિક ભાવ ૬ વર્ષની ઊંચી સપાટીએ અને ભારતમાં ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા પછી આયાત સતત ઘટી રહી હતી. ભારત વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ૨૦૧૯માં ભારતની કુલ આયાત ૮૩૧ ટન રહી હતી જે ગયા વર્ષ ૨૦૧૮માં ૯૪૪ ટન રહી હતી. મૂલ્યની દૃષ્ટિએ ભારતની આયાત બે ટકા ઘટી ૩૧.૨૨ અબજ ડૉલર રહી હોવાની ધારણા છે.

ડિસેમ્બર મહિના દરમ્યાન ભારતની સોનાની કુલ આયાત ૧૮ ટકા ઘટી ૬૦ ટન રહી હતી અને મૂલ્યની દૃષ્ટિએ એ ૪.૩ ટકા ઘટી ૨.૪૬ અબજ ડૉલર રહી હતી. જાન્યુઆરીથી જૂનના ૬ મહિનામાં ભારતમાં આયાત ૫૬૪ ટન હતી, પણ પછી વિદેશી અને સ્થાનિક બજારમાં વિક્રમી ભાવને કારણે જુલાઈથી ડિસેમ્બરમાં આયાત માત્ર ૨૬૭ ટન રહી હતી. સામાન્ય રીતે તહેવાર અને લગ્નની સીઝનને કારણે છેલ્લા ૬ મહિનામાં આયાત ઊંચી રહેતી હોય છે.

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો

વૈશ્વિક બજારમાં ક્રૂડ આઇલના ભાવમાં આવેલા તીવ્ર ઉછાળાને કારણે આજે રૂપિયામાં દોઢ મહિનાનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલીને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ ચાર ટકા જેટલા વધી ગયા હતા. રોકાણકાર જોખમ છોડી સલામત સ્થળે રોકાણ કરવા પહોંચી રહ્યા હતા જેને કારણે રૂપિયો પણ ઘટ્યો હતો. ગુરુવારે ૭૧.૩૮ બંધ આવેલો રૂપિયો સીધો ૭૧.૫૬ની નબળી સપાટીએ ખૂલ્યો હતો અને પછી ઘટી ૭૧.૮૧ થઈ દિવસના અંતે ૪૨ પૈસા ઘટીને ૭૧.૮૦ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે પણ રૂપિયો ૧૬ પૈસા ઘટ્યો હતો. આ છેલ્લા દોઢ મહિનાનો સૌથી તીવ્ર ઘટાડો છે અને બંધની દૃષ્ટિએ ૨૦ નવેમ્બર પછીની સૌથી નીચી સપાટી છે. ડૉલર સામે રૂપિયો નબળો પડે એટલે ભારતની આયાત મોંઘી થાય છે અને એને કારણે સોનાના ભાવ પણ વધે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK