વિક્રમી ભાવ : ભારતમાં સોનું 39000 રૂપિયાને પાર, વૈશ્વિક બજારમાં ઊંચા મથાળેથી ઘટાડો

Published: Aug 14, 2019, 13:44 IST | બુલિયન વૉચ | મુંબઈ

ભારતમાં નબળો પડી રહેલો રૂપિયો અને દિવસ દરમ્યાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધુ એક નવી સાડાછ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં ૩૯,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પાર કરી ગયા હતા.

ગોલ્ડ
ગોલ્ડ

ભારતમાં નબળો પડી રહેલો રૂપિયો અને દિવસ દરમ્યાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધુ એક નવી સાડાછ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં ૩૯,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પાર કરી ગયા હતા. આ ઉપરાંત વૈશ્વિક ચાંદી પણ દોઢ વર્ષની ઊંચી સપાટીએ હોવાથી ભારતમાં એનો ભાવ ૪૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયો છે.

ન્યુ યૉર્ક ખાતે ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ આજે એક તબક્કે વધીને ૧૫૪૫.૯૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતાં. સોમવારે ૧૫૧૭ ડૉલર બંધ રહેલો વાયદો આજે ૧૫૨૨.૩૦ ડૉલર ખૂલી વધીને ૧૫૪૫.૯૫ થયો હતો. જોકે અમેરિકામાં ફુગાવાના આંકડા આવતાં એમાં નફો બાંધવાની વૃત્તિ જોવા મળી રહી છે અને ભાવ ૧૫૨૩.૫૫ ડૉલર પ્રતિ ઔંસ છે. હાજરમાં સોનું ૧૫૧૩.૯૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

કૉમેક્સ ખાતે ચાંદીનો વાયદો સોમવારે ૧૭.૦૭ની સપાટીએ બંધ હતો જે આજે ખૂલીને ૧૭.૦૫ થઈ ૧૭.૪૮૮ ડૉલર પ્રતિ ઔંસની દોઢ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યારે ૧૭.૧૭૭ ડૉલર પ્રતિ ઔંસ છે.

અમેરિકામાં ફુગાવો વધ્યો

મંગળવારે અમેરિકામાં લેબર ડિપાર્ટમેન્ટે ગ્રાહક ભાવાંકના આંકડા જાહેર કર્યા હતા. જુલાઈમાં ફુગાવો ૦.૩ ટકા રહ્યો હતો જે જૂનમાં ૦.૧ ટકા હતો. બજારમાં ફુગાવાના આંકડા જાહેર થતાં સોનાના ભાવમાં ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. ફુગાવો વધે તો વ્યાજદર ઘટાડવાની સંભાવના ઘટે છે જેને કારણે થોડો નફો બુક થઈ રહ્યો હોવાની ધારણા છે. જોકે ક્રુડ ઑઇલના ભાવમાં જોવા મળેલા ઘટાડાને કારણે ફુગાવો આગામી દિવસોમાં ઘટી શકે છે એવી ધારણાએ સોનું હજી પણ મજબૂત છે.

સલામતી માટે સોનું જ એક વિકલ્પ

જોકે આર્જેન્ટિનાની રાજકીય કટોકટી, ટ્રેડ-વૉર અને હૉન્ગકૉન્ગની સ્થિતિને કારણે હજી પણ સોનાની તેજીતરફીનાં કારણો ઘણાં મજબૂત છે. આ સ્થિતિમાં સોનાનો ભાવ ઘટી શકે એમ નથી. વિશ્વભરનાં શૅરબજારો પણ ઘટી રહ્યાં છે તેમ જ અમેરિકા અને જર્મનીમાં બૉન્ડના યીલ્ડ નબળા પડી રહ્યા છે જે સૂચવે છે કે હજી પણ હળવા વ્યાજદરની નીતિ આવી શકે છે અને એનાથી સોનાના ભાવને ટેકો મળી શકે છે. રાજકીય અનિશ્ચિત વાતાવરણમાં પણ સોનાની સેફ હેવન (એટલે કે સ્વર્ગ) તરીકેની માગ વધી શકે છે એટલે પણ સોનાના ભાવમાં ઘટાડો અત્યારે શક્ય જણાતો નથી.

ભારતમાં વધુ એક વિક્રમી સપાટી

સોનાના ભાવમાં આજે મંગળવારે વધુ એક વિક્રમી સપાટી ભારતમાં જોવા મળી હતી. વિશ્વની બજારમાં સતત વધી રહેલા ભાવ અને નબળા રૂપિયાને કારણે મુંબઈમાં સોનું આજે ૬૪૦ વધીને ૩૯,૦૧૫ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ હતું. મુંબઈ ઉપરાંત દિલ્હી અને અમદાવાદમાં પણ સોનાનો ભાવ ૩૯,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની એકદમ નજીક છે. આ ઉપરાંત હાજર બજારમાં ચાંદીના ભાવ મુંબઈમાં ૧૦૨૫ રૂપિયા વધીને ૪૫,૩૫૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા.

દરમ્યાન વાયદામાં એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૪૪૯ ખૂલી, ઉપરમાં ૩૮,૬૬૬ અને નીચામાં રૂ. ૩૮,૩૩૭ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૧૬ વધીને ૩૮,૫૫૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૩૭૪ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૩ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૨૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૨૫ વધીને બંધમાં ૩૮૦૩૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૮૫૦ ખૂલી, ઉપરમાં ૪૪૫૮૪ અને નીચામાં ૪૩૮૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૮૧ વધીને ૪૪,૪૪૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૭૮૦ વધીને ૪૪,૪૬૦ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૭૮૭ વધીને ૪૪,૪૬૪ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયો ૬ મહિનાના નીચા સ્તરે

ભારતીય ચલણ રૂપિયો આજે નબળો પડી ગયો હતો. આર્જેન્ટિનાની રાજકીય સ્થિતિને કારણે ચલણ પેસો એકઝાટકે ડૉલર સામે ૨૫ ટકા જેટલો સોમવારે નબળો પડ્યો હતો અને એની અસરથી દરેક ઇમર્જિંગ માર્કેટના ચલણ સામે ડૉલર મજબૂત થયો હતો. બીજી તરફ ભારતીય શૅરબજારમાં આવેલા કડાકાને કારણે પણ રૂપિયો નબળો પડ્યો હતો. એક તબક્કે ડૉલર સામે ૩૧ પૈસા નબળો પડેલો રૂપિયો દિવસના અંતે ડૉલર સામે ૭૧.૪૦ બંધ આવ્યો હતો. શુક્રવારે રૂપિયો ૭૦.૮૦ની સપાટીએ હતો. આમ એક જ દિવસમાં રૂપિયો ૬૦ પૈસા ઘસાયો હતો અને આજે ૬ ફેબ્રુઆરી પછીના સૌથી નીચા સ્તરે બંધ આવ્યો હતો. ગયા સપ્તાહે રૂપિયો ડૉલર સામે ૧૧૮ પૈસા ઘટી ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK