Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલર લિક્વિડિટીની ભાંજગડના આધારે સોનાના ભાવમાં થતી વધ-ઘટ

ડૉલર લિક્વિડિટીની ભાંજગડના આધારે સોનાના ભાવમાં થતી વધ-ઘટ

20 March, 2020 12:40 PM IST | Mumbai
Bullion Watch

ડૉલર લિક્વિડિટીની ભાંજગડના આધારે સોનાના ભાવમાં થતી વધ-ઘટ

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક બજારમાં અત્યારે અજુગતું બની રહ્યું છે. વ્યાજદર ઘટી રહ્યા છે. અમેરિકા, યુરોપ અને અન્ય દેશો વધુ ને વધુ લિક્વિડિટી બજારમાં ઠાલવી રહ્યા હોવા છતાં બૉન્ડના યીલ્ડ વધી રહ્યા છે. શૅરબજાર વધે ત્યારે સોનું વધે છે અને ઘટે ત્યારે સોનામાં વેચવાલી આવે છે. મંદી આવી રહી હોવા છતાં સોનાના ભાવ છેલ્લા એક મહિનામાં જેટલા સમયમાં ઉપરના મથાળેથી ૨૦૦ ડૉલર નીચે આવી ગયા છે. આ દર્શાવે છે કે અત્યારે બજારમાં રોકડ કે ડૉલરની બોલબાલા છે અને હમણાં આવી તીવ્ર વધ-ઘટ જોવા મળી શકે છે.

ફરી એક વખત અમેરિકામાં શૅરનાં ફ્યુચર્સ મંદીની સર્કિટ સાથે અટકી ગયાં હતાં અને બજારમાં અન્યત્ર નાણાં ભરવા માટે ફાંફાં મારી રહેલા ટ્રેડર્સ દ્વારા સોના-ચાંદીમાં વેચવાલી કરવામાં આવી હતી. આ વૃત્તિને કારણે ડૉલરના વિક્રમી ભાવ વચ્ચે સોના-ચાંદીમાં બુધવારે ફરી કડાકા બોલાયા હતા. અમેરિકન ટ્રેડિંગમાં ચાંદી ફરી એક વખત ૧૧ વર્ષની નીચી સપાટીએ હતી અને સોનું ૪૦.૩૦ ડૉલર ઘટી ૧૪૮૬.૧૦ ડૉલર પ્રતિની સપાટી બંધ આવ્યું હતું. ચાંદીના ભાવ ૧૧.૭૯૫ ડૉલર પ્રતિ ઔંસ હતા.

ગુરુવારે દિવસભર સોનાના ભાવ દબાણમાં રહ્યા હતા. કૉમેકસવાળો એક તબક્કે ઘટી ૧૪૭૫.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો અને ચાંદી મે વાયદો નીચા મથાળે ખરીદીના સહારે ૧૨.૦૫ ડૉલર પ્રતિ ઔંસ હતો.

અમેરિકન બજારો ખૂલ્યાં ત્યારે સરકાર કોરોના વાઇરસની અસર ખાળવા માટે વધુ એક સ્ટિમ્યુલસ પૅકેજ બનાવી રહી હોવાની જાણ સાથે શૅરબજારમાં ઉછાળો આવ્યો હતો. જેની સાથે સોનું અને ચાંદી પણ મજબૂત થયા હતા. રોકડની અછત દૂર થશે અને વધુ રાહત મળશે એવી ધારણાએ સોનું વધ્યું હતું. આ લખાય છે ત્યારે સોનું વાયદો ૧૦.૧૦ ડૉલર વધી ૧૪૮૮ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૨.૭૭ ડૉલર વધી ૧૪૮૮.૮૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી છે. ચાંદી મે વાયદો ૨.૭૦ ટકા કે ૩૨ સેન્ટ વધી ૧૨.૦૯ ડૉલર અને હાજર ૦.૯૬ ટકા કે ૧૧ સેન્ટ વધી ૧૨.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

ભારતીય બજાર ચાલુ હતાં ત્યારે નરમ વૈશ્વિક બજારોની જેમ ભારતમાં પણ સોનું અને ચાંદી ઘટ્યાં હતાં. ઘટાડો અલબત્ત ધીમો હતો, કારણ કે ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી, વિક્રમી નીચી સપાટીએ હોવાથી ભારતમાં પડતર મોંઘી પડે એટલે ભાવ આંશિક જ ઘટ્યા હતા.

મુંબઈ ખાતે હાજરમાં સોનું ૩૮૫ ઘટી ૪૧,૫૬૦ અને અમદાવાદ ખાતે ૩૮૦ ઘટી ૪૧,૫૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯,૩૦૭ ખૂલી ઉપરમાં ૪૦,૦૯૯ અને નીચામાં ૩૯,૦૫૨ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૫ ઘટીને ૩૯,૬૮૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૩,૦૭૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૯૦૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૮ ઘટીને બંધમાં ૩૯,૭૫૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ ખાતે હાજરમાં ચાંદી ૮૦૦ ઘટી ૩૬,૩૫૦ અને અમદાવાદ ખાતે ૭૩૦ ઘટી ૩૬,૪૨૦ રૂપિયા પ્રતિ એક કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૪,૫૭૨ ખૂલી ઉપરમાં ૩૪,૭૫૭ અને નીચામાં ૩૩,૭૧૧ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૫૬ વધીને ૩૪,૪૬૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૫૭૩ વધીને ૩૪,૫૦૪ રૂપિયા અને ચાંદી-માઈક્રો એપ્રિલ ૩૪૫ વધીને ૩૫,૪૬૯ રૂપિયા બંધ રહ્યા હતા.



ઉત્તર અમેરિકામાં ઈટીએફમાં ઉપાડ જોવા મળ્યો


અત્યાર સુધી બજારમાં એવી ધારણા હતી કે સોનામાં અન્ય રોકાણની સામે વળતર મળી રહ્યું હોવાથી અન્ય બજારની નુકસાની ઘટાડવા કે પ્રોફિટ બુક કરી રોકડની અછત દૂર કરવા સોનામાં વેચવાલી જોવા મળી રહી છે, પણ આજે તે વાત સત્તાવાર થઈ ગઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આજે રજૂ થયેલા એક રિપોર્ટ ઉત્તર અમેરિકામાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફ) દ્વારા માર્ચ મહિનામાં ૪.૩ ટન કે ૧૨.૩ કરોડ ડૉલરનું સોનું વેચવામાં આવ્યું છે. જોકે કાઉન્સિલ ઉમેરે છે કે હજુ પણ સોનામાં ઈટીએફ થકી રોકાણકારોએ માર્ચમાં (અમેરિકા સિવાય)થી ૩.૬ અબજ ડૉલર અને વાર્ષિક ધોરણે ૧૧.૫ અબજ ડૉલરનું નવું રોકાણ કર્યું છે. અન્ય અસ્કયામતો અને બજારની જેમ સોનામાં પણ વેચવાલી આવી છે, પણ મોટાભાગનું વેચાણ ડેરિવેટીવ્ઝ માર્કેટમાં કે બજારમાં ખુલ્લી રીતે થયું છે. ઈટીએફ થકી રોકાણ આવી જ રહ્યું છે.

ગોલ્ડ કાઉન્સિલનું તારણ


નાણાકીય બજારની વર્તમાન સ્થિતિના કારણે અલગ અલગ અસ્કયામતોમાં રોકાણ વેચી રોકડ ઊભી કરવાની વૃત્તિના કારણે સોના ઉપર પણ અસર પડી છે. આર્થિક વિકાસ ઘટે કે તેની ગતિ ધીમી પડે તો સોનાની માગ પણ ઘટી શકે છે અને તેના કારણે ભાવમાં તીવ્ર વધારા અને ઘટાડાનો દોર જોવા મળી શકે છે, પણ જેમ વ્યાજના દર શૂન્ય તરફ આગળ વધશે એમ સોનાનું આકર્ષણ વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું.

સ્વિત્ઝર્લેન્ડની સોનાની નિકાસ ઘટી

સ્વીસ ગોલ્ડ તરીકે વિશ્વમાં સોનાની ઓળખ અને ગુણવત્તા માટે પ્રખ્યાત સોનાનું રિફાઇનિંગ, ટ્રેડિંગ અને સ્ટોર કરતા સ્વિટ્ઝર્લેન્ડની ફેબુઆરીમાં સોનાની નિકાસ ઘટી રહી છે. વિશ્વમાં સૌથી મોટા આયાતકાર ચીનમાં સોનાની માત્ર ૨ ટન નિકાસ અહીંથી થઈ હતી જે જાન્યુઆરીના ૧૭ ટન કરતાં ઘણી ઓછી અને મે ૨૦૧૪ પછી સૌથી નીચી હતી. હૉન્ગકૉન્ગમાં જાન્યુઆરીમાં સ્વીસ ગોલ્ડની નિકાસ ૨૩.૬ ટન હતી જે ફેબ્રુઆરીમાં માત્ર ૧૦ કિલો રહી છે અને તે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી ઓછી છે. સમગ્ર રીતે સ્વીસ સોનાની નિકાસ ૪૨.૭ ટકા ફેબ્રુઆરીમાં હતી જે આગલા મહિનાના ૮૭.૭૪ ટન સામે અડધી થઈ ગઈ છે. જોકે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા વપરાશકાર ભારતમાં નિકાસ જાન્યુઆરીના ૮.૫ ટન સામે ફેબ્રુઆરીમાં વધીને ૯.૬ ટન રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 12:40 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK