શૅરબજારમાં પ્રોફિટ બુકિંગ વચ્ચે સોનાના ભાવ 1800 ડૉલર પર ટકી રહેવામાં સફળ

Published: 26th November, 2020 12:07 IST | Bullion Watch | Mumbai

અર્થતંત્રની મંદી વધી રહેલા કોરોના વાઇરસના કેસ સાથે હજુ પણ વધશે એવી ધારણાએ સોના અને ચાંદીના ભાવ કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સતત વધી રહ્યા હતા

ગોલ્ડ અને સિલ્વર
ગોલ્ડ અને સિલ્વર

અર્થતંત્રની મંદી વધી રહેલા કોરોના વાઇરસના કેસ સાથે હજુ પણ વધશે એવી ધારણાએ સોના અને ચાંદીના ભાવ કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સતત વધી રહ્યા હતા. સુરક્ષા અને જોખમ સામે રોકાણની જાળવણી માટે સૌથી સારી અસ્કયામત ગણાતાં સોના અને ચાંદીની આ વિશ્વસનિયતા સામે જ અત્યારે પ્રશ્ન ઊભો થયો છે. વેક્સિન બજારમાં આવી રહી છે અને ૨૦૨૧નો આર્થિક વિકાસ વેક્સિન અસરકારક રહે તો ધારણા કરતાં ઘણો વધારે રહે એવી ધારણા છે એટલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં સોનું ૩.૩ ટકા અને ચાંદી ૪ ટકા ઘટ્યા બાદ આજે તેમાં થોડી સ્થિરતા આવી છે અને ભાવ મક્કમ જોવા મળી રહ્યા છે.

અમેરિકામાં ધારણા કરતાં બેરોજગારીનો આંક વધારે આવ્યો છે, શૅરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોવાથી પણ સોના અને ચાંદીના ભાવઘટાડા ઉપર બ્રેક લાગી છે.

મંગળવારે સોનાના ભાવ ૧.૮ ટકા ઘટી જુલાઈ પછીની સૌથી નીચી સપાટીએ હતા. ચાંદી પણ ૧.૪ ટકા ઘટી હતી. એક તબક્કે સોનાના ભાવ ૧૮૦૦ ડૉલરની નીચે સરકી ગયા હતા પણ હવે થોડી ખરીદી નીકળી છે. બુધવારે અમેરિકન સત્રમાં સોનું કૉમેકસ ફેબ્રુઆરી વાયદો ૦.૪૩ ટકા કે ૭.૮૦ ડૉલર વધી ૧૮૧૮.૭ અને હાજરમાં ૦.૨૮ ટકા કે ૫.૧૨ ડૉલર વધી ૧૮૧૨.૭૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી માર્ચ વાયદો ૦.૫૬ ટકા કે ૧૩ સેન્ટ વધી ૨૩.૫૪ ડૉલર અને હાજરમાં ૦.૪૭ ટકા કે ૧૧ સેન્ટ વધી ૨૩.૩૮ ડૉલરની સપાટી પર છે.

ભારતમાં સોનું નરમ,ચાંદીના ભાવ સુધર્યા

વૈશ્વિક બજારમાં ઘટી રહેલા સોનાના ભાવ સાથે ભારતમાં હાજરમાં ભાવ ઘટ્યા હતા જ્યારે વાયદામાં મક્કમ હવામાન હતું. મુંબઈ હાજર સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૦ ઘટી ૫૦,૮૫૦ અને અમદાવાદ ખાતે ૧૪૫ ઘટી ૫૦,૮૩૫ રૂપિયાના ભાવે બંધ આવ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૪૯૭ ખૂલી, ઉપરમાં ૪૮,૮૨૭ અને નીચામાં ૪૮,૩૯૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૬ વધીને ૪૮,૫૯૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૧૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૪૬૪ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૬ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૬૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨ રૂપિયા ઘટીને બંધમાં ૪૮,૬૮૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૭૫૦ વધી ૬૨,૪૫૦ અને અમદાવાદ ખાતે ૭૩૦ વધી ૬૨.૪૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૯,૬૧૭ ખૂલી, ઉપરમાં ૬૦,૩૫૫ અને નીચામાં ૫૯,૧૩૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૨૭૨ વધીને ૫૯,૮૯૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૯૦ વધીને ૬૦,૦૫૫ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૩૦૬ વધીને ૬૦,૦૬૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો વધ્યો

વૈશ્વિક બજારમાં ડૉલર ઘટવાનું ચાલુ રહેતા ભારતમાં વધુને વધુ વિદેશી ફન્ડ્સનો પ્રવાહ આવી રહ્યો હોવા વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે પણ વધીને બંધ આવ્યો હતો. મંગળવારે ડૉલર સામે રૂપિયો ૭૪.૦૧ બંધ આવ્યો હતો જે આજે વધીને ૭૩.૯૮ ખૂલ્યા બાદ વધીને ૭૩.૮૮ થયા બાદ દિવસના અંતેરૂપિયો ૧૦ પૈસા વધી ૭૩.૯૧ બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયાની આ એક મહિનામાં સૌથી ઊંચી સપાટી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK