અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલીથી સોનું 1900 ડૉલરને પાર

Published: Jul 25, 2020, 11:49 IST | Bullion Watch | Mumbai

સોનાના ભાવ ૧૯૦૦ ડૉલરને વટાવી ગયા હતા અને અત્યારે તેજીનાં પરિબળો તરફેણમાં હોવાથી એના ભાવ ૧૯૨૦ ડૉલરની ઐતિહાસિક સૌથી ઊંચી સપાટી પાર કરે એવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ગોલ્ડ
ગોલ્ડ

સોનાના ભાવ ૧૯૦૦ ડૉલરને વટાવી ગયા હતા અને અત્યારે તેજીનાં પરિબળો તરફેણમાં હોવાથી એના ભાવ ૧૯૨૦ ડૉલરની ઐતિહાસિક સૌથી ઊંચી સપાટી પાર કરે એવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ડૉલર બે વર્ષના તળિયે, અમેરિકા અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોમાં વધી રહેલી તંગદિલી અને અમેરિકામાં આર્થિક રિકવરી ધારણા કરતાં વધારે સમય પછી જોવા મળે એવા સંકેત વચ્ચે સોનાના ભાવ ગુરુવાર સાંજથી ફરી વધવા શરૂ થયા છે. ગુરુવારની તેજીમાં સોનાના વાયદા અમેરિકન સત્રમાં ૧૯૦૪ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જે સપ્ટેમ્બર ૨૦૧૧ પછીની સૌથી ઊંચી સપાટી છે. શુક્રવારે રાત્રે વાયદો પછી ૧૯૦૦ ડૉલરની આસપાસ રહ્યો હતો. ગુરુવારે ૧૮૯૦ ડૉલર બંધ રહેલો સોનું ઑગસ્ટ વાયદો આજે વધીને ૧૯૦૦ ડૉલર અને હાજરમાં ૦.૪૫ ટકા કે ૮.૫૧ ડૉલર વધી ૧૮૯૫.૯૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં સોનાના ભાવ ૨૪ ટકા જેટલા વધ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે ફરી તંગદિલી વધી રહી છે. અમેરિકામાં જૉબલેસ ક્લેમના આંકડા એપ્રિલ પછી ફરી એક વખત વધી રહ્યા છે અને એને આર્થિક રિકવરી સામે પ્રશ્નાર્થ માનવામાં આવી રહ્યા છે. તંગદિલી અને અર્થતંત્રને કારણે અમેરિકન ડૉલર બે વર્ષની નીચી સપાટીએ છે. ડૉલરના ઘટતા ભાવથી સોનાની ખરીદી અન્ય ચલણમાં સસ્તી બને છે એટલે એની ખરીદી આકર્ષક ગણવામાં આવે છે.

ભારતમાં સોનું ૫૩૦૦૦ રૂપિયાની સપાટી તરફ

દરમિયાન વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયો નરમ રહેતાં ભારતમાં ભાવ સતત ત્રીજા દિવસે નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ આગળ વધી ૫૩,૦૦૦ રૂપિયા તરફ પહોંચી રહ્યા છે. મુંબઈ હાજર સોનું ૪૩૫ વધી ૫૨,૮૩૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૮૦૯ ખૂલી, ઉપરમાં ૫૦,૯૪૮ અને નીચામાં ૫૦,૫૭૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૧ વધીને ૫૦,૮૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૬ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૯૩૦ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૮ વધીને ૧ ગ્રામદીઠ ૫૦૭૧ રૂપિયા થયા હતા. મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૯ વધીને બંધમાં ૫૦,૯૧૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

બીજા દિવસે પણ ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગ

ચાંદીના ભાવ ૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સતત બીજા દિવસે આજે પ્રૉફિટ-બુકિંગને કારણે ઘટ્યા છે. અમેરિકામાં અર્થતંત્રની વૃદ્ધિ ધારણા કરતાં મોડી આવશે એવા સંકેત વચ્ચે ઉદ્યોગોમાં વપરાતી ચાંદીના ભાવ ગુરુવારે ૦.૬૯ ટકા ઘટ્યા હતા. આજે ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૭૭ ટકા કે ૧૮ સેન્ટ ઘટી ૨૨.૮૧ ડૉલર અને હાજરમાં ૬ સેન્ટ વધી ૨૨.૬૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ભારતમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજર ચાંદી ૩૦૦ ઘટી ૬૧,૯૦૦ અને અમદાવાદમાં ૩૧૫ ઘટી ૬૧,૮૭૫ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૧૩૭ ખૂલી, ઉપરમાં ૬૧,૪૦૦ અને નીચામાં ૬૦,૫૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૧૧ ઘટીને ૬૦,૭૭૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૮૧ ઘટીને ૬૦,૯૨૧ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૪૦૬ ઘટીને ૬૦,૯૦૨ રૂપિયા બંધ રહ્યા હતા.

આજે નરમાઈ છતાં બીજા સપ્તાહે પણ ડૉલર સામે રૂપિયો વધીને બંધ

ભારતીય શૅરબજારમાં વેચાણની સાથે અમેરિકા અને ચીન વચ્ચે વધેલી તંગદિલીને કારણે ભારતીય રૂપિયો આજે ડૉલર સામે ઘટીને બંધ આવ્યો હતો. ગુરુવારે ૭૪.૭૫ બંધ રહેલો રૂપિયો આજે વૈશ્વિક નબળાઈ વચ્ચે ૧૯ પૈસા નરમ ખૂલી ૭૪.૯૪ની સપાટીએ ગયો હતો. એક તબક્કે એ વધીને ૭૪.૮૦ થયા બાદ સત્રના અંતે ૭૪.૮૩ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલ કરતાં ૯ પૈસાનો ઘટાડો દર્શાવે છે. ડૉલર ઉપરાંત રૂપિયો આજે યુરો, પાઉન્ડ અને યેન સામે પણ નબળો પડ્યો હતો. ગયા સપ્તાહમાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા મજબૂત થઈ ૭૫.૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ બીજા સપ્તાહમાં પણ રૂપિયો ડૉલર સામે ૧૯ પૈસા વધીને બંધ આવ્યો છે.

ઘરાકીનો અભાવ, ચાંદીની તેજીએ સોનામાં ડિસ્કાઉન્ટ

સોના કરતાં ચાંદીમાં વધારે તેજી જોવા મળતાં ભારતમાં સોનાના ભાવમાં બુલિયન ટ્રેડમાં પ્રીમિયમને બદલે ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હતું. એવી જ રીતે ચીનમાં પણ ડિસ્કાઉન્ટમાં વધારો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે ભારતમાં વૈશ્વિક બજાર કરતાં હાજરમાં સોનું ખરીદવા માટે બે ડૉલર પ્રતિ ઔંસનું પ્રીમિયમ હતું જે આ સપ્તાહે ૬ ડૉલર જેટલું ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે.

ભારતમાં સોનાના ભાવ ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ છે અને હાજરમાં ખરીદીનો અભાવ છે. સામે ચાંદીમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે એટલે રોકાણ ચાંદી તરફ વળી રહ્યું હોવાનું બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં વિવિધ શહેરોમાં હજી પણ લૉકડાઉન છે, લગભગ ૫૦ ટકા જેટલા જ્વેલર્સના શોરૂમ બંધ છે અને માગ પણ નથી એટલે સોનાનું કોઈ લેવાલ નથી.

દરમિયાન ચીનમાં ગયા સપ્તાહે ૩૦ ડૉલર જેટલું પ્રતિ ઔંસ ડિસ્કાઉન્ટ હતું એ આ સપ્તાહમાં વધી ૩૭ ડૉલર થઈ ગયું છે. હાજરમાં ખરીદીનો અભાવ છે અને લોકો પોતાનું જૂનું સોનું વેચી રહ્યા છે. કેટલાક લોકો સોનું વેચીને ચાંદીની ખરીદી કરી રહ્યા હોવાનું પણ બજારમાંથી જાણવા મળ્યું છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK