યુરોપના આર્થિક પૅકેજથી સોનામાં તેજી : ભારતમાં ભાવ ઓલ ટાઇમ હાઇ

Published: Jul 22, 2020, 12:25 IST | Bullion Watch | Mumbai

યુરોપમાં ૨.૧ ટ્રિલ્યન ડૉલરનું નવું આર્થિક પૅકેજ મંજૂર થતાં અમેરિકામાં આર્થિક સહાય લંબાવવામાં આવશે એવી આશા અને ડૉલર નબળો પડી રહ્યો હોવાથી સોનાના ભાવ ગઈ કાલે નવ વર્ષની ઊંચી સપાટીથી નજીક જોવા મળી રહ્યા છે.

ગોલ્ડ
ગોલ્ડ

યુરોપમાં ૨.૧ ટ્રિલ્યન ડૉલરનું નવું આર્થિક પૅકેજ મંજૂર થતાં અમેરિકામાં આર્થિક સહાય લંબાવવામાં આવશે એવી આશા અને ડૉલર નબળો પડી રહ્યો હોવાથી સોનાના ભાવ ગઈ કાલે નવ વર્ષની ઊંચી સપાટીથી નજીક જોવા મળી રહ્યા છે. જોકે ભારતમાં સોનાનો ભાવ ૫૧,૫૦૦ રૂપિયાની સપાટી પાર કરી ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

ચાર દિવસ લાંબી ચર્ચા બાદ યુરોપિયન સંઘે પોતાના ઇકૉનૉમિક બ્લોક માટે ૨.૧ લાખ કરોડ ડૉલરનું બજેટ મંજૂર કર્યું હતું. આ બજેટમાં ૭૫૦ અબજ યુરોનું સ્ટીમ્યુલસ પૅકેજ પણ છે. આ પૅકેજની જાહેરાત બાદ અમેરિકન ડૉલર નબળો પડ્યો હતો. ડૉલરની નબળાઈથી અન્ય ચલણમાં તેની ખરીદી સસ્તી બને અને રોકાણ આકર્ષક બને એટલે સોનામાં તેજીની ચમક જોવા મળી રહી છે. બીજું આર્થિક મંદી હજુ ચાલશે અને નાણાપ્રવાહના કારણે વ્યાજનો દર પણ નીચો રહે એવી ગણતરીએ સોનાના ભાવમાં તેજી જળવાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં ગઈ કાલે સોનું ઑગસ્ટ વાયદો ૧.૨૪ ટકા કે ૨૨.૫૦ ડૉલર વધી ૧૮૩૯.૯ અને હાજરમાં ૦.૯૮ ટકા કે ૧૭.૭૯ ડૉલર વધી ૧૮૩૫.૫૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. છેલ્લા પાંચ મહિનાથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે. કેલેન્ડર વર્ષમાં સોનું ૨૧ ટકા કે ૩૧૭ ડૉલર વધ્યું છે.

ભારતમાં સોનું ૫૧,૫૦૦ને પાર

વૈશ્વિક બજારમાં સોનાના ઊંચા ભાવના પગલે ભારતમાં પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભારતમાં છેલ્લા છ મહિનાથી સોનાની આયાત ઘટી રહી છે એટલે હાજરમાં માલના અભાવે તહેવારોની મોસમ પહેલાં માગ નીકળતા પણ ભાવમાં વૃદ્ધિ આવી હોય એવી શક્યતા છે.

ભારતીય બજારમાં હાજરમાં સોનાનો ભાવ સર્વકાલીન ઊંચી સપાટીએ છે. મુંબઈ હાજરમાં સોનું ૬૧૫ વધી ૫૧,૫૫૦ અને અમદાવાદમાં ૬૫૦ વધી ૫૧,૫૨૫ રૂપિયાની સપાટીએ બંધ રહ્યા હતા. ભારતમાં ડિસેમ્બર ૨૦૧૯ની સરખામણીએ સોનાના ભાવ ૧૧,૪૬૫ કે ૨૮.૬૦ ટકા વધ્યા છે. ભારતમાં સોનાના ભાવ વિક્રમી સ્તરે છે એનું કારણ વૈશ્વિક બજારમાં નવ વર્ષના ઊંચા ભાવ ઉપરાંત ભારતમાં ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો પણ છે. આ સમયમાં રૂપિયો ૪.૫૧ ટકા ઘટી ગયો છે. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૦૭૮ ખૂલી, ઉપરમાં ૪૯,૨૩૯ અને નીચામાં ૪૯,૦૩૬ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૭૧ વધીને ૪૯,૧૯૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૦૫ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૭૧૦ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૧૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૬૭ વધીને બંધમાં ૪૯,૨૩૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

અમેરિકન ડૉલરમાં ત્રીજા દિવસે પણ ઘટાડો

અમેરિકન ડૉલરમાં સતત ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં છેલ્લા ૨૧ દિવસના ટ્રેડિંગમાં ગઈ કાલે ૧૫મો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન ચલણનું વિશ્વના છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૨૩ ટકા ઘટી ૯૫.૫૫૨ની સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં જ્યારે કોરોના વાઇરસના કારણે વૈશ્વિક શૅરબજારો, કૉમોડિટીઝમાં વેચવાલી ચાલી રહી હતી ત્યારે લોકો સલામત રોકાણ માટે ડૉલર તરફ વળી રહ્યા હતા અને ડૉલર ઇન્ડેક્સ ૧૦૩.૯૬૦ની ઊંચી સપાટીએ હતો.

આ પછી લૉકડાઉન ખૂલી રહ્યું છે, કોરોના વાઇરસના દરદીઓ વધી રહ્યા છે, પણ બજારમાં પુષ્કળ નાણાં પ્રવાહિતા, કંપનીઓનાં પરિણામ સારાં આવતાં અને હવે વેક્સિનમાં પ્રગતિ જોવા મળી રહી હોવાથી ડૉલરનાં વળતાં પાણી થયાં છે. ચાર મહિનાથી સતત ઘટી રહેલો ડૉલર તાજેતરની ઊંચી સપાટીથી ૮.૧૧ ટકા ઘટી ગયો છે. ડૉલર સામે યુરો ચાર મહિનાની ઊંચી સપાટીએ છે અને પાઉન્ડ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

ડૉલર સામે રૂપિયો બે સપ્તાહની ઉપરની સપાટીએ

વૈશ્વિક બજારમાં નબળા ડૉલર, ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની ખરીદી અને કોરોનાની વેક્સિનમાં થઈ રહેલી પ્રગતિના કારણે ઇમર્જિંગ ઇકૉનૉમિનાં ચલણો સાથે રૂપિયો ગઈ કાલે અમેરિકન ડૉલર સામે વધી બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. સોમવારે ૭૪.૯૨ બંધ રહેલો રૂપિયો મંગળવારે ૭૪.૭૯ની ઉપરની સપાટીએ ખૂલી ઘટી ૭૪.૮૭ થઈ દિવસની સપાટીએ ૧૭ પૈસા વધી ૭૪.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો જે જુલાઈ તા.૬ પછીની સૌથી ઊંચી સપાટી છે. આમ છતાં ડૉલર સામે રૂપિયો ચાલુ કેલેન્ડર વર્ષમાં ૪.૫૧ ટકા ઘટેલો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK