Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શુક્રવારના કડાકા બાદ સોનું અને ચાંદી ફરી વધ્યાં

શુક્રવારના કડાકા બાદ સોનું અને ચાંદી ફરી વધ્યાં

11 August, 2020 12:31 PM IST | Mumbai
Bullion Watch

શુક્રવારના કડાકા બાદ સોનું અને ચાંદી ફરી વધ્યાં

ગોલ્ડ

ગોલ્ડ


શુક્રવારે ભારે કડાકા બાદ અન્ય પરિબળોને અવગણી સોનું ફરી તેજીમાં આવી ગયું છે. બજારની નજર અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી તરફ છે. ટીકટૉક બાદ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ તાઇવાનની મુલાકાત લીધી હતી. તાઇવાનને પોતાનો હિસ્સો માનતું ચીન આ ઘટનાથી ગિન્નાયું છે અને એ વળતો જવાબ આપે એવી શક્યતા છે.

બીજી તરફ અમેરિકન ડૉલરમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી રહી છે અને એની અસરથી સોનાના ભાવમાં ઘટાડા પછી નીકળેલી ખરીદી પર લગામ જોવા મળી રહી છે. ડૉલરના મૂલ્યમાં વધારો થવાથી સોનાની પડતર વધે અને એનો સંગ્રહ મોંઘો થાય છે એટલે ભાવ ઊછળ્યા છે, પણ વિક્રમી સપાટીથી હજુ દૂર છે. ડૉલરના મૂલ્યમાં વૃદ્ધિ, રોજગારી સર્જનમાં વધારાના કારણે સોનાના ભાવ દિવસના વિક્રમી સ્તર ૨૦૭૮ સામે ૨૦૧૮ ડૉલરની સપાટીએ બંધ આવ્યા હતા.



ગઈ કાલે કોમેક્સ ખાતે ગોલ્ડ ઑક્ટોબર વાયદો ૦.૭૫ ટકા કે ૧૫ ડૉલર વધી ૨૦૩૩.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ડિસેમ્બર વાયદો ૦.૬૭ ટકા કે ૧૩.૫૦ ડૉલર વધી ૨૦૪૧.૫૦ ડૉલરની સપાટી પર છે. હાજરમાં સોનું ૨.૬૪ ડૉલર ઘટી ૨૦૩૨.૯૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.


ભારતમાં હાજરમાં સોનું નરમ, વાયદામાં વૃદ્ધિ

ભારતમાં ઊઘડતી બજારે હાજરમાં સોનું નરમ જોવા મળી રહ્યું છે. મુંબઈ ખાતે ભાવ ૧૧૫ ઘટી ૫૭,૩૭૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૧૦ ઘટી ૫૭,૩૨૦ રૂપિયાની સપાટી પર છે. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૫,૦૪૯ ખૂલી, ઉપરમાં ૫૫,૦૯૮ અને નીચામાં ૫૪,૮૬૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૮ વધીને ૫૪,૯૪૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૫ વધીને ૮ ગ્રામદીઠ ૪૪,૫૨૩ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭ વધીને ૧ ગ્રામદીઠ ૫૬૦૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૧ વધીને બંધમાં ૫૫,૧૫૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.


શુક્રવારના કડાકા પછી ચાંદીમાં સ્થિરતાનો પ્રયાસ

વૈશ્વિક બજારમાં ૨૯ ડૉલર પ્રતિ ઔંસની ૮ વર્ષની ઊંચી સપાટીથી ઘટેલા ચાંદીના ભાવમાં ગઈ કાલે થોડી સ્થિરતા જોવા મળી રહી છે. ચાંદી શુક્રવારે ૩.૦૩ ટકા ઘટી ૨૭.૫૪ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહી હતી. ગઈ કાલે સોનાની સાથે એમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ગઈ કાલે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ૩.૫૮ ટકા કે ૯૯ સેન્ટ વધી ૨૮.૫૩ ડૉલર અને હાજરમાં ૦.૮૯ ટકા કે ૨૧ સેન્ટ વધી ૨૪.૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ચાંદી હાજરમાં મુંબઈ ખાતે ૨૦૦ વધી ૭૫,૨૬૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૮૫ વધી ૭૫,૨૩૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૭૫,૩૧૪ ખૂલી, ઉપરમાં ૭૬,૨૧૯ અને નીચામાં ૭૪,૩૦૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૬૨ વધીને ૭૪,૮૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૭૦૭ વધીને ૭૪,૮૧૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૭૧૧ વધીને ૭૪,૭૯૮ રૂપિયા બંધ રહ્યા હતા.

સતત ચોથા મહિને ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં નવો પ્રવાહ

વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં સતત સાત મહિનાથી નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને કુલ ગોલ્ડ હોલ્ડિંગ વિક્રમી ૩૭૮૫ ટન જેટલું થયું છે. આટલી મોટી માત્રામાં ફંડ્સ પાસે ક્યારેય સોનું હતું નહીં. જોકે માત્ર અમેરિકા કે યુરોપમાં જ નહીં, પણ ભારતમાં પણ ગોલ્ડ ઈટીએફની બોલબાલા જોવા મળી રહી છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં પ્રથમ સાત મહિનામાં ભારતમાં ગોલ્ડ ફંડ્સમાં નવો ૪૪૫૧.૯૦ કરોડ રૂપિયાનો પ્રવાહ જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં નવો પ્રવાહ ૯૨૧.૧૯ કરોડ રૂપિયાનો રહ્યો છે. ભારતમાં કુલ ઈટીએફ અસ્કયામત જુલાઈના અંતે ૧૨,૯૪૦.૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સોનાના વધતા ભાવ સાથે સતત ત્રીજા મહિને ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં નવો પ્રવાહ આવી રહ્યો છે. આ સાત મહિનામાં માત્ર માર્ચમાં ૧૯૪.૩૫ કરોડ રૂપિયાનો ઉપાડ જોવા મળ્યો હતો. વૈશ્વિક રીતે કોરોનાના વધી રહેલા વ્યાપની સાથે નાણાબજારમાં અનિશ્ચિતતા જોવા મળી હતી અને એના કારણે પ્રવાહ ઘટ્યો હોય એવી શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 12:31 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK