અમેરિકી ડૉલર સુધરતો અટકી જતાં સોનું-ચાંદી ટૂંકા ગાળા માટે સુધર્યાં

Published: Sep 05, 2020, 13:27 IST | Bullion Watch | Mumbai

અમેરિકાના જૉબડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં સોના અને ચાંદીમાં વધુ તેજીના ચાન્સ ઓછા

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકાના નૉન-ફાર્મ પેરોલ ડેટા એટલે કે જૉબડેટા ધારણાથી ઘણા સારા આવતાં તેમ જ અન-એમ્પ્લૉયમેન્ટ રેટ ઘટતાં સોના-ચાંદીમાં તેજીના ચાન્સ‍ ધૂંધળા બન્યા હતા. જોકે શુક્રવારે અમેરિકી ડૉલર સુધરતો અટકી જતાં દિવસ દરમ્યાન સોનું-ચાંદી સુધર્યાં હતાં એને પગલે મુંબઈ માર્કેટમાં સોનું ૧૦ ગ્રામ ૧૫૮થી ૧૫૯ રૂપિયા અને ચાંદી ૪૪ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકાના જૉબડેટા નબળા આવવાની ધારણાએ શુક્રવારે દિવસ દરમ્યાન સ્ટૉક માર્કેટ નબળી રહી હતી, પણ અમેરિકાના જૉબડેટા અપેક્ષાથી ઘણા સારા આવતાં હવે સોના-ચાંદીમાં તેજીના ચાન્સ ઘટ્યા છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ઇકૉનૉમિક રિકવરી ઝડપી બનવાની આશાએ અમેરિકી ડૉલરનો સાપ્તાહિક સુધારો મે મહિના પછીનો સૌથી બેસ્ટ રહ્યો હતો, જેને પગલે સોનું વિશ્વબજારમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૧.૩ ટકા અને ચાંદી ૨.૩ ટકા ઘટી હતી. અમેરિકાના જૉબડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં વધુ ઘટાડો થવાની શક્યતા ઍનલિસ્ટો બતાવી રહ્યા છે. ટેક્નિકલ ચાર્ટિસ્ટો પણ સોનું ૧૯૧૦ ડૉલર સુધી ઘટવાની આગાહી કરી રહ્યા છે. અમેરિકા સહિત અનેક દેશોના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા જાહેર થયા બાદ શુક્રવારે અમેરિકાના જૉબડેટા પણ જાહેર થઈ ચૂક્યા હોવાથી હવે નેક્સ્ટ વીકમાં કોઈ મહત્ત્વના ઇકૉનૉમિક ડેટા જાહેર થવાના નથી એથી સોના-ચાંદીમાં મર્યાદિત મૂવમેન્ટ રહેવાની ધારણા છે.

ઇકૉનૉમિક ફૅક્ટર

અમેરિકાના ઑગસ્ટ મહિનાના જૉબડેટા શુક્રવારે ધારણા કરતાં ઘણા સારા આવ્યા હતા. અમેરિકાના શુક્રવારે સાંજે જાહેર થયેલા નૉન ફાર્મ પેરોલ ડેટામાં ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં ૧૩.૭૧ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. માર્કેટની ધારણા ૧૩.૫૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. જોકે જુલાઈમાં અમેરિકામાં ૧૭.૩૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. સૌથી મહત્ત્વની વાત એ હતી કે અમેરિકાનો અન-એમ્પ્લૉમેન્ટ રેટ ઑગસ્ટમાં ઘટીને ૮.૪ ટકા થયો હતો જે જુલાઈમાં ૧૦.૨ ટકાએ પહોંચ્યો હતો તેમ જ ટ્રેડની ધારણા ૯.૮ ટકા હતી. અમેરિકામાં દર કલાકે વર્કરોને મળતું વેતન ઑગસ્ટમાં ૦.૪ ટકા વધ્યું હતું, જે જુલાઈમાં ૦.૧ ટકા જ વધ્યુ હતું તેમ જ ટ્રેડની ધારણા વેતન સમાન રહેવાની હતી. કોરોના વાઇરસની અસર છતાં લેબર ફોર્સનું પાર્ટિસિપન્ટ ૬૧.૭ ટકા રહ્યું હતુ જે જુલાઈમાં ૬૧.૪ ટકા હતું તેમ જ ટ્રેડની ધારણા ૬૧.૮ ટકા હતી. આમ અમેરિકાના જૉબડેટા સોના-ચાંદીની માર્કેટની તેજી માટે નકારાત્મક હતા.

ભારતીય માર્કેટમાં સોનાના ભાવ ૯ ટકા ઘટતાં રીટેલમાં ડિમાન્ડ વધી

અમેરિકી ડૉલરની તેજી અને ઇકૉનૉમિક રિકવરી ઝડપી બનવાના સંકેતને પગલે વિશ્વબજારમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી ઘટતાં એની અસરે ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ છેલ્લા ૮થી ૧૦ દિવસમાં ૯ ટકા ઘટ્યો હતો. સોનાનો ભાવનો બેન્ચમાર્ક એમસીએક્સ વાયદો વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૫૬૧૯૧ રૂપિયો થયો હતો જે ઘટીને શુક્રવારે ૫૦,૮૭૫ રૂપિયા થયો હતો. ખાસ કરીને કેરળમાં ઓનમના તહેવારોની ઘરાકીમાં ખાસ્સો એવો વધારો નોંધાયો હતો એ સિવાય ભારતના અન્ય પ્રદેશોમાં પણ સોનાની ડિમાન્ડ વધી હતી. લંડન સોનાના ભાવ પર હાલમાં ભારતમાં પ્રતિ ઔંસ ૪૦ ડૉલરનું ડિસ્કાઉન્ટ ચાલે છે જે ગયા સપ્તાહે ૪૩ ડૉલર હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK