બે દિવસના વિરામ બાદ સોના-ચાંદીમાં ફરી તેજી

Published: Jul 14, 2020, 11:21 IST | Bullion Watch | Mumbai

ભારતમાં ચાંદી ૫૩,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો

ગોલ્ડ
ગોલ્ડ

કોરોના વાઇરસના વધી રહેલા કેસની સંખ્યા રોજ નવા વિક્રમ બનાવી રહી છે ત્યારે અને નબળા ડૉલરના કારણે સોનું વધુ આકર્ષક બની રહ્યું છે એટલે સોનાના ભાવમાં શુક્રવારના ઘટાડા પછી ગઈ કાલે ફરી તેજી જોવા મળી રહી છે. બજારની નજર ચીનના જીડીપીના આંકડા પર પણ રહેશે, જેના આધારે કોરોનાની અસર પૂર્ણ થયા બાદ રિકવરી કેટલી ઝડપથી આવશે એનો બજારને ખ્યાલ આવે.

ન્યુ યૉર્ક ખાતે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સોનું ઑગસ્ટ વાયદો ૦.૫૩ ટકા કે ૯.૬૦ ડૉલર વધી ૧૮૧૧.૫૦ અને હાજરમાં ૦.૬૧ ટકા કે ૧૧.૦૨ ડૉલર વધી ૧૮૦૯.૭૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતા. ચાંદીમાં વધારે તેજી હતી. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૨.૬૯ ટકા કે ૫૧ સેન્ટ વધી ૧૯.૫૭ ડૉલર અને હાજરમાં ૨.૫૯ ટકા કે ૪૮ સેન્ટ વધી ૧૯.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.

બુધવારે સોનાના ભાવ સપ્ટેમ્બર ૨૦૧૧ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગુરુવારે અને શુક્રવારે ઘટ્યા હતા. ચાંદી પણ ૧૦ મહિનાની ઉપરની સપાટીથી નબળી પડી હતી. કૅલેન્ડર વર્ષમાં સોનું ૧૮ ટકા જેટલું વધ્યું છે. ગઈ કાલના ભાવમાં તેજી દર્શાવે છે કે બન્ને ધાતુઓમાં દરેક ઘટાડે ફરીથી ખરીદી આવે છે અને એનાથી બન્ને ધાતુના ભાવ હજી પણ વધી શકે છે. ગયા સપ્તાહે, સતત છ સપ્તાહની વૃદ્ધિ પછી સોનું ૦.૫૮ ટકા વધી ૧૮૦૧.૯ ડૉલરની સપાટીએ બંધ હતું. ચાંદીના ભાવ પણ છ સપ્તાહની તેજી પછી ૨.૪૯ ટકા વધી ૧૮.૯૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ હતું.

ભારતમાં સોનું મક્કમ, ચાંદી ૫૩,૦૦૦ રૂપિયાને પાર

વૈશ્વિક બજારોની સાથે ભારતમાં પણ હાજરમાં સોનું અને ચાંદી વધ્યાં હતાં. હાજરમાં માલની અછતના કારણે પ્રીમિયમના લીધે બહુ સોદા થયા નહોતા, પણ વાયદામાં ભાવ ઊછળ્યા હતા. બીજી તરફ મુંબઈ ખાતે ચાંદીનો ભાવ ગઈ કાલે ૫૩,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

મુંબઈ હાજર ૧૭૦ વધી ૫૦,૮૯૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૭૫ વધી ૫૦,૮૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવ હતા. સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૦૪૬ ખૂલી, ઉપરમાં ૪૯,૧૫૫ અને નીચામાં ૪૮,૯૩૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫૬ વધીને ૪૯,૧૧૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૫૯૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૧૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૩૮ વધીને બંધમાં ૪૯,૧૨૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના ભાવ ૯૮૦ વધી મુંબઈમાં ૫૩,૦૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૯૮૫ વધી ૫૨,૯૭૫ રૂપિયા પ્રતિ એક કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૧,૭૮૦ ખૂલી, ઉપરમાં ૫૨,૫૨૭ અને નીચામાં ૫૧,૭૮૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૫૫ વધીને ૫૨,૪૧૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૯૭૪ વધીને ૫૨,૪૫૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૯૬૯ વધીને ૫૨,૪૪૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો ઊંચા મથાળેથી લપસ્યો

શૅરબજારમાં વ્યાપક વધઘટ અને વૈશ્વિક બજારમાં નબળા ડૉલરના કારણે ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ૭૫.૧૯ની સ્થિર સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે ૭૫.૨૦ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૫.૦૮ની મજબૂત સપાટીએ ખૂલ્યો હતો. રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મમાં આવી રહેલા વિદેશી રોકાણપ્રવાહના કારણે રૂપિયાને તેજીનો ટેકો મળ્યો હતો. સામે દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ, વિવિધ રાજ્યો અને શહેરોમાં ફરજિયાત લૉકડાઉન જેવા સમાચારો અને શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની વેચવાલી વચ્ચે એમાં ઘટાડો જોવા મળ્યો હતો અને દિવસના અંતે એ ૭૫.૧૯ પૈસા બંધ આવ્યો હતો. દરમિયાન, ડૉલરમાં નરમ હવામાન ચાલુ રહ્યું હતું. વિશ્વનાં છ અગ્રણી ચલણ સામે અમેરિકન ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે સતત ચોથા સપ્તાહે અઠવાડિક ઘટાડા સાથે બંધ આવ્યો હતો. ગયા સપ્તાહમાં ડૉલર ઇન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટી ૯૬.૪૯૦ બંધ રહ્યો હતો. ડૉલર સામે યુરો સતત ચાર સપ્તાહથી વધી ગયા શુક્રવારે ૧.૧૩૩૫ બંધ રહ્યો હતો. પાઉન્ડ ૦.૧૭ ટકા ઘટી ૧.૨૬ અને યેન સામે ડૉલર ૦.૨૭ ટકા વધી ૧૦૭.૧૯ બંધ રહ્યો હતો. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૨ ટકા ઘટી ગયો છે. યુરો ડૉલર સામે ૦.૨૮ ટકા વધ્યો છે અને યેન સામે ડૉલર ૦.૨૯ ટકા વધ્યો છે.   

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK