અમેરિકન ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં ફરી વૃદ્ધિ

Published: Sep 15, 2020, 13:12 IST | Bullion Watch | Mumbai

આ સપ્તાહે સેન્ટ્રલ બૅન્ક તરફના સંકેતો બજારની ચાલ નક્કી કરશે

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારમાં ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. આ સપ્તાહ દરમ્યાન વિવિધ સેન્ટ્રલ બૅન્કની મહત્ત્વની મીટિંગ વચ્ચે સોનાના ભાવ વ્યાજદર, ફુગાવો અને નાણાકીય પ્રવાહિતા અંગેના આકલનના આધારે વધે કે ઘટે તેવી શક્યતા છે. સોનાના વૈશ્વિક ભાવમાં વિક્રમી સપાટી પછી ગત સપ્તાહે ભારે વધઘટ જોવા મળી હતી. ઊંચી સપાટીએ પ્રોફિટ બુકિંગ અને નીચે ખરીદીનો ટેકો મળી રહ્યો હતો. આજે ડૉલરમાં નબળાઈ વચ્ચે સોનું ફરી વધ્યું છે. શૅરબજારમાં વૃદ્ધિ વચ્ચે પણ સોનાના મક્કમ ભાવ હોવાથી એવી ધારણા રાખવામાં આવી રહી છે કે સોનું ફરી એક વખત વિક્રમી સપાટી તરફ આગળ વધી શકે છે.

આ સપ્તાહમાં ફેડરલ રિઝર્વ, બૅન્ક ઑફ જાપાન અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની ધિરાણ નીતિ અંગેની બેઠકો થશે અને તેના આધારે સોનાના ભાવ અને ફોરેકસ માર્કેટમાં મોટી વધઘટ થશે. બજારની નજર આર્થિક વૃદ્ધિઅંગે આ બૅન્કોના આકલન, ફુગાવા અંગે આગાહી અને ભવિષ્યમાં નાણાનીતિ કેટલો સમય હળવી રહે છે તે અંગેના સંકેત ઉપર નજર રહેશે.

અમેરિકન સત્ર ખૂલતાની સાથે આજે કૉમેકસ ઉપર સોનું ડિસેમ્બર વાયદો ૦.૯૫ ટકા કે ૧૮.૫૦ ડૉલર વધી ૧૯૬૬.૪૦ અને હાજરમાં ૦.૮૯ ટકા કે ૧૭.૨૯ ડૉલર વધી ૧૯૫૭.૮૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી વાયદો ૧.૬૭ ટકા કે ૪૫ સેન્ટ વધી ૨૭.૩૧ ડૉલર અને હાજરમાં ૧.૪૩ ટકા કે ૩૮ સેન્ટ વધી ૨૭.૧૧ ડૉલર પ્રતિ ઔંસ છે.

વિદેશના ભાવમાં વૃદ્ધિના આધારે ભારતમાં પણ ભાવ વધ્યા

મુંબઈ હાજર બજારમાં સોનું ૨૬૦ વધી ૫૩,૩૫૦ અને અમદાવાદ ખાતે ૨૪૦ વધી ૫૩,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યો હતો. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૫૯૯ ખૂલી, ઉપરમાં ૫૧,૫૯૯ અને નીચામાં ૫૧,૩૩૪ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૮૩ વધીને ૫૧,૪૦૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૬૪ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૭૪૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૯ વધીને ૧ ગ્રામદીઠ ૫૨૨૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૭ વધીને બંધમાં ૫૧,૪૮૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૭૧૫ વધી ૬૭,૭૫૦ અને અમદાવાદ ખાતે ૧૦૪૫ વધી ૬૮,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૮,૪૮૫ ખૂલી, ઉપરમાં ૬૮,૫૦૦ અને નીચામાં ૬૭,૯૦૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૨૧૭ વધીને ૬૮,૧૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૩૫ વધીને ૬૮,૧૩૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૨૯ વધીને ૬૮,૧૩૮ રૂપિયા બંધ રહ્યા હતા.

દરમ્યાન બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફ્યુચર્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૧૧૦ ખૂલી, ઉપરમાં ૧૬,૧૩૨ અને નીચામાં ૧૬,૦૬૯ના સ્તરને પહોંચી ૬૩ પૉઇન્ટની મુવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૩૪ પૉઇન્ટ વધી ૧૬,૦૯૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઘરાકીનો અભાવ, ભારત–ચીનમાં બુલિયન ડિસ્કાઉન્ટમાં પણ લેવાલ નથી

વિશ્વના સોનાના સૌથી મોટા બે બજાર ભારત અને ચીનમાં સતત ચોથા સપ્તાહે ખરીદીના અભાવે બુલિયન ટ્રેડિંગમાં આંતરરાષ્ટ્રીય ભાવ સામે ડિસ્કાઉન્ટમાં સોનું મળી રહ્યું છે. શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં ભારતમાં વિદેશના ભાવ સામે ૩૦ ડૉલર પ્રતિ ઔંસમાં ડિસ્કાઉન્ટમાં સોનું વેચવામાં આવી રહ્યું હતું. કોરોના વાઇરસના કારણે સેન્ટિમેન્ટ બદલાયો છે અને આર્થિક મંદી આવી હોવાથી તહેવારો પહેલાં પણ ખરીદી જોવા મળી રહી નથી. ચીનમાં ૪૫થી ૫૫ ડૉલર પ્રતિ ઔંસના ડિસ્કાઉન્ટમાં સોનું ઑફર થઈ રહ્યું હોવા છતાં ખરીદી કે સોદાનો અભાવ છે. એવી ધારણા છે કે તહેવારો પહેલાં થોડી ખરીદી નીકળે ત્યારે ડિસ્કાઉન્ટ ઘટી શકે છે પણ ડિસેમ્બર સુધી બજારમાં માગની સ્થિતિ નરમ રહી શકે છે.

દિવસની ઉપરની સપાટીથી રૂપિયો લપસ્યો

શૅરબજારમાં તેજી અને ક્રૂડ ઑઈલના નરમ ભાવ વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે તેજીમાં હતો. જોકે દિવસમાં શૅરબજાર લપસી પડતાં રૂપિયો પણ દિવસની ઊંચી સપાટીથી ઘટી ગયો હતો. શુક્રવારે ૭૩.૫૩ બંધ રહેલો રૂપિયો આજે ૭૩.૪૦ ખૂલી દિવસની ઉપરની સપાટી ૭૩.૨૬ થયો હતો પણ પછી તે ગતિ ૭૩.૪૮ બંધ આવ્યો હતો. જોકે આગલા બંધ કરતાં રૂપિયો દિવસ દરમ્યાન પાંચ પૈસા વધ્યો હતો.

દરમ્યાન બે સપ્તાહ સુધી સતત વધ્યા પછી આજે ડૉલરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ પાછલા બે સપ્તાહમાં ૯૧.૭૨૫ સામે વધીને ૯૩.૬૬૫ થયો હતો. ડૉલરના મૂલ્યમાં વધારા સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આજે ડૉલર ઇન્ડેક્સ ૦.૪૩ ટકા ઘટી ૯૨.૯૪૦ની સપાટી ઉપર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK