વાઇરસની રસીની આશાએ ડૉલર ઘટતાં સોના અને ચાંદીમાં પ્રત્યાઘાતી ઉછાળો

Published: 20th October, 2020 13:55 IST | Bullion Watch | Mumbai

કોરોના વાઇરસની રસી માટે ફાઇઝર નવેમ્બર મહિનામાં અંતિમ મંજૂરી માટે અરજી કરે એવા અહેવાલ, અમેરિકામાં સ્ટિમ્યુલસ અંગે ફરી એકવાર આશા જોવા મળી રહી હોવાથી રોકડ છોડી રોકાણકારો શૅરબજારમાં વળી રહ્યા હતા.

ગોલ્ડ
ગોલ્ડ

કોરોના વાઇરસની રસી માટે ફાઇઝર નવેમ્બર મહિનામાં અંતિમ મંજૂરી માટે અરજી કરે એવા અહેવાલ, અમેરિકામાં સ્ટિમ્યુલસ અંગે ફરી એકવાર આશા જોવા મળી રહી હોવાથી રોકડ છોડી રોકાણકારો શૅરબજારમાં વળી રહ્યા હતા. આથી ડૉલર નબળો પડ્યો હતો અને તેની સાથે નીચા મથાળેથી સોના અને ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે.

અમેરિકન ડૉલરનું વિશ્વના છ મહત્ત્વના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગત સપ્તાહે ૦.૮૬ ટકા ટકા વધ્યો હતો. ડૉલરની મજબૂતી સાથે સોના અને ચાંદી નરમ રહ્યા હતા. ત્રણ સપ્તાહની વૃદ્ધિ પછી પ્રથમ વખત સોનું અને ચાંદી વૈશ્વિક બજારમાં ઘટીને બંધ આવ્યાં હતાં. ચાંદી ૭૦ સેન્ટ કે ૨.૮ ટકા અને સોનું ૧૯.૮ ડૉલર કે ૧.૦૨ ટકા ઘટ્યા હતા.

અમેરિકામાં ફરી એક વખત સ્ટિમ્યુલસ અંગેની આશાઓ બંધાતા સોનું શુક્રવારે ૧૮૯૯.૫૦ ડૉલર સુધી નરમ પડ્યું હતું. બજારમાં એવી ધારણા છે કે સ્ટિમ્યુલસ પણ આવશે અને જો બિડેનના નેતૃત્વમાં ડેમોક્રેટ સરકાર બનાવશે. આ બન્ને સ્થિતિમાં સોનાના ભાવમાં ટૂંકા ગાળા માટે ઘટાડો જોવા મળી શકે છે. જોકે સ્ટિમ્યુલસમાં સહમતી માટે અસફળતા મળે તો ભાવમાં જંગી વૃદ્ધિ પણ જોવા મળી શકે છે. કેટલાક વિશ્લેષકો પૅકેજના કારણે ફુગાવો વધે એવી ધારણાએ પણ બહુ મોટા ઘટાડાની આશા રાખી રહ્યા નથી.

ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૪૩ ટકા ઘટેલો છે અને તેનાથી સોના અને ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે. સોમવારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૪૭ ટકા કે ૯ ડૉલર વધી ૧૯૧૫.૪ અને હાજરમાં ૦.૬૮ ટકા કે ૧૨.૯૫ ડૉલર વધી ૧૯૧૨.૨૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો ૨.૧૧ ટકા કે ૫૨ સેન્ટ ૨૪.૯૨ અને હાજરમાં ૨.૧૧ ટકા ૫૨ સેન્ટ વધી ૨૪.૯૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

ભારતમાં સોના અને ચાંદીમાં ઉછાળો

તહેવારો પહેલાં હોલસેલ બજારમાં સ્ટોકિસ્ટની પૂછપરછ, વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયો થોડો નરમ રહેતાં ઊંચી પડતરથી ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મુંબઈ હાજર સોનું ૩૬૦ વધી ૫૨,૯૫૦ અને અમદાવાદ ખાતે ૫૨,૮૯૦ રૂપિયા રહ્યું હતું. ચાંદીમાં મુંબઈ હાજર ૧૪૨૦ વધી ૬૪,૫૦૦ અને અમદાવાદ ખાતે ૧૪૭૦ વધી ૬૪,૪૫૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો હતો.

સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૫૫૨ ખૂલી, ઉપરમાં ૫૦,૮૦૦ અને નીચામાં ૫૦,૪૩૭ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૨૭ વધીને ૫૦,૭૭૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૧૫ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૭૧૬ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૫ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૨૩ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૦૦ વધીને બંધમાં ૫૦,૮૦૫ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૪૬૨ ખૂલી, ઉપરમાં ૬૨,૯૦૦ અને નીચામાં ૬૧,૧૭૭ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૧૧૨૬ વધીને ૬૨,૮૦૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૦૯૭ વધીને ૬૨,૭૮૬ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૦૯૩ વધીને ૬૨,૭૭૯ બંધ રહ્યા હતા.

તહેવારની માગની આશાએ બુલિયન બજારમાં પૂછપરછ નીકળી

તહેવારોની શરૂઆત સાથે અને સપ્ટેમ્બરમાં આયાતમાં જંગી ઘટાડા બાદ ફરી હોલસેલ બુલિયન માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. ઑક્ટોબરમાં દશેરા અને નવેમ્બરમાં ધનતેરસ અને દિવાળી દરમ્યાન સોનાની ખરીદી શુભ ગણવામાં આવે છે. ઑગસ્ટના વિક્રમી ઊંચા ભાવથી અત્યારે સોનું સસ્તું અને સ્થિર હોવાથી માગ વધી શકે એવી ધારણાએ ભારતમાં સ્ટૉક થઈ રહ્યો છે. જ્યારે ચીનમાં સપ્તાહની રજા વચ્ચે સ્થાનિકમાં માગ વધી હોવાથી હાજર બુલિયનમાં ડિસ્કાઉન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં ગત સપ્તાહે વૈશ્વિક ભાવ સામે પ્રતિ ઔંસ એક ડૉલરનું પ્રીમિયમ હતું જ્યારે ચીનમાં ત્રણ મહિનામાં સૌથી નીચા સ્તરે ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK