વિક્રમી નવા સ્તરથી સોના-ચાંદીમાં તેજીને બ્રેક, ચાંદીમાં 2555નો કડાકો થયો

Published: Aug 08, 2020, 08:07 IST | Bullion Watch | Mumbai

અમેરિકામાં રોજગારીનો અહેવાલ આવતાં સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકામાં રોજગારીનો અહેવાલ આવતાં સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. ભાવ જોકે દિવસની ઊંચી સપાટીથી ગબડી પડ્યા હતા અને પછી એને અમેરિકાના ૧૦ વર્ષના બૉન્ડના વિક્રમી નીચા યીલ્ડનો ટેકો મળી રહ્યો છે. આ ઉપરાંત અમેરિકામાં નવા સ્ટિમ્યુલસ વિશે ચર્ચા પડી ભાંગી હોવાથી પણ મજબૂતી મળી રહી છે.

આજે અમેરિકામાં રોજગારીના આંકડા ધારણા કરતાં વધારે મજબૂત આવ્યા હતા. ધારણા હતી કે નવી રોજગારીમાં ૧૪.૮ લાખ લોકો ઉમેરાયા હશે પણ એની સામે ગયા સપ્તાહના અંતે ૧૮ લાખ લોકોને રોજગારી મળી હોવાનો લેબર ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ જાહેર થયો હતો. જૂનના ૧૧.૧ ટકા સામે બેરોજગારી પણ ઘટીને ૧૦.૬ ટકા થઈ છે એટલે અમેરિકન અર્થતંત્ર સુધરી રહ્યું હોવાના અહેવાલ વચ્ચે ચળકતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ન્યુ યૉર્ક ખાતે સોનાના ઑક્ટોબર વાયદાના ભાવ એક તબક્કે ૨૦૭૨ ડૉલર પ્રતિ ઔંસની નવી ઊંચાઈએ પહોંચતા હતા અને પછી એમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે ઑક્ટોબર વાયદો ૦.૨૯ ટકા કે ૫.૫૨ ડૉલર ઘટી ૨૦૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ડિસેમ્બર વાયદો ૦.૦૨ ટકા કે ૫૦ સેન્ટ ઘટી ૨૦૬૮.૯૦ ડૉલર અને હાજરમાં ૦.૫૨ ટકા કે ૧૦.૭૬ ડૉલર ઘટી ૨૦૫૨.૭૮ ડૉલરની સપાટી પર છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સતત ૯ સપ્તાહથી વધી રહ્યા છે અને આજે પૂર્ણ થતા સપ્તાહમાં પણ વૃદ્ધિ સાથે બંધ આવે એવી શક્યતા છે. આજના ઘટાડા પછી પણ સોનું આ સપ્તાહે ૩.૯૫ ટકા વધેલું છે.

સોનામાં ઉપલા મથાળેથી ઘટાડો, તેજીને બ્રેક

વૈશ્વિક બજાર સાથે સતત વધી રહેલા સોનાના ભાવમાં આજે બ્રેક લાગી છે. એશિયન સત્રમાં સોનું વાયદો નરમ પડતાં ભારતમાં પણ ઊંચા મથાળેથી સોનું ઘટ્યું હતું. આજે સોનું એક તબક્કે વધી ૫૮,૧૩૫ની સપાટીએ પહોંચ્યા બાદ ઘટીને ૫૮,૦૧૫ રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું, જે ગુરુવાર કરતાં પ્રતિ ૧૦ ગ્રામ ૩૫ રૂપિયાનો ઘટાડો છે. વાયદામાં સોનું ઊંચા મથાળેથી ૩૭૦ સરકી ગયું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૫૯૬૫ ખૂલી, ઉપરમાં ૫૬૧૯૧ અને નીચામાં ૫૫૫૦૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૪ ઘટીને ૫૫૮૨૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૫૩૨૨ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૨ વધીને ૧ ગ્રામદીઠ ૫૭૧૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૭ ઘટીને બંધમાં ૫૬૧૦૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

નવી વિક્રમી સપાટીથી ચાંદીમાં ૨૫૫૫ રૂપિયાનો કડાકો

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ ૧૦મા સપ્તાહે પણ વધીને બંધ આવવા તરફ આગળ વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં ભાવ ૩૪ ટકા વધ્યા પછી ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભાવ ૮ વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. આજે ઊંચા ભાવે થોડું પ્રૉફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે, પણ સોનાની જેમ ચાંદીની સેફ હેવન માગમાં કોઈ ઓટ આવે એવી શક્યતા જણાતી નથી અને ભાવ હજી પણ વધી શકે એવી શક્યતા ટ્રેડર્સ વ્યક્ત કરી રહ્યા છે.

આજે કૉમેક્સ ખાતે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ૦.૭૪ ટકા કે ૨૧ સેન્ટ વધી ૨૮.૬૧ ડૉલરની સપાટી પર છે. હાજરમાં ચાંદી બે ટકા કે ૫૮ સેન્ટ ઘટી ૨૮.૩૪ ડૉલરની સપાટી પર છે. એક તબક્કે ચાંદીનો વાયદો આજે ૨૯.૮૭૫ ડૉલરની સપાટી પર હતો. આમ દિવસના ઊંચા સ્તરથી વાયદો ૪.૨૧ ટકા ઘટ્યો છે. આજના ઘટાડા પછી પણ ચાંદીના ભાવ સપ્તાહમાં ૧૭.૬ ટકા વધ્યા છે.

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ ઊંચા મથાળેથી પ્રૉફિટ-બુકિંગને કારણે ઘટી ગયા બાદ ભારતમાં હાજરમાં ભાવ નવી વિક્રમી સપાટીથી તૂટી ગયા હતા. ગુરુવારે હાજરમાં ૭૫,૦૨૫ રૂપિયા પ્રતિ કિલોની ૨૦૧૧ની સર્વોચ્ચ સપાટી પાર કર્યા બાદ આજે ચાંદી ફરી ઊછળીને ૭૮૦૧૫ રૂપિયાએ પહોંચી હતી, પણ વૈશ્વિક ભાવની સાથે ભારતમાં પણ તેજીમાં બ્રેક લાગી હતી. ઊંચા મથાળેથી મુંબઈમાં હાજર ચાંદી ૨૫૫૫ ઘટી ૭૫,૪૬૫ રૂપિયાની સપાટીએ બંધ આવી હતી. વાયદામાં પણ ઉપરના મથાળેથી ૧૯૫૩ રૂપિયાનો કડાકો બોલ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૭૭૯૪૯ ખૂલી, ઉપરમાં ૭૭૯૪૯ અને નીચામાં ૭૫૦૬૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૬ ઘટીને ૭૫,૯૯૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૯ વધીને ૭૫,૯૪૫ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૪૨ વધીને ૭૫,૯૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK