ડૉલર ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચી જતાં સોના અને ચાંદીમાં ભાવ મક્કમ

Published: 22nd October, 2020 14:10 IST | Bullion Watch | Mumbai

અમેરિકન ડૉલર એક મહિનાની નીચી સપાટી તરફ આગળ વધી રહ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકામાં સ્ટિમ્યુલસ અંગેની મુદ્દત પૂર્ણ થયા પછી પણ ચર્ચા ચાલુ રહી છે એટલે એવી આશા છે કે બન્ને પક્ષો નવા રાષ્ટ્પતિની ચૂંટણી પહેલાં આર્થિક રીતે તારાજી ભોગવી રહેલા લોકો, બિઝનેસ અને ઉદ્યોગોને સહાય મળી રહેશે, પણ આની સાથે બજારમાં નાણાં પ્રવાહિતા વધવાની દહેશતે અમેરિકન ડૉલર એક મહિનાની નીચી સપાટી તરફ આગળ વધી રહ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે અને તે મક્કમ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારતમાં ડૉલર સામે સતત ઘટી રહેલા રૂપિયા અને તહેવારોની માગના આધારે સોનું ૫૩,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી પ્રતિ કિલો ૬૫,૦૦૦ રૂપિયા તરફ આગળ વધી રહી છે.

વૈશ્વિક બજારોમાં અમેરિકન ડૉલરનું અન્ય છ ચલણ સામે મૂલ્ય દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૪૦ ટકા ઘટી ૯૩.૩૫૧ની સપાટીએ હતો અને તેનાથી સોનું ૦.૧૯ ટકા વધી ૧૯૧૫.૪૦ અને ચાંદી ૧.૧૪ ટકા વધી ૨૪.૯૮૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર બંધ રહ્યાં હતાં. વૈશ્વિક બજારમાં ડૉલર ગઈ કાલે એક મહિનાની નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે. જોકે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડૉલર નરમ હોવાથી જ સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળેલી કે ઊંચા મથાળે તેને ટેકો મળી રહ્યો હતો. ડૉલર ગઈ કાલે ૮૨.૭૨૫ની સપાટીએ છે જે છેલ્લા એક મહિનાની નીચી સપાટી છે.

અમેરિકામાં અત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૫૨ ટકા કે ૯.૯૦ ડૉલર વધી ૧૯૨૫.૩ અને હાજરમાં ૦.૮૧ ટકા કે ૧૫.૪૯ ડૉલર વધી ૧૯૨૨.૪૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી વાયદો ૦.૯૪ ટકા કે ૨૪ સેન્ટ વધી ૨૫.૨૨ અને હાજરમાં ૧.૮૫ ટકા કે ૪૬ સેન્ટ વધી ૨૫.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

એક મહિનાથી સોનામાં સાંકડી વધઘટ

છેલ્લા એક મહિનાથી સોનાના ભાવ સાંકડી વધઘટ વચ્ચે અથડાઈ રહ્યા છે. તા. ૩૦ સપ્ટેમ્બરથી તા. ૨૧ ઑક્ટોબર વચ્ચે નીચો ભાવ ૧૮૫૧ ડૉલર અને ઊંચો ભાવ ૧૯૬૨.૯ ડૉલર પ્રતિ ઔંસનો છે. આ દિવસોમાં સરેરાશ ભાવ ૧૯૦૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાઈ રહેલી ચૂંટણીની અનિશ્ચિતતા, ડૉલરના ભાવમાં વધઘટના આધારે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસની અસરથી લાદવામાં આવેલા લૉકડાઉન અને તેના કારણે વિશ્વ આર્થિક મંદીમાં આવી પડ્યું છે. એક તરફ કોરોનાના કેસ ફરી માથું ઊંચકી રહ્યા છે અને બીજી તરફ વેક્સિનની આશા છે. આ ઉપરાંત હવે કેસ વધે તો પણ લૉકડાઉન આવશે નહીં એટલે તેની પણ બજારભાવ ઉપર અસર જોવા મળી રહી નથી.

ભારતમાં સોના અને ચાંદીમાં ઉછાળો, ચાંદી ૬૫,૦૦૦ નજીક  

વૈશ્વિક બજારમાં મક્કમ ભાવ, ભારતમાં ડૉલર સામે સતત ઘટી રહેલો રૂપિયો અને તહેવારો અગાઉ બજારમાં ઘરાકીની પૂછપરછ વચ્ચે ગઈ કાલે ભારતમાં સોના અને ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ હાજર બજારમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૬૫ ઉછળી ૫૩,૨૬૦ અને ચાંદી પ્રતિ કિલો ૧૨૮૫ વધી ૬૪,૯૮૫ રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. અમદાવાદ હાજરમાં સોનું ૫૬૦ વધી ૫૩,૨૨૦ અને ચાંદી ૧૨૭૫ વધી ૬૪,૯૫૦ રૂપિયા બંધ રહી હતી.

ડૉલર સામે રૂપિયો ઘટે તો ભારતમાં સોનાની આયાત અને પડતર મોંઘી થાય છે. વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર સતત નબળો પડી રહ્યો હોવા છતાં ત્રણ દિવસથી ભારતીય રૂપિયો ડૉલર સામે ઘટી રહ્યો છે. નિકાસકારોની સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા અને દેશના અર્થતંત્રને સ્થિરતા આપવા રિઝર્વ બૅન્ક હસ્તક્ષેપ કરી રહી હોય એવી ધારણા છે. બુધવારે ડૉલર સામે રૂપિયો ૯ પૈસા ઘટી ૭૩.૫૮ બંધ આવ્યો હતો અને ત્રણ દિવસમાં તેમાં ૨૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત સપ્તાહે પણ રૂપિયો ડૉલર સામે ૧૯ પૈસા ઘટ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK