અનિશ્ચિત બજાર પરિબળો વચ્ચે સોના અને ચાંદીના ભાવ મક્કમ

Published: 13th October, 2020 11:06 IST | Bullion Watch | Mumbai

ડૉલરમાં સામાન્ય વૃદ્ધિએ તેજી પર બ્રેક

ગોલ્ડ
ગોલ્ડ

સ્ટિમ્યુલસ આવે તો ફુગાવો વધે, અમેરિકામાં ચૂંટણી અગાઉની રાજકીય અનિશ્ચિતા અને ગયા સપ્તાહે ભાવમાં નીચા મથાળેથી નીકળેલી ખરીદી જળવાઈ રહેતાં ભાવ મક્કમ જોવા મળી રહ્યા છે. જોકે ડૉલરમાં સામાન્ય મજબૂતીને કારણે ભાવ પર બ્રેક લાગેલી જોવા મળી રહી છે.

છેલ્લા એક સપ્તાહથી અમેરિકામાં ચૂંટણી અગાઉના દિવસોમાં રાજકીય અનિશ્ચિતતા, ડૉલરમાં વધ-ઘટ અને સાંકડી વધ-ઘટ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. ટેક્નિકલ ચાર્ટ પર સોનું ફરી ૧૯૨૦ ડૉલરની સપાટી પર આવી જતાં ખરીદીમાં રસ જોવા મળી રહ્યો છે, પણ ડૉલરમાં વૃદ્ધિને લીધે સોનાના ભાવમાં તેજી પર બ્રેક લાગી છે. ગયા સપ્તાહમાં ડૉલર ઇન્ડેક્સ ૦.૮૧ ટકા ઘટી ૯૩.૧૪૨ની સપાટી પર બંધ રહેલા સોના-ચાંદીમાં તેજીનો ટેકો મળ્યો હતો. વૈશ્વિક બજારમાં શુક્રવારે સોના-ચાંદીમાં નીચા મથાળે ભારે ખરીદી જોવા મળતાં ભાવ સપ્તાહિક રીતે વધીને બંધ આવ્યા હતા. ગયા સપ્તાહે ચાંદીનો વાયદો ૧.૦૭ ડૉલર કે ૪.૪૫ ટકા અને સોનું વાયદો ૧૮.૬ ડૉલર કે ૦.૯૭ ટકા વધીને બંધ આવ્યો હતો.

આજે અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સોનું વાયદો ૦.૩૦ ટકા કે ૫.૮૦ ડૉલર વધી ૧૯૩૨ અને હાજરમાં ૩.૮૧ ડૉલર ઘટી ૧૯૨૬.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો.

ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં મક્કમ હવામાન

વૈશ્વિક બજારમાં શુક્રવારે જોવા મળેલી તેજીને કારણે આજે ભારતમાં સોનાના ભાવ મક્કમ અને ચાંદીમાં વૃદ્ધિ જોવા મળી હતી. મુંબઈમાં હાજર સોનું ૨૫ વધી ૫૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતું. ચાંદીમાં મુંબઈ હાજરમાં ૪૬૫ વધી ૬૪,૨૮૫ પ્રતિ કિલોનો ભાવ હતો.

સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૯૪૦ ખૂલી, ઉપરમાં ૫૧,૧૪૨ અને નીચામાં ૫૦,૮૩૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૯૫ વધીને ૫૧,૦૧૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૯૩ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૯૪૯ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૫૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૧૩ વધીને બંધમાં ૫૧૦૮૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૩૮૩૯ ખૂલી, ઉપરમાં ૬૪,૧૨૨ અને નીચામાં ૬૨,૯૬૨ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૪૦ વધીને ૬૩,૨૨૪ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૦૨૦ના ૯ મહિનામાં ભારતની સોનાની આયાત ૭૦ ટકા ઘટી

સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત દેશમાં સોનાની આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦માં વિશ્વના સોનાની આયાત બીજા સૌથી મોટા વપરાશકાર ભારતમાં ૮.૪ ટન રહી હતી જે આગલા વર્ષ કરતાં ૩૮ ટકા ઓછી છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ ૯ મહિનામાં ભારતની આયાત ૭૦ ટકા ઘટી ૧૫૮ ટન રહી છે. ઑગસ્ટમાં  ૨૦૨૦માં દેશની સોનાની આયાત ૩૫.૫ ટન રહી હતી.

લૉકડાઉન ખૂલ્યા બાદ ગ્રાહકો તહેવાર પહેલાં ફરી ખરીદી માટે બજારમાં આવશે એવી ધારણાએ જુલાઈ અને ઑગસ્ટમાં જ્વેલર્સ અને બુલિયન ટ્રેડર્સ દ્વારા ખરીદી કરી સ્ટૉક ઊભો કરી લેવામાં આવ્યો છે, પણ ઑગસ્ટમાં ભાવ એક તબક્કે ઐતિહાસિક ઊંચી સપાટીએ રહ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ કોઈ મોટો ઘટાડો ન થતાં સ્થાનિક બજારમાં ખરીદી માત્ર જરૂરિયાત પૂરતી જ જોવા મળી રહી છે. લગ્નસરાની ઘરાકીમાં પણ બહુ દમ નથી, કારણ કે લગ્નપ્રસંગમાં હાજરી માટે સરકારે સંખ્યા અને અન્ય પ્રકારે નિયંત્રણ મૂક્યાં છે. આ ઉપરાંત અધિક માસને કારણે પણ સપ્ટેમ્બરમાં માગ નરમ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK