સોના-ચાંદીના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટી તરફ

Published: Sep 16, 2020, 16:05 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક બજારમાં શૅરમાં નવી ખરીદી, ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો અને સોના-ચાંદીમાં ફરી નવી ખરીદીના ઉત્સાહ વચ્ચે તેજી જોવા મળી રહી છે.

ગોલ્ડ-સિલ્વર
ગોલ્ડ-સિલ્વર

વૈશ્વિક બજારમાં શૅરમાં નવી ખરીદી, ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો અને સોના-ચાંદીમાં ફરી નવી ખરીદીના ઉત્સાહ વચ્ચે તેજી જોવા મળી રહી છે. સોમવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૦.૮૩ ટકા અને ચાંદીના ભાવ ૧.૪૩ ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યા હતા. બન્ને ધાતુઓના ભાવમાં ડૉલરની નબળાઈ અને તાજેતરના પ્રૉફિટ-બુકિંગ પછી ખરીદી જોવા મળી રહી છે અને ભાવ બે સપ્તાહની ઊંચી સપાટી તરફ આગળ વધી રહ્યા છે.

જોકે બજાર માટે સૌથી મોટી ઘટનાઓ આજે બુધવારથી શરૂ થશે. ફેડરલ રિઝર્વની બેઠક અને એમાં અર્થતંત્રના આંકલન અને આગામી દિવસોમાં વ્યાજદર વિશેના સંકેતના આધારે તેજી નક્કી થશે. ઑગસ્ટમાં ધારણા કરતાં વિરુદ્ધ મિનિટ્સ જાહેર થતાં સોનાના ભાવમાં કડાકા જોવા મળ્યા હતા.

કૉમેક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો ૦.૬૯ ટકા કે ૧૩.૬૦ ડૉલર વધી ૧૯૭૭.૩૦ અને હાજરમાં ૦.૪૫ ટકા કે ૮.૮૦ ડૉલર વધી ૧૯૬૫.૬૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી ડિસેમ્બર વાયદો ૧.૦૪ ટકા કે ૨૮ સેન્ટ વધી ૨૭.૬૪ ડૉલર અને ચાંદી હાજર ૦.૬૯ ટકા કે ૧૯ સેન્ટ વધી ૨૭.૩૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વિદેશની તેજી અને રૂપિયો નરમ રહેતાં ભારતમાં પણ તેજી

ભારતમાં આજે વિદેશમાં ઊંચા ભાવ અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોના-ચાંદીના ભાવ હાજર અને વાયદામાં વધ્યા હતા. મુંબઈમાં હાજરમાં સોનું ૪૦૦ વધી ૫૩,૮૩૦ રૂપિયા અને અમદાવાદમાં ૫૦૦ વધી ૫૩,૬૭૦ રૂપિયા બંધ રહ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૮૫૦ ખૂલી, ઉપરમાં ૫૨,૧૮૨ અને નીચામાં ૫૧,૭૬૫ રૂપિયા રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૪૧ વધીને ૫૨,૧૨૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭૭ વધીને ૮ ગ્રામદીઠ ૪૨,૦૬૪ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૩ વધીને ૧ ગ્રામદીઠ ૫૨૭૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૪ વધીને બંધમાં ૫૨,૧૪૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈમાં ચાંદી ૯૫૦ ઊછળીને ૬૮,૭૦૦ અને અમદાવાદમાં ૬૮૦ વધી ૬૮,૬૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૯,૫૦૦ ખૂલી, ઉપરમાં ૬૯,૮૦૦ અને નીચામાં ૬૮,૧૯૯ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૩૯ વધીને ૬૯,૭૦૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૦૩ વધીને ૬૯,૬૩૭ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૦૧ વધીને ૬૯,૬૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.

દરમ્યાન કીમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૨૭૯ ખૂલી, ઉપરમાં ૧૬,૩૫૪ અને નીચામાં ૧૬,૨૫૧ સુધી જઈ, ઇન્ટ્રા-ડેમાં ૧૦૩ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રના અંતે ૧૩૪ પૉઇન્ટ વધી ૧૬,૩૩૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ડૉલર એક પખવાડિયામાં સૌથી વધુ ઘટ્યો

સોમવારે અમેરિકન ડૉલર છેલ્લા એક પખવાડિયામાં સૌથી વધુ ઘટ્યો હતો. અમેરિકન ડૉલરનું વિશ્વના ૬ અન્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૪૪ ટકા ઘટી ૯૨.૯૧૨ બંધ આવ્યો હતો. ડૉલરના ભાવમાં ઘટાડો થતાં સોનાની ખરીદી અન્ય ચલણમાં વધારે આકર્ષક બને છે.

અમેરિકન ડૉલર આ ૬ ચલણ સામે આજે પણ નબળો ચાલી રહ્યો છે. ડૉલર સામે યુરો આજે ૦.૦૫ ટકા, બ્રિટિશ પાઉન્ડ ૦.૩૨ ટકા વધ્યો છે. આ ઉપરાંત યેન સામે ડૉલર ૦.૨૯ ટકા, ફ્રાન્ક સામે ૦.૧૧ ટકા અને કૅનેડિયન ડૉલર સામે ૦.૧૦ ટકા નબળો પડ્યો છે. ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૧૦ ટકા ઘટી ૯૨.૯૬૮ની સપાટી પર છે.

રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ? રૂપિયો ડૉલર સામે નરમ

વૈશ્વિક બજારમાં ડૉલરમાં નબળાઈ, ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને શૅરબજારમાં તેજી વચ્ચે પણ આજે ભારતીય ચલણ રૂપિયો દિવસની ઉપરની સપાટીથી નીચે ગબડી પડ્યો હતો અને આગલા દિવસની સપાટી કરતાં ઘટીને બંધ આવ્યો હતો. બજારમાં એવી ચર્ચા હતી કે સતત બીજા દિવસે રિઝર્વ બૅન્કે હસ્તક્ષેપ કરી ડૉલરની ખરીદી કરતાં રૂપિયો ઘટ્યો હતો. સોમવારે ડૉલર સામે રૂપિયો ૭૩.૪૮ની સપાટીએ બંધ આવ્યો હતો જે આજે ૭૩.૩૩ ખૂલ્યો હતો, પણ રિઝર્વ બૅન્કની સતત ડૉલરની ખરીદીએ એ ઘટીને ૭૩.૭૨ થઈ દિવસના અંતે ૭૩.૬૪ બંધ આવ્યો હતો જે આગલા દિવસ કરતાં ૧૬ પૈસાનો ઘટાડો સૂચવે છે. વિદેશી મૂડીપ્રવાહમાં સતત વૃદ્ધિ વચ્ચે એનાથી ભારતીય ચલણ પરની અસર ઘટાડવા માટે ડૉલરની રિઝર્વ બૅન્કે ખરીદી કરી હોય અથવા તો નિકાસમાં ભારતીય ચીજો ટકી રહે એ માટે ટેકો આપવા માટે ખરીદી કરી હોય એવી શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK