Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં વધી રહેલા કેસની અનિશ્ચિતતામાં અથડાતાં સોના અને ચાંદીના ભાવ

અમેરિકામાં વધી રહેલા કેસની અનિશ્ચિતતામાં અથડાતાં સોના અને ચાંદીના ભાવ

18 November, 2020 11:02 AM IST | Mumbai
Bullion Watch

અમેરિકામાં વધી રહેલા કેસની અનિશ્ચિતતામાં અથડાતાં સોના અને ચાંદીના ભાવ

ગોલ્ડ

ગોલ્ડ


સોમવારની વૃદ્ધિ પછી વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી અત્યારે નરમ જોવા મળી રહ્યા છે. એક તરફ કોરોનાના વધી રહેલા કેસ છે અને બીજી તરફ એને નાથવા માટે બીજી સફળ વૅક્સિનની જાહેરાત છે. અમેરિકન શૅરબજારમાં પ્રૉફિટ બુકિંગની શક્યતા જોવામાં આવી રહી છે. અમેરિકન ડૉલર પણ નરમ છે, જેના કારણે સોના અને ચાંદીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો નથી. રાજકીય અનિશ્ચિતતા અને જોખમ સામેની આ લડાઈમાં શક્ય છે કે અમેરિકન બજારમાં સત્ર પૂર્ણ થાય ત્યાં સુધીમાં સોના અને ચાંદી વધીને પણ બંધ આવી શકે.

કોમેક્સ પર સોનું ડિસેમ્બર વાયદો ૧૦ સેન્ટ ઘટી ૧૮૮૭.૭ અને હાજરમાં ૪૧ સેન્ટ વધી ૧૮૮૯.૩૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૬ સેન્ટ ઘટી ૨૪.૭૫ અને હાજરમાં ૧૦ સેન્ટ ઘટી ૨૪.૬૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. સોમવારે અમેરિકન બજારમાં સોનું વાયદો ૦.૦૮ ટકા અને ચાંદી વાયદો ૦.૧૧ ટકા વધ્યા હતા.



સોના અને ચાંદીની બજાર માટે અત્યારે મુખ્ય પરિબળ છે કોરોના વાઇરસના અમેરિકામાં વધી રહેલા કેસ અને એની સારવાર માટેની વૅક્સિન. ગયા સપ્તાહે ફાઇઝરની જાહેરાત બાદ સોમવારે મૉડર્ના દ્વારા વધારે અસરકારક એવી વૅક્સિનમાં સફળતાની જાહેરાત કરવામાં આવી હતી. મૉડર્નાનો દાવો છે કે નવી વૅક્સિન ૯૬ ટકા સફળ છે. વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ફાઇઝરની વૅક્સિનના સ્ટૉરેજ માટે માઇનસ સાતથી માઇનસ ૭૦ ડિગ્રી સુધીનું તાપમાન જોઈએ છે, જ્યારે મૉડર્નાની વૅક્સિન સામાન્ય ફ્રીઝરમાં સાચવી શકાય છે. આ સમાચારના કારણે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ, અમેરિકામાં વધુ ને વધુ વિક્રમી નવા કેસ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ વૅક્સિનની સફળતા છે. બન્ને અહેવાલ વચ્ચે અત્યારે બુલિયન અથડાઈ રહ્યું છે.


બંધ હાજર બજારે ભારતમાં સોનું નરમ

મુંબઈ અને અમદાવાદની હાજર બજારો દિવાળીના તહેવારોના કારણે લાભ પાંચમ સુધી બંધ રહેશે, પણ ખાનગીમાં સોનું આંશિક ઘટ્યું હતું. મુંબઈ ખાતે સોનું ૫૦ ઘટી ૫૨,૬૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૦ ઘટી ૫૨,૮૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૮૦૦ ખૂલી, ઉપરમાં ૫૦,૯૫૫ અને નીચામાં ૫૦,૭૩૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨ વધીને ૫૦,૮૩૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૭૩૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૧૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧ ઘટીને બંધમાં ૫૦,૮૬૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.


હાજર ચાંદીમાં મુંબઈ ૫૧૫ વધી ૬૫,૧૫૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૩૫ વધી ૬૫,૧૩૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૩,૬૯૦ ખૂલી, ઉપરમાં ૬૩,૭૧૫ અને નીચામાં ૬૩,૧૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૦૪ ઘટીને ૬૩,૩૮૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૯૫ ઘટીને ૬૩,૩૯૩ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૮૩ ઘટીને ૬૩,૩૯૬ રૂપિયા બંધ રહ્યા હતા.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સ નવેમ્બર વાયદો ૧૫,૬૮૩ ખૂલી, ઉપરમાં ૧૫,૭૪૫ અને નીચામાં ૧૫,૬૩૮ બોલાઈ ૧૦૭ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રના અંતે ૧૪ પૉઇન્ટ ઘટી ૧૫,૬૬૮ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

સતત ચોથા દિવસે ડૉલર નરમ

ગયા સપ્તાહે શૅરબજારની તેજી, સોનામાં પ્રૉફિટ બુકિંગ સમયે ડૉલરમાં હેજિંગ કરી રહેલા રોકાણકારો હવે અમેરિકન ડૉલર વેચી રહ્યા છે. ગઈ કાલે સતત ચોથા દિવસે અમેરિકન ડૉલર નરમ જોવા મળી રહ્યો છે. બજારની ચર્ચા અનુસાર અમેરિકામાં ચૂંટણી પછી ડોનલ્ડ ટ્રમ્પ સરળતાથી સત્તા જતી નહીં કરે એવી શક્યતાએ રાજકીય અનિશ્ચિતતા, અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસથી વધારે નિયંત્રણ આવી શકે એવી ચિંતા અને વધુ એક વૅક્સિનની સફળતાના કારણે ડૉલરમાં વેચવાલી જોવા મળી રહી છે. વૅક્સિનની સફળતાના કારણે જોખમ ઉઠાવવા તૈયાર ખેલાડીઓ પણ ડૉલર વેચી રહ્યા છે. અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ અન્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૧૩ ટકા ઘટ્યો હતો અને ગઈ કાલે ફરી ૦.૩૩ ટકા ઘટી ૯૨.૩૪૩ની સપાટી પર છે.

ડૉલર સામે રૂપિયો વધ્યો

વૈશ્વિક બજારમાં નરમ ડૉલર અને ભારતીય શૅરબજારમાં સતત આવી રહેલા વિદેશી મૂડીપ્રવાહ બાદ કોરોના વાઇરસને નાથવા માટે વધુ એક વૅક્સિનની સફળતાના સમાચાર આવતાં ભારતીય રૂપિયો વધ્યો હતો. શુકવારે ડૉલર સામે ૭૪.૬૨ બંધ રહેલો રૂપિયો આજે વધીને ૭૪.૪૩ ખુલ્યા બાદ વધુ ઊછળી ૭૪.૩૮ થયા બાદ દિવસના અંતે ૧૬ પૈસા વધી ૭૪.૪૬ બંધ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્ક વતી સરકારી બૅન્કોએ ડૉલરની ખરીદી કરી હોવાની ચર્ચા વચ્ચે રૂપિયાની તેજી પર અંકુશ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત, આયાતકારોએ પણ ડૉલરની ખરીદી કરી હતી, જેના કારણે રૂપિયો એની દિવસની ઉપરની સપાટીથી નીચે બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2020 11:02 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK