ડૉલરની વધઘટના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ

Published: Sep 19, 2020, 11:32 IST | Bullion Watch | Mumbai

ત્રીજા સપ્તાહે પણ બન્ને ધાતુઓ વધીને બંધ

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારમાં નબળા ડૉલરથી સોનાના ભાવમાં આંશિક ઊંચાઈ જોવા મળી રહી છે, પણ અમેરિકન સત્રની શરૂઆતમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટિકટોક અને અન્ય કેટલીક અૅપ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી હોવાથી ઉપરના મથાળેથી સોનામાં થોડી વેચવાલી જોવા મળી રહી છે, કારણ કે ડૉલરમાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે. આ વધઘટ વચ્ચે નવા ટ્રીગરના ભાવે સોનું ૧૯૫૦થી ૧૯૮૦ ડૉલરની સપાટી વચ્ચે અથડાઈ રહ્યું છે. સોનાની તેજી માટે નવા પરિબળની જરૂર છે અને જ્યારે મંદી માટે દરેક ઉછાળે જોવા મળી રહેલું પ્રોફિટ બુકિંગ અત્યારે પૂરતું છે. આમ છતાં સોનું અને ચાંદી સતત ત્રીજા સપ્તાહે વધીને બંધ આવે તેવી શક્યતા છે.

આજે કૉમેકસ ખાતે સોનું ડિસેમ્બર વાયદો ૦.૩૦ ટકા કે ૫.૯૦ ડૉલર વધી ૧૯૫૫.૮૦ અને હાજરમાં ૦.૦૯ ટકા કે ૧.૬૮ ડૉલર વધી ૧૯૪૬.૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીમાં વાયદો ૦.૧૫ ટકા કે ૪ સેન્ટ ઘટી ૨૭.૦૬ ડૉલર અને હાજરમાં ૦.૮૪ ટકા કે ૨૩ સેન્ટ ઘટી ૨૬.૮૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સોનું અને ચાંદી બન્ને ગત સપ્તાહના નીચા ભાવથી સામાન્ય વધેલાં છે.

હાજરમાં ભારતમાં સોનું વધ્યું, ચાંદી નરમ

વૈશ્વિક બજારમાં ઊંચા ભાવના કારણે ભારતમાં પણ સોનામાં વૃદ્ધિ જોવા મળી હતી, પણ ડૉલર સામે રૂપિયો મજબૂત થતાં ભાવમાં વૃદ્ધિ ઉપર લગામ લાગેલી હતી. મુંબઈ હાજર સોનું ૧૮૫ વધી ૫૩,૩૫૦ અને અમદાવાદ ખાતે ૨૩૦ વધી ૫૩,૩૨૦ રૂપિયા રહ્યા હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૫૫૯ ખૂલી, ઉપરમાં ૫૧,૬૫૩ અને નીચામાં ૫૧,૪૫૩ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૧૧ વધીને ૫૧,૫૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮૨ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૬૩૬ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૧ વધીને ૧ ગ્રામદીઠ ૫૨૨૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૮ વધીને બંધમાં ૫૧,૬૧૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

જોકે ચાંદીમાં હાજરમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાયદા વધ્યા હતા. મુંબઈ હાજર ચાંદી ૬૧૩ ઘટી ૬૬,૯૫૦ અને અમદાવાદ ખાતે ૬૨૫ ઘટી ૬૬,૯૦૦ રૂપિયા પ્રતિ કિલોનો બંધ ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૮,૪૯૯ ખૂલી, ઉપરમાં ૬૮,૫૦૦ અને નીચામાં ૬૮,૧૭૭ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૧૨૦ વધીને ૬૮,૨૬૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૧૬ વધીને ૬૮,૨૨૫ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૨૫ વધીને ૬૮,૨૩૧ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં ત્રીજા સપ્તાહે સોનું ઉપર, ભારતમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સતત ત્રીજા સપ્તાહે વૃદ્ધિ સાથે બંધ આવે તેવી શક્યતા છે. ગત સપ્તાહે ૧૯૪૭.૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. ચાંદીના ભાવમાં પણ બે સપ્તાહની વૃદ્ધિ પછી થોડી સ્થિરતા જોવા મળી રહી છે. ગત સપ્તાહે ચાંદીનો ભાવ ૨૬.૮૫૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો.

આ સપ્તાહમાં ભારતમાં સોનું વાયદો ૩૨૧ ઘટીને બંધ આવ્યો છે જ્યારે ચાંદી વાયદો ૮૪૯ ઘટીને બંધ આવ્યો છે. સપ્તાહ દરમ્યાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૬,૧૩૨ ખૂલી, સપ્તાહ દરમ્યાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં ૧૬,૩૫૭ અને નીચામાં ૧૫,૯૬૬ના મથાળે અથડાઈ ૨૫૯ પૉઇન્ટ વધી ૧૬,૦૯૬ના સ્તરે બંધ થયો હતો.

ડૉલરમાં ફરી નબળાઈ

ડૉલરમાં જોવા મળેલી તેજીનો ગુરુવારે અંત આવ્યો છે. ગુરુવારે જોબલેસ કલેઈમનો ડેટા ધારણા કરતાં નબળો આવતા ફરી ઘટાડો જોવા મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૨૮ ટકા ઘટી ૯૨.૯૬૯ બંધ રહ્યો હતો. આજે ડૉલર ઇન્ડેક્સ ૦.૦૨ ટકા ઘટી ૯૨.૯૫૩ની સપાટીએ છે એક તબક્કે ડૉલર ઇન્ડેક્સ ૯૨.૭૮૭ની નીચી સપાટીએ હતો. ગત સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ ૯૨.૩૨૦ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે ડૉલર સામે યુરો ૦૦૨ ટકા ઘટ્યો છે. યેન સામે ડૉલર ૦.૨૯ ટકા અને પાઉન્ડ સામે ૦.૦૧ ટકા ઘટ્યો છે.

ડૉલર નબળો પડતાં રૂપિયો વધ્યો

વૈશ્વિક બજારમાં ડૉલર નબળો પડતાં ભારતીય ચલણ રૂપિયો ગઈ કાલે વધ્યો હતો. ગુરુવારના બંધ ૭૩.૬૬ સામે રૂપિયો વધીને ૭૩.૪૭ ખૂલ્યો હતો અને ત્યાંથી ઊછળી ૭૩.૧૫ થઈ ગયો હતો. સત્રના અંતે રૂપિયો ૨૧ પૈસા વધી ૭૩.૪૫ બંધ આવ્યો છે. આ સપ્તાહમાં રૂપિયો આઠ પૈસા વધ્યો છે.

શૂન્ય નજીક વ્યાજ રહેશે છતાં સોનું કેમ વધતું નથી?

સોનાની તેજી માટે નબળી આર્થિક વ્યવસ્થા અને તેની સાથે વ્યાજના દર નરમ હોય, શૂન્યની નજીક હોય એ બહુ મહત્ત્વના પરિબળ માનવામાં આવે છે. ફેડરલ રિઝર્વે વ્યાજનો દર ૨૦૨૩ સુધી શૂન્ય રહેશે એવી જાહેરાત કરી અને ૨૦૨૧ અને ૨૦૨૨માં અમેરિકાના આર્થિક વૃદ્ધિના દરમાં ઘટાડો કર્યો છતાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો નથી. બજારની એવી ધારણા છે કે સોનાના વર્તમાન ભાવમાં હાજરમાં માગ નથી એટલે ઇટીએફની માગના આધારે તેજી જોવા મળી રહી છે. આ તેજી અન્ય ફાઇનૅન્શિયલ પ્રોડક્ટ કે વ્યાજદર આધારિત શૅરની જેમ બધા પરિબળ ડિસ્કાઉન્ટ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. અત્યારે સોનાના ભાવમાં મોટી તેજી માટે કોઈ નવું પરિબળ કે જેનાથી આર્થિક કે રાજકીય રીતે મોટી અસ્થિરતા કે અનિશ્ચિતતા આવે તેવા પરિબળની જરૂર છે એવું માનવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK