Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જોખમ લેવાની વૃત્તિ વધતાં સોના-ચાંદીમાં ચોતરફ વેચવાલી

જોખમ લેવાની વૃત્તિ વધતાં સોના-ચાંદીમાં ચોતરફ વેચવાલી

25 November, 2020 09:36 AM IST | Mumbai
Bullion Watch

જોખમ લેવાની વૃત્તિ વધતાં સોના-ચાંદીમાં ચોતરફ વેચવાલી

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક બજારમાં જોખમ લેવાની વૃત્તિ વધી રહી છે. કોરોના વાઇરસના ડર સામે હવે વેક્સિનનો આશાવાદ વધ્યો છે. વર્ષ ૨૦૨૧માં વિશ્વ ફ્રીન ધમધમશે, આર્થિક વૃદ્ધિ જોવા મળશે એવી આશા જોવા મળી રહી છે. આ આશાની સાથે શૅરબજાર, ઇમર્જિંગ માર્કેટ અને ઇમર્જિંગ દેશોના ચલણનું આકર્ષણ વધ્યું છે. સામે સોના અને ચાંદીમાં જોખમ સામેનું રક્ષણ એક તરફ મૂકી હવે વેચવાલીનો દોર જોવા મળી રહ્યો છે. આ સાથે સોના અને ચાંદીના ભાવ ચાર મહિનાની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારની સાથે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલ્યો હતો. ફાઇઝર પછી મોડર્ના અને હવે એસ્ટ્રાઝેનેકાએ રસીમાં સફળતાની જાહેરાત કરી છે. ડિસેમ્બરના મધ્યથી અમેરિકામાં રસી લોકોને આપવામાં આવે એવી શક્યતા હોવાથી ભાવ સતત ઘટી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં સોનું સોમવારે બે ટકા કે ૩૭ ડૉલર ઘટ્યું હતું જ્યારે ચાંદીના ભાવ ૭૨ સેન્ટ કે ૨.૮૯ ડૉલર ઘટ્યા હતા. આજે  પણ ઘટાડો ચાલુ છે અને હવે સોનું ૧૮૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર અને ચાંદી ૨૩ ડૉલર ઉપર ટકી રહેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે સોનું ફેબ્રુઆરી વાયદો ૧.૫૦ ટકા કે ૨૭.૬૦ ડૉલર ઘટી ૧૮૧૬.૫ અને હાજરમાં ૧.૭૪ ટકા કે ૩૧.૯૭ ડૉલર ઘટી ૧૮૧૬.૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદી માર્ચ વાયદો ૨.૧૮ ટકા કે ૫૨ સેન્ટ ઘટી ૨૩.૩૪ ડૉલર અને હાજરમાં ૨.૬૩ ટકા કે ૬૨ સેન્ટ ઘટી ૨૨.૯૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

સુરક્ષા છોડી, જોખમ તરફ પ્રયાણ



માર્ચ મહિનામાં જ્યારે કોરોનાનો ડર સૌથી વધુ હતો ત્યારે લોકો હાથ ઉપર રોકડ રાખવા સલામતી શોધી રહ્યા હતા એટલે ડૉલર ૧૦૨.૯૯ની સપાટીએ હતો અત્યારે તે દોઢ વર્ષમાં સૌથી નીચી સપાટીની નજીક છે. માર્ચની ઊંચી સપાટી કરતાં તેમાં ૧૦.૪૭ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સામે જોખમી રોકાણ ગણાતા શૅરબજારનો ગ્લોબલ ઇન્ડેક્સ ૬૦ ટકા જેટલો વધી ગયો છે.


હવે ડર અને જોખમના દિવસો પૂરા થયા હોવાથી બજારમાં સોનું અને ચાંદીની સુરક્ષા ફેકી દેવામાં આવી રહી છે. આ મહિનામાં અમેરિકામાં અને યુરોપમાં વધી રહેલા વાઇરસ અને અમેરિકામાં ચૂંટણીના પરિણામની અનિશ્ચિતતાના કારણે સોનું તા. ૬ નવેમ્બરના ૧૯૫૧ ડૉલરની સપાટીએ હતું અને ચાંદી મહિનાની ઊંચી સપાટી ૨૬.૦૫૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતું. આ પછી વેક્સિનની જાહેરાત સાથે ભાવમાં કડાકા બોલી રહ્યા છે. સોનું વાયદો ૧૩૫ ડૉલર અને ચાંદી ૨.૮૧૫ ડૉલર ઘટી ગઈ છે. ઑગસ્ટના વિક્રમી ૨૦૮૯ના ભાવથી સોનું ૧૩ ટકા ઘટી ગયું છે.

ભારતમાં સોનું ૧૨૧૦ અને ચાંદી ૧૫૪૦ રૂપિયા તૂટી


વૈશ્વિક બજારની સાથે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૨૧૦ ઘટી ૫૧,૦૦૦ અને અમદાવાદ ખાતે ૧૧૫૦ ઘટી ૫૦,૮૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૨૬૨ ખૂલી, ઉપરમાં ૪૯,૨૬૨ અને નીચામાં ૪૮,૬૧૭ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૭૯૦ ઘટીને ૪૮,૬૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૨૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯,૧૮૩ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૪ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૯૧૦ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૫૪ ઘટીને બંધમાં ૪૮,૮૦૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૧૫૪૦ ઘટી ૬૧,૭૦૦ અને અમદાવાદ ખાતે ૧૫૨૫ ઘટી ૬૧,૬૬૫ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૦,૦૬૪ ખૂલી, ઉપરમાં ૬૦,૨૫૧ અને નીચામાં ૫૯,૨૦૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૧૧૮૧ ઘટીને ૫૯,૩૪૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૮૯૮ ઘટીને ૫૯,૪૨૪ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૮૧૨ ઘટીને ૫૯,૪૪૩ બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ઊછળ્યો

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરના વળતાં પાણી, શૅરબજારમાં ઉછાળો અને ભારતમાં વિદેશી મૂડીપ્રવાહના સંગાથે રૂપિયો પણ ઊછળ્યો હતો. બજારમાં આર્થિક વૃદ્ધિની આશા વધી રહી છે કારણ કે કોરોના મહામારી ઉપર અંકુશ મેળવવા માટેની રસી ડિસેમ્બર મહિનામાં અમેરિકામાં આવી જશે અને ભારતમાં પણ ફેબ્રુઆરી સુધીમાં આવી જાય એવી આશા છે. વેક્સિન આવતા કોરોનાના કારણે મૂકવામાં આવેલા પ્રતિબંધ અને નિયંત્રણ હટી જશે જેનાથી અર્થતંત્રને વેગ મળવાની આશા છે. ડૉલર સામે ૭૪.૧૧ની સપાટીએ બંધ આવેલો રૂપિયો આજે ૭૪.૧૦ ખૂલી વધીને ૭૩.૮૮ થઈ દિવસના અંતે ૧૦ પૈસા વધી ૭૪.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2020 09:36 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK