કોરોનાની વૅક્સિન, જૂનની રોજગારીના આંકડા પચાવીને સોનું ફરી મક્કમ

Published: Jul 03, 2020, 14:30 IST | Bullion Watch | Mumbai

અમેરિકામાં જૂન મહિનામાં નવી રોજગારીનું સર્જન વિક્રમી સ્તરે અને ધારણા કરતાં વધારે રહ્યું હોવાથી સોનાના ભાવમાં પ્રાથમિક રીતે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકામાં જૂન મહિનામાં નવી રોજગારીનું સર્જન વિક્રમી સ્તરે અને ધારણા કરતાં વધારે રહ્યું હોવાથી સોનાના ભાવમાં પ્રાથમિક રીતે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, પણ અમેરિકન બજારમાં પ્રથમ એક કલાકના ટ્રેડિંગ બાદ સોનું ૧૭૬૬ની સપાટીથી વધીને ફરી મક્કમ જોવા મળી રહ્યું છે. બજારને એવી ધારણા છે કે જૂનનો આંકડો ભલે ઊંચો આવ્યો હોય, પણ હજી બે કરોડ લોકો માટે રોજગારીનું સર્જન કરવાનું છે અને કોરોનાનો બીજો તબક્કો આવી શકે એવી શક્યતાએ નીચા મથાળે ખરીદી નીકળી હતી. બુધવારે સોનાના ભાવ ફાઇઝરની કોરોનાની વૅક્સિનના સારા સંકેતને કારણે ઘટ્યા હતા.

વૈશ્વિક બજારમાં બુધવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું વાયદો ૨૧ ડૉલર ઘટીને ૧૭૭૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર બંધ હતું. ચાંદીનો વાયદો ૨.૨૫ ટકા ઘટ્યો હતો. ગુરુવારે અમેરિકન ટ્રેડિંગ શરૂ થતાં રોજગારી-સર્જનના આંકડા જાહેર થયા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્રારંભિક ઘટાડો પચાવી ભાવમાં ફરી વૃદ્ધિ જોવા મળી છે. અત્યારે મૅક્સ ખાતે સોનું ઑગસ્ટ વાયદો ૦.૦૮ ટકા કે ૧.૪૦ ડૉલર વધીને ૧૭૮૧.૩ અને હાજરમાં ૫.૬૯ ડૉલર વધી ૧૭૭૫.૭૮ની સપાટી પર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧ સેન્ટ ઘટી ૧૮.૨૦ ડૉલર અને હાજરમાં ૧૧ સેન્ટ વધી ૧૮.૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વિક્રમી ભાવથી ભારતમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો

વૈશ્વિક બજારમાં ઊંચા ભાવે સોનું નરમ પડતાં અને ડૉલર સામે ભારતીય રૂપિયો તીવ્ર રીતે વધ્યો હોવાથી ભારતમાં આજે સોના-ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. સોનાના ભાવ બુધવારે ભારતમાં સર્વકાલીન ઊંચી સપાટી પર હતા. બજારમાં અત્યારે ઘરાકીનો બિલકુલ અભાવ છે. સમગ્ર ૨૦૧૯માં દેશમાં આયાત ઘટ્યા બાદ ચાલુ વર્ષે પણ સોનાની આયાતમાં પ્રથમ ૬ મહિનામાં ઘટાડો નોંધાયો છે.

હાજરમાં મુંબઈમાં સોનું ૭૮૫ રૂપિયા ઘટી ૪૯,૮૭૫ અને અમદાવાદમાં ૭૮૦ ઘટી ૪૯,૮૪૦ રૂપિયા રહ્યું હતું. સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૧૭૪ ખૂલી, ઉપરમાં ૪૮,૨૭૩ અને નીચામાં ૪૭,૯૦૨ના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૨૮૩ ઘટીને ૪૭,૯૮૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૮૮૩૨ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૩૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૨ ઘટીને બંધમાં ૪૮૨૮૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈમાં હાજર ૧૩૭૫ ઘટી ૫૦,૦૦૦ અને અમદાવાદમાં ૧૪૦૦ ઘટી ૪૯,૯૫૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદી ૪૮૬૯૦ ખૂલી, ઉપરમાં ૪૮૭૬૫ અને નીચામાં ૪૮૧૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૦૦ ઘટીને ૪૮૨૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૪૦૪ ઘટીને ૪૯૧૫૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૯૪ ઘટીને ૪૯૧૫૬ રૂપિયા બંધ રહ્યા હતા.

લૉકડાઉન ઊઠતાં અમેરિકામાં નોકરીનું સર્જન

સરકારના બ્યુરો ઑફ લેબર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલ અનુસાર જૂન મહિનામાં અમેરિકામાં ૪૮ લાખ નોકરીઓનું સર્જન થયું હતું. બજારમાં ૩૦ લાખ નોકરીઓ ઊભી થઈ હોવાની ધારણા કરતાં આ આંકડો ઘણો વધારે આવ્યો હતો. નવી નોકરીઓનું સર્જન બતાવી રહ્યું છે કે અમેરિકન અર્થતંત્ર કોરોના વાઇરસની મહામારીમાંથી બહુ ઝડપથી બહાર આવી રહ્યું છે અને એને કારણે અર્થતંત્ર પણ બહુ ઝડપથી સુધરી જશે એવી આશા રાખી શકાય. રોજગારીના સર્જન સાથે અમેરિકામાં બેરોજગારીનો દર ૧૧.૧ ટકા થયો છે. બજારમાં એવી ધારણા હતી કે એપ્રિલના ૧૪.૭ ટકા સામે જૂનમાં બેરોજગારી ઘટી ૧૨.૪ ટકા રહે એવી શક્યતા છે. જૂન મહિનામાં નોકરીઓનું સર્જન વિક્રમી રહ્યું છે, પણ છતાં કોરોનાને કારણે કુલ બેરોજગારોમાં થયેલા ઉમેરા સામે એ નહીંવત્ છે. હજજીપણ બે કરોડ લોકો બેરોજગાર તરીકે અમેરિકામાં નોંધાયેલા છે.

ડૉલર સામે રૂપિયો ઊછળ્યો, ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

કોરોના વાઇરસની વૅક્સિનને પ્રાથમિક રીતે સફળતા મળી હોવાના સંકેત આવ્યા બાદ ભારતીય શૅરબજારમાં ઉછાળો અને સતત ત્રીજા દિવસે ડૉલરના ભાવમાં ઘટાડાને કારણે ભારતનું ચલણ રૂપિયો આજે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ બંધ આવ્યું હતું. જોકે શૅરબજારમાં સતત સાતમા દિવસે પણ વિદેશી સંસ્થાઓએ વેચાણ ચાલુ રાખ્યું હતું એટલે ડૉલરના પ્રવાહ કરતાં બજારમાં જોખમ ઉઠાવીને ટ્રેડડિંગ કરવાની વૃત્તિની અસર વધારે જોવા મળી હતી. બુધવારે ડૉલર સામે રૂપિયો ૭૫.૬૦ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે એ મક્કમ ૭૫.૫૧ની સપાટીએ ખૂલી દિવસની ઊંચી સપાટી ૭૪.૯૯ થયા બાદ ૭૫.૦૪ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે રૂપિયામાં ૫૬ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો જે માર્ચ ૨૭ પછીની સૌથી ઊંચી સપાટી છે. એક જ દિવસમાં રૂપિયામાં આ અઢી મહિનામાં સૌથી મોટો ઉછાળો છે. વૈશ્વિક બજારમાં ડૉલરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન ડૉલરના ૬ વૈશ્વિક ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ આગલા બે દિવસમાં ૦.૩૬ ટકા ઘટ્યો હતો. આજે એ એક તબક્કે ૯૬.૭૯૦ની સપાટી કે ૦.૨૦ ટકા ઘટેલો હતો, પણ અમેરિકન બજારમાં ધારણા કરતાં સારા રોજગારીના આંકડા આવતાં એમાં નીચા મથાળે વૃદ્ધિ જોવા મળી છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૨ ટકા ઘટી ૯૭.૦૪૨ની સપાટી પર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK