સોના-ચાંદીના ભાવમાં નબળા ડૉલરથી સતત આગળ વધતો સુધારો

Published: 2nd October, 2020 09:55 IST | Bullion Watch | Mumbai

ડૉલરમાં નબળાઈનને કારણે સોના-ચાંદીના ભાવમાં આજે પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.

ગોલ્ડ
ગોલ્ડ

ડૉલરમાં નબળાઈનને કારણે સોના-ચાંદીના ભાવમાં આજે પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બરમાં કડાકા બાદ ઑક્ટોબર મહિનાની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં સોનાના ભાવ ૨.૭ ટકા ઘટીને બંધ આવ્યા છે છતાં કૅલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી સપ્ટેમ્બર)માં સોનાના ભાવ ૨૭.૭ ટકા વધેલા છે. જોકે લાંબી તેજી માટે સોના-ચાંદી માટે કોઈ મોટા ફન્ડામેન્ટલ કારણની જરૂરિયાત છે.

ડૉલરમાં સતત નબળાઈ વચ્ચે સોના-ચાંદીના ભાવને જરૂરી ટેકો મળી ગયો છે. સોનાના ભાવને અન્ય બે પરિબળનો ટેકો પણ મળી રહ્યો છે. ઑગસ્ટમાં ગ્રાહકોની ખરીદી ૦.૩ ટકા વધી હતી, જે બજારની ધારણા અનુસાર હતું. અમેરિકામાં પ્રથમ વખત જૉબલેસ ક્લેમની અરજી કરનારાની સંખ્યા ગયા સપ્તાહના અંતે ૮.૩૭ લાખ રહી હતી જે આગલા સપ્તાહ કરતાં ૩૬,૦૦૦નો ઘટાડો સૂચવે છે. બીજું, આ આંકડો કોરોના વાઇરસની શરૂઆત પછીનો સૌથી નીચો આંકડો છે.

આજે વૈશ્વિક બજારમાં સોનું વાયદો ૦.૭૩ ટકા કે ૧૩.૮૦ ડૉલર વધી ૧૯૦૯.૩૦ અને હાજરમાં ૦.૯૪ ટકા કે ૧૭.૭૦ ડૉલર વધી ૧૯૦૩.૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીનો વાયદો ૧.૩૯ ટકા કે ૩૩ સેન્ટ વધીને ૨૩.૮૨ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૧.૬૧ ટકા કે ૩૭ સેન્ટ વધી ૨૩.૬૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

આજે મુંબઈમાં હાજરમાં સોનું ૪૫ વધી ૫૨,૩૨૫ અને અમદાવાદમાં ૮૦ વધી ૫૨,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦૪૦૦ ખૂલી, ઉપરમાં ૫૦,૪૦૧ અને નીચામાં ૫૦,૩૦૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૭ ઘટીને ૫૦,૩૬૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૬ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૫૦૬ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૭ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૯૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧ ઘટીને બંધમાં ૫૦,૧૯૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈમાં ચાંદી ૪૭૦ ઘટી ૬૦,૯૬૫ અને અમદાવાદમાં ૪૬૫ ઘટી ૬૦,૯૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૦,૦૦૧ ખૂલી, ઉપરમાં ૬૦,૭૯૭ અને નીચામાં ૫૯,૮૬૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૮૦ વધીને ૬૦,૦૯૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૮૮ વધીને ૬૦,૧૦૩ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૮૯ વધીને ૬૦,૧૦૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલરમાં સ્ટિમ્યુલસની અસરથી નબળાઈ

અમેરિકન ડૉલરમાં બે મહિનાની ઊંચી સપાટીએથી પ્રૉફિટ-બુકિંગની વેચવાલી હવે નવા સ્ટિમ્યુલસની ચર્ચાએ ઉગ્ર બની છે. આ વેચવાલીને કારણે ડૉલરને બદલે શૅરબજાર અને અન્ય ચલણોમાં રોકાણ ખસી રહ્યું છે. વિશ્વનાં ૬ મુખ્ય ચલણ સામે અમેરિકન ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૨૫ ટકા ઘટી ૯૩.૬૯૮ની સપાટી પર છે.

ડૉલર સામે રૂપિયામાં મહિનાનો સૌથી મોટો ઉછાળો

અમેરિકન ડૉલરમાં બે મહિનાની ઊંચી સપાટી પછી જોવા મળી રહેલી વેચવાલીની અસર, ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને ભારતમાં વિદેશી રોકાણ આવી રહ્યું હોવાના સંકેત વચ્ચે રૂપિયો આજે ઊછળ્યો હતો. બુધવારે ૭૩.૭૬ બંધ રહેલો રૂપિયો આજે ૭૩.૬૦ની મક્કમ સપાટી\એ ખૂલ્યો હતો અને વધીને ૭૩.૦૭ થઈ દિવસના અંતે ૬૩ પૈસા વધીને ૭૩.૧૩ બંધ રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK