સોના અને ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ જોવા મળી રહી છે

Published: Sep 29, 2020, 12:35 IST | Bullion Watch | Mumbai

ડૉલર બે મહિનાની ઊંચી સપાટીએ નરમ પડતાં વૈશ્વિક બજારમાં સોના–ચાંદીમાં પ્રત્યાઘાતી સુધારો

ગોલ્ડ
ગોલ્ડ

બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચેલા અમેરિકન ડૉલરમાં થોડી વેચવાલી આવતાં, શૅરબજારમાં ફરી વૃદ્ધિનું માનસ બનતાં સોના અને ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ જોવા મળી રહી છે. સોનું અને ચાંદી ગયા સપ્તાહમાં ભારે ઘટાડા બાદ બંધ આવ્યાં હતાં અને બે મહિનાની નીચી સપાટીએ ગબડી પડ્યાં હતાં.
આજે મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે પ્રથમ ડીબેટ થવાની છે અને એની સાથે ચૂંટણી અંગેની અનિશ્ચિતતા પણ વધશે. શુક્રવારે અમેરિકામાં બેરોજગારીના આંકડા જાહેર થશે એની પર પણ બજારની નજર રહેશે. આ સપ્તાહ દરમિયાન કોઈ ચોક્કસ પરિબળના અભાવે સોનું અને ચાંદી માત્ર ડૉલરની ચાલના આધારે જ સાંકડી વધઘટમાં અથડાય એવી શક્યતા છે.

અત્યારે અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૫૩ ટકા કે ૯.૯૦ ડૉલર વધી ૧૮૭૬.૨ અને હાજરમાં ૦.૪૯ ટકા કે ૯.૧૪ ડૉલર વધી ૧૮૭૦.૭૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૧.૬૩ ટકા કે ૩૮ સેન્ટ વધી ૨૩.૪૭ અને હાજરમાં ૧.૭૩ ટકા કે ૪૦ સેન્ટ વધી ૨૩.૨૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ડૉલર નરમ

વૈશ્વિક બજારમાં ડૉલરમાં બે મહિનાની ઊંચી સપાટીએ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. શૅરબજારમાં છ દિવસની વેચવાલી બાદ જોવા મળી રહેલી ખરીદી વચ્ચે જોખમ થોડું હળવું જણાતાં ડૉલર નરમ પડ્યો છે. જાણકારો માને છે કે અમેરિકાની ચૂંટણી અગાઉની અનિશ્ચિતતા વચ્ચે આવી વધઘટ જોવા મળશે. કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપ અને ઇકૉનૉમિક રિકવરીના જોખમના આધારે ગઈ કાલની નરમાઈ કામચલાઉ હોઈ શકે છે. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૪૨ ટકા ઘટી ૯૪.૨૮૫ ચાલી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સ ગયા સપ્તાહે ૧.૮૬ ટકા વધ્યો હતો. બે સપ્તાહના સતત ઉછાળા વચ્ચે ડૉલરની સલામતી તરફ રોકાણકારોએ દોટ લગાવી હતી અને કૉમોડિટીઝ, શૅરબજારમાં વેચવાલી કરી હતી. આ વેચવાલીના કારણે સોના અને ચાંદીમાં ઘટાડો થયો હતો અને ડૉલર બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ભાવ ઘટતાં બુલિયન ટ્રેડમાં ડિસ્કાઉન્ટ ઘટ્યા

બે મહિનાની નીચી સપાટીએ પહોંચેલા ભાવના કારણે ભારત અને ચીનની બજારોમાં બુલિયન ટ્રેડિંગમાં ડિસ્કાઉન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં એવી ધારણા છે કે ભાવ ઘટવાના કારણે હવે ગ્રાહકોની ખરીદી ચાલુ થઈ શકે છે. ભારત અને ચીન વિશ્વના સોનાના સૌથી મોટા ખરીદદાર છે. ગયા સપ્તાહે ભારતમાં પ્રતિ ઔંસ ૨૩ ડૉલરનું ડિસ્કાઉન્ટ હતું, જે આ સપ્તાહમાં ઘટી માત્ર પાંચ ડૉલર થઈ ગયું હતું. ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે જ વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળતાં જ્વેલર્સ હવે નવો સ્ટૉક ઊભો કરી રહ્યા છે અને ગ્રાહકો પરત ફરશે એવી ધારણા રાખી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો ગયા શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં ૯૫.૮ ડૉલર કે ૪.૮૮ ટકા ઘટ્યો હતો. ચાંદીનો વાયદો ૪.૦૩૬ ડૉલર કે ૧૪.૮ ટકા ઘટીને બંધ આવ્યો હતો.

ભારતમાં સોના અને ચાંદીમાં નરમ હવામાન

ભારતમાં બજારો બંધ રહી ત્યારે વૈશ્વિક બજારમાં નરમ સોના અને ચાંદીના ભાવ સાથે ભારતમાં પણ ભાવ ઘટ્યા હતા. જોકે ડૉલર સામે રૂપિયો નબળો પડવાની પડતર વધવાના કારણે ઘટાડા પર બ્રેક લાગેલી હતી. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૨૫ ઘટી ૫૧,૬૨૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૫૦ ઘટી ૫૧,૫૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના બંધ ભાવ હતા.

સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૪૭૪ ખૂલી, ઉપરમાં ૪૯,૬૬૯ અને નીચામાં ૪૯,૩૧૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૦૩ ઘટીને ૪૯,૪૫૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૮ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૧૨૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૪૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૨૯ ઘટીને બંધમાં ૪૯,૪૧૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૧૨૦ ઘટી ૬૦,૦૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૧૦ ઘટી ૬૦,૦૧૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૮,૫૧૩ ખૂલી, ઉપરમાં ૫૮,૯૮૦ અને નીચામાં ૫૭,૬૫૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૮૮ ઘટીને ૫૮,૭૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૮૦ ઘટીને ૫૮,૭૪૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૭૨ ઘટીને ૫૮,૭૪૪ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો

શૅરબજારમાં તેજી અને વૈશ્વિક બજારમાં ડૉલર નબળો પડ્યો હોવા છતાં સોમવારે ડૉલર સામે રૂપિયો ઘટીને બંધ આવ્યો હતો. મહિનાના અંતે આયાતકારોની ડૉલરની માગ કે પછી રિઝર્વ બૅન્ક દ્વારા વધી રહેલા રૂપિયાને સ્થિર કરવા માટે ડૉલરની ખરીદી કરી હોવાની શક્યતા વચ્ચે રૂપિયો નબળો પડ્યો હોવાની સંભાવના છે. શુક્રવારે ડૉલર સામે ૭૩.૬૧ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૬૪ ખૂલી ઘટીને ૭૩.૮૬ થયા બાદ દિવસના અંતે ૧૮ પૈસા ઘટી ૭૩.૭૯ બંધ આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK