સોના અને ચાંદીની તેજીના ચક્ર પર રશિયાની કોરોનાની રસીથી પંક્ચર

Published: Aug 12, 2020, 12:21 IST | Bullion Watch | Mumbai

બન્ને ધાતુના ભાવમાં ચાર મહિનામાં સૌથી મોટો ઘટાડો

ગોલ્ડ
ગોલ્ડ

સોના અને ચાંદીની તેજીના ચક્ર પર રશિયાની વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ગઈ કાલે છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો કડાકો બોલી ગયો છે. માર્ચ પછી આટલી મોટી માત્રમાં ભાવ ક્યારેય ઘટ્યા નથી. સોનામાં વેચવાલી માટે ગઈ કાલે એકસાથે ત્રણ કારણો જોવા મળ્યાં હતાં. એશિયાઈ સત્રમાં ડૉલર વધી રહ્યો હોવાથી ભાવ સોમવારની સામે નબળા ખુલ્યા હતા. આ પછી સોના અને ચાંદીમાં વિક્રમી તેજી માટે સૌથી મોટું કારણ કોરોનાના દર્દની રસી રશિયાએ શોધી હોવાની જાહેરાત આવી અને અમેરિકન સત્ર ખૂલતાં અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સમાં ધારણા કરતાં વધારે ઉછાળો આવતાં ભાવ ૨૦૦૦ ડૉલરની સપાટીથી તીવ્ર રીતે નીચે સરકી રહ્યા છે.

બજારમાં એવી ધારણા હતી કે જુલાઈમાં પીપીઆઇ ૦.૩ ટકા વધ્યો હશે અને એની સામે આ વૃદ્ધિ ૦.૬ ટકા આવી હતી. બે વર્ષમાં સૌથી મોટો માસિક ઉછાળો એવો સંકેત આપે છે કે ઉત્પાદકો પાસે ચીજોના ભાવ નક્કી કરવાનો પાવર આવી ગયો છે એટલે કે બજારમાં ખરીદી છે અને આર્થિક વૃદ્ધિ આગળ ધપી રહી છે. અગાઉ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોનાની વૅક્સિન શોધવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો અને આ વૅક્સિનનો પ્રથમ ડોઝ પોતાની એક પુત્રીને આપ્યો હોવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિનાથી વૈશ્વિક નાણાબજાર પર જોખમ ઝળુંબી રહ્યું છે અને એના કારણે સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. વૅક્સિનની સફળતાની સાથે જ ગઈ કાલે તેજીમાં પંક્ચર પડ્યું હતું.

સોમવારે સોનાના ભાવમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો અને ઑક્ટોબર કોમેક્સ વાયદો ૨૦૩૦ ડૉલરની સપાટી પર બંધ રહ્યો હતો. આ વૃદ્ધિ બાદ ગઈ કાલે ભાવ સતત દબાણમાં જોવા મળ્યા હતા. ગઈ કાલે કોમેક્સ ખાતે ઑક્ટોબર સોનું વાયદો ૩ ટકા કે ૬૧.૧૦ ડૉલર ઘટી ૧૯૬૯.૫૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. સોનું ડિસેમ્બર વાયદો ૩.૨૨ ટકા ઘટી ૧૯૭૪.૧૦ ડૉલર અને હાજરમાં ૩.૩૫ ટકા કે ૬૭.૯૫ ડૉલર ઘટી ૧૯૫૯.૩૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોનાના ભાવમાં ૧૭૭૫ રૂપિયાનો કડાકો, વિક્રમી સપાટીથી ૨૫૩૫ તૂટ્યા

વૈશ્વિક બજારમાં કોરોનાની વૅક્સિન શોધાઈ ગઈ હોવાથી ગભરાટભરી વેચવાલીની સાથે ભારતમાં પણ સોનાના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ગઈ કાલે હાજર બજારમાં ભારતમાં સોનાનો ભાવ ૧૭૭૫ ઘટી ૫૫,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યો હતો. અમદાવાદ ખાતે ભાવ ૧૭૩૫ ઘટી ૫૫,૫૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગત શુક્રવારે ભારતમાં એક તબક્કે હાજરમાં સોનું ૫૮,૧૩૫ રૂપિયાની સર્વાધિક સપાટીએ હતું અને એ પછી ભાવ સતત નરમ પડી રહ્યા છે. ઊંચી સપાટીએથી ભાવમાં ૨૫૩૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો નોંધાયો છે. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૪,૭૫૦ ખૂલી, ઉપરમાં ૫૪,૭૫૦ અને નીચામાં ૫૩,૨૯૮ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૪૦ ઘટીને ૫૩,૪૦૬ રૂપિયા બંધ રહ્યો હતો.

ચાંદી પણ તૂટી, બે દિવસમાં ૫૯૬૫ રૂપિયાનો કડાકો

વૈશ્વિક ચાંદીના ભાવ ૨૯.૫૩ ડૉલરની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈ કાલે આગલા બંધથી ૩.૫૮ ટકા વધી ૨૯.૨૬ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યા હતા. ગઈ કાલે ભાવ સોનાની જેમ સતત દબાણમાં રહ્યા હતા. ગઈ કાલે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ માર્ચ પછી એક જ દિવસમાં સૌથી વધુ ઘટ્યા છે. કોમેક્સ ખાતે ગઈ કાલે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ૫.૭૪ ટકા કે ૧.૬૮ ડૉલર ઘટી ૨૭.૫૮ ડૉલર અને હાજરમાં ૬.૨૫ ટકા કે ૧.૮૨ ડૉલર ઘટી ૨૭.૩૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વૈશ્વિક બજારની સાથે ભારતમાં પણ ગઈ કાલે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે મુંબઈ હાજર ચાંદી ૩૨૧૦ ઘટી ૭૨,૦૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૨૧૫ ઘટી ૭૨,૦૨૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો છે. શુકવારે ઐતિહાસિક ઊંચી સપાટી ૭૮,૦૧૫ રૂપિયા કરતાં ભાવમાં પ્રતિ કિલો ૫૯૬૫ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૭૫,૦૦૦ ખૂલી, ઉપરમાં ૭૫,૦૧૦ અને નીચામાં ૭૧,૧૮૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૫૨૬ ઘટીને ૭૧,૮૬૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૩૬૨ ઘટીને ૭૨,૦૧૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૩૫૬ ઘટીને ૭૨,૦૦૧ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK