Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકા-ચીનની વ્યાપારમંત્રણા પર નજર સાથે સોનું મજબૂત, ચાંદીમાં વૃદ્ધિ

અમેરિકા-ચીનની વ્યાપારમંત્રણા પર નજર સાથે સોનું મજબૂત, ચાંદીમાં વૃદ્ધિ

10 October, 2019 11:28 AM IST | મુંબઈ
બુલિયન વૉચ

અમેરિકા-ચીનની વ્યાપારમંત્રણા પર નજર સાથે સોનું મજબૂત, ચાંદીમાં વૃદ્ધિ

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક સોનાની બજારમાં અત્યારે થોભો અને રાહ જુઓને નીતિ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે ગુરુવારે ટ્રેડ-વૉર વિશે મંત્રણા શરૂ થવાની છે એ પહેલાં મુસ્લિમ વિશેની ટિપ્પણીના કારણે ચીનની કેટલીક કંપનીઓ ઉપર અમેરિકાએ વિઝા નિયંત્રણ લાદ્યાં હતાં એની અસરથી મંગળવારે ભાવ ઊંચકાયા હતા. ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટી શકે છે એવો સંકેત આપતાં પણ બજારને વેગ મળ્યો હતો. વ્યાપાર અંગે મંત્રણા પહેલાં ચીને અમેરિકા પાસેથી વધુ કૃષિ પેદાશ ખરીદવાના સંકેત આપતાં બજારમાં આજે ઊંચા મથાળે નવી ખરીદી અટકી છે. મંત્રણામાં બન્ને દેશ વચ્ચે કોઈ સહમતી થાય અથવા સકારાત્મક ચર્ચા રહે તો સોનાના ભાવ ઘટી શકે છે અને વ્યાપાર-યુદ્ધ વકરી શકે એવા સંકેત મળે તો સોનાના ભાવમાં તેજી આવી શકે છે એવું બજાર નિષ્ણાતો માની રહ્યા છે.

વૈશ્વિક બજારમાં હાજર સોનું ૧૪૯૨.૨ ડૉલર પ્રતિ ઔંસથી મંગળવારે વધી ૧૫૦૮.૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. ગઈ કાલે એ સામાન્ય રીતે ઘટી ૧૫૦૫.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ન્યુ યૉર્ક કોમેક્સનો ડિસેમ્બર વાયદો મંગળવારે ૧૫૦૩.૯ ડૉલર બંધ રહ્યો હતો જે ગઈ કાલે વધી ૧૫૧૧.૬૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો પણ મંગળવારના બંધ ૧૭.૭ ડૉલર સામે ગઈ કાલે ૧૭.૮૨૮ની સપાટીએ મજબૂત હતો.



ગઈ કાલે બજારમાં મજબૂતી માટે કોઈ ફન્ડામેન્ટલ્સ નહીં, પણ રાજકીય કારણો જવાબદાર હતાં. અમેરિકામાં ટ્રમ્પના મહાભિયોગ સામે વાઇટ હાઉસ તપાસને ટેકો નહીં આપે એવી જાહેરાત થઈ છે અને બીજી તરફ સિરિયામાં યુદ્ધમાં ટર્કી, અમેરિકા અને ઉગ્રવાદીઓ વચ્ચે પણ જંગ જામે એવી સ્થિતિ છે એટલે વેચવાલી જોવા મળી રહી નથી.


ભારતમાં મુંબઈ હાજર સોનું ૧૭૦ વધી ૩૯,૩૬૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૬૫ વધી ૩૯,૫૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. એમસીએક્સ ઉપર સોનું ડિસેમ્બર વાયદો ૬૧ વધી ૩૮,૪૪૪ રૂપિયાની સપાટી પર છે.

મુંબઈમાં ચાંદીના હાજરભાવ ૭૯૫ વધી ૪૬,૯૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૮૧૦ વધી ૪૭,૦૬૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. એમસીએક્સ પર ચાંદી ડિસેમ્બર વાયદો ૧૫૬ વધી ૪૬,૦૩૦ રૂપિયાની સપાટી પર છે.


ડેટા આધારિત વ્યાજ ઘટશે: ફેડરલ રિઝર્વ

ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે ગઈ કાલે એક ભાષણમાં જણાવ્યું હતું કે પોતે આ વર્ષે વ્યાજદર નહીં ઘટે એમ નથી બોલ્યા, પણ એમ જણાવી રહ્યા છે કે અમેરિકન અર્થવ્યવસ્થામાં જરૂર પડ્યે જે પ્રકારે આર્થિક વિકાસના નિર્દેશો મળશે એ મુજબ વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવશે. આ અંગે વિશ્લેષકો માની રહ્યા છે કે મોડો કે વહેલો વ્યાજદરમાં ઘટાડો ચોક્કસ આવી રહ્યો છે. પોવેલે અમેરિકન અર્થતંત્રમાં નાણાપ્રવાહિતા જાળવી રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે એવી પણ વાત કરી હતી.

આ ચર્ચાના કારણે એશિયન ટ્રેડિંગમાં અમેરિકન બૉન્ડના યીલ્ડ વધ્યા હતા. બજારમાં એવી ધારણા છે કે ફેડરલ રિઝર્વ ટૂંકી મુદતના બૉન્ડની ખરીદી કરી વ્યાજદરમાં વધારો અટકાવવા પ્રયત્ન કરશે. વ્યાજનો દર ઘટે તો સોના જેવી વ્યાજ સાથે નહીં જોડાયેલી ચીજમાં રોકાણ વધે છે.

રૂપિયો નબળો

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિમાં કોઈ સારા સમાચાર આવશે એવી આશાઓ વચ્ચે ડૉલર સામે રૂપિયો દિવસના નીચલા સ્તરથી ઊછળીને બંધ આવ્યો હતો. સોમવારે રૂપિયો ૭૧.૦૨ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલે ૭૧.૨૦ ખૂલી ઘટીને ૭૧.૨૨ થયા બાદ ૭૧.૦૭ની સપાટીએ બંધ આવ્યો હતો જે પાંચ પૈસાનો ઘટાડો સૂચવે છે.

ગોલ્ડ રિપોર્ટ સાથે વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં રોકાણ સર્વકાલીન ઊંચી સપાટીએ

ટ્રેડ-વૉરના કારણે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે એટલે શૅરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સોના તરફ આકર્ષણ વધી રહ્યું છે. છેલ્લા ૧૭ દિવસથી સતત ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં નવો નાણાપ્રવાહ આવી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતે ઈટીએફમાં કુલ રોકાણ વિક્રમી સ્તરે પહોંચી ગયું છે.

વિશ્વના બધા ઈટીએફમાં કુલ રોકાણ સપ્ટેમ્બર મહિનામાં ૭૫.૨ ટન કે ૨.૮૦૮ અબજ ડૉલર વધ્યું છે અને કુલ રોકાણ ૨૦૧૨ના સર્વાધિક સ્તરથી પણ વધી ગયું છે એવું કાઉન્સિલે મંગળવારે જણાવ્યું હતું. એ સમયે સોનાના ભાવ વર્તમાન ભાવસપાટી કરતાં ૧૮ ટકા વધારે કે ૧૭૦૦ ડૉલર પ્રતિ ઔંસ હતા.
કાઉન્સિલ વધુમાં જણાવે છે કે એ સમયે ઉત્તર અમેરિકા ખંડનું કુલ ઈટીએફમાં રોકાણ ૬૭ ટકા જેટલું હતું જે આ વર્ષે ૫૨ ટકા છે અને યુરોપનું અત્યારે ૪૪ ટકા જેટલું છે. સપ્ટેમ્બર માસમાં ઉત્તર અમેરિકામાં ઈટીએફ હોલ્ડિંગ ૬૨ ટન કે ૩.૧ અબજ ડૉલર રહ્યું હતું, યુરોપમાં ૭.૭ ટન કે ૫૮.૬ કરોડ ડૉલર અને એશિયામાં ૩.૯ ટન કે ૧૮.૭ કરોડ ડૉલર જેટલું વધ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ભાવ ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ટકી રહેલા જોવા મળ્યા હતા અને પાંચ મહિનાથી સતત વધી રહેલા ભાવમાં બ્રેક લાગી હોવા છતાં ઈટીએફમાં નવું રોકાણ સતત આવી રહ્યું છે.

આ પણ વાંચો : જીઓ હવે ફ્રી નહીં: અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવી રહ્યો હોય એવું રોકાણકારો માનતા નથી અને ફેડરલ રિઝર્વ વધુ એક વખત વ્યાજદર ઘટાડશે એવી ગણતરીએ વ્યાજ સાથે નહીં જોડાયેલી એવી ચળકતી ધાતુમાં રોકાણ જોવા મળી રહ્યું છે. વધુ ને વધુ રોકાણકારો જોખમથી દૂર રહી પોતાની મૂડી સાચવી રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 11:28 AM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK