Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીમાં ઘટાડો: સોનું 1700 ડૉલરની નીચે

સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીમાં ઘટાડો: સોનું 1700 ડૉલરની નીચે

28 May, 2020 09:31 AM IST | Mumbai
Bullion Watch

સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીમાં ઘટાડો: સોનું 1700 ડૉલરની નીચે

ગોલ્ડ

ગોલ્ડ


સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. સોનું ગઈ કાલે ૧૭૦૦ ડૉલર અને ચાંદી ૧૭ ડૉલર પ્રતિ ઔંસની નીચે જોવા મળી રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી સોનાના ભાવને તેજીનું બળ આપી શકે, પણ સામે કોરોના વાઇરસનો સૌથી કપરો કાળ પૂર્ણ થયો, અર્થતંત્ર લૉકડાઉન પૂર્ણ થયા પછી ફરી આગળ વધી રહ્યાં હોવાથી રોકાણકારો જોખમ ઉઠાવી રહ્યા છે અને સોના-ચાંદી સામે શૅરબજાર તરફ વળી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં સોનાના જૂન વાયદામાં આ સપ્તાહમાં પણ અગાઉની જેમ ઘસારો જોવા મળી રહ્યો છે. મંગળવારે આ વાયદો ૧૮ ડૉલર ઘટી ૧૭૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈ કાલે એ વધુ ઘટી ૧૬૯૦.૦૫ ડૉલરની સપાટી પર છે. આ સપ્તાહમાં આ વાયદામાં ૪૫ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. સોનું ઑગસ્ટ વાયદો આજે ૧.૧૩ ટકા કે ૧૯.૬૦ ડૉલર ઘટી ૧૭૦૮.૬ ડૉલર અને હાજરમાં ૦.૬૬ ટકા કે ૧૧.૨૭ ડૉલર ઘટી ૧૬૯૯.૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.



ચાંદીના વાયદા પણ નરમ જોવા મળી રહ્યા છે. મંગળવારે જુલાઈ વાયદો ૨૪ સેન્ટ ઘટ્યો હતો અને ગઈ કાલે એ ૨૩ સેન્ટ ઘટી ૧૭.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. હાજરમાં ચાંદી ૧.૦૬ ટકા કે ૧૮ સેન્ટ ઘટી ૧૬.૯૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.


ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો

લૉકડાઉનમાં રાહત મળી હોવા છતાં ભારતમાં હાજરમાં બુલિયન ટ્રેડિંગમાં વ્યાપાર લગભગ નહીંવત્ છે. આજે ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટમાં વૈશ્વિક બજારના પગલે સોનું અને ચાંદી ઘટ્યાં હતાં. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૦૯ ઘટી ૪૬,૨૯૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૨૫ ઘટી ૪૭,૦૦૦ રૂપિયાની સપાટી પર હતા. અત્રે નોંધવું જોઈએ કે આ ભાવ ટૅક્સ અને અન્ય ડ્યુટી સિવાયના છે. ખાનગીમાં સોનું ૬૫૫ ઘટી ૪૭,૫૪૦ રૂપિયા અને ચાંદી ૧૦૨૦ ઘટી ૪૮,૦૧૯ રૂપિયાની સપાટી પર હતું.


એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૩૦૭ ખૂલી, ઉપરમાં ૪૬,૩૫૨ અને નીચામાં ૪૫,૯૨૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૮૫ ઘટીને ૪૬,૦૩૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮ ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર ૩૭,૯૬૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૯ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૭૧૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૪૨ ઘટીને બંધમાં ૪૬,૧૫૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૭,૬૬૭ ખૂલી, ઉપરમાં ૪૮,૦૮૦ અને નીચામાં ૪૭,૩૭૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૯ ઘટીને ૪૭,૭૫૨ રૂપિયા બંધ રહ્યો હતો.

એશિયામાં સોનાની માગ નરમ, ઈટીએફ મક્કમ

સ્વીસ વિશ્વમાં સૌથી વધુ વિશ્વસનીય સોનાનો પુરવઠો આપનાર દેશ છે. આ દેશના આંકડા અનુસાર વિશ્વના બે અગ્રણી વપરાશકાર ભારત અને ચીનમાં હજી પણ સોનાની માગ નરમ છે, પણ સામે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સના કારણે બજારમાં હજી પણ તેજી આવશે અને માગને ટેકો મળી રહેશે એવો આશાવાદ છે. સ્વિત્ઝરલૅન્ડની સોનાની એપ્રિલ મહિનાની નિકાસ ૧૩૧.૮ ટન રહી છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ છે. આ નિકાસમાં ૧૧૧.૭ ટન નિકાસ અમેરિકામાં થઈ છે જે દર્શાવે છે કે ઈટીએફની માગ વધી રહી છે. 

ડૉલર મજબૂત, એશિયાઈ ચલણો નરમ

હૉન્ગકૉન્ગમાં પ્રસ્તાવિત નવા સુરક્ષા કાયદા, કોરોના વાઇરસના ઉત્પન્ન સ્થાન જેવાં કારણોના લીધે અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગ સ્થિતિના કારણે ગઈ કાલે ડૉલર વધ્યો હતો. અમેરિકન ડૉલર સામે વિશ્વનાં છ અગ્રણી ચલણનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ આજે બે દિવસની મંદી પછી ફરી વધ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૦૪ ટકા વધી ૯૮.૯૯૩ની સપાટીએ જોવા મળી રહ્યા છે. જોકે, અમેરિકન અને યુરોપિયન શૅરબજારમાં જોવા મળી રહેલી જોખમ લેવાની વૃત્તિથી ડૉલરની મૂલ્યવૃદ્ધિ પર બ્રેક લગાવી રહ્યા છે.  મંગળવારે તેજી બાદ ગઈ કાલે એશિયાનાં ચલણો નરમ જોવા મળ્યાં હતાં. આ સપ્તાહના અંત સુધીમાં અમેરિકન વહીવટી તંત્ર ચીન સામે કડક પગલાંની જાહેરાત કરશે એવા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના કારણે જોખમથી દૂર રહેવાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ચીન દ્વારા યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવાની હાકલ અને માત્ર હૉન્ગકૉન્ગ જ નહીં, અન્ય દેશો સુધી પણ પ્રસ્તાવિત કાયદાનો અમલ થશેનાં નિવેદન કરવામાં આવ્યા છે.

આગળની તેજી બાદ રૂપિયો પણ ડૉલર સામે નરમ

મંગળવારે વૈશ્વિક બજારની સાથે તેજીમાં રહેલો રૂપિયો ગઈ કાલે ફરી ડૉલરની વૃદ્ધિ સાથે નરમ જોવા મળ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે તંગ સ્થિતિની અસર ભારતીય ચલણ પર જોવા મળી રહી છે. શૅરબજારમાં ભારે તેજી વચ્ચે પણ રૂપિયામાં સાંકડી વધઘટ જોવા મળી હતી. મંગળવારે ડૉલર સામે ૭૫.૬૬ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૭૨ની નરમ સપાટીએ ખુલ્યો હતો. દિવસમાં એ વધુ ઘટી ૭૫.૭૪ અને ઊછળી ૭૫.૫૭ રહ્યો હતો. દિવસના અંતે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા ઘટી ૭૫.૭૧ની સપાટીએ બંધ રહ્યો હતો. ડૉલરની જેમ રૂપિયો આજે પાઉન્ડ, યુરો અને યેન સામે પણ નબળો રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 09:31 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK