Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ:ભારતમાં સોનું-ચાંદી ઊછળ્યાં

સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ:ભારતમાં સોનું-ચાંદી ઊછળ્યાં

08 April, 2020 12:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ:ભારતમાં સોનું-ચાંદી ઊછળ્યાં

ગોલ્ડ

ગોલ્ડ


સોનાના વૈશ્વિક ભાવમાં ફરી તેજીનો દોર શરૂ થયો છે. આજે એક તબક્કે વૈશ્વિક ભાવ સાડા સાત વર્ષની ઊંચી સપાટી ૧૭૪૨.૬ ડૉલર પ્રતિ ઔંસ થયા પછી તે ઘટી ગયા હતા. ચાંદીના ભાવ પણ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. કોરોના વાઇરસની અસર ઘટી રહી છે અને નવા કેસની સંખ્યા ઓછી થઈ હોવાના સંકેત સાથે વૈશ્વિક શૅરબજારની જેમ સોનામાં પણ તેજી આવી રહી છે. આ ઉપરાંત અમેરિકન સેનેટ વધુ એક ૧ લાખ કરોડ ડૉલરનું પૅકેજ તૈયાર કરી રહી છે એવા અહેવાલથી પણ ભાવને ટેકો મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં આજે કૉમેક્સ જૂન વાયદો ૦.૮૯ ટકા કે ૧૫.૧૦ ડૉલર વધી ૧૭૦૯ ડૉલર અને હાજરમાં સોનું ૦.૪૧ ટકા કે ૬.૭૬ ડૉલર ઘટી ૧૬૫૪.૨૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી મેં વાયદો ૩.૬૩ ટકા કે ૫૫ સેન્ટ વધી ૧૫.૭૨ ડૉલર અને હાજરમાં ૨૩ સેન્ટ વધી ૧૫.૨૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ગત શુક્રવારે સોનું વાયદો ૧૬૪૫ ડૉલરની સપાટીએ બંધ આવ્યો હતો અને તેમાં આજની વર્તમાન સપાટીએ ૬૪ ડૉલર કે ૩.૮૯ ટકાની વૃદ્ધિ છે.



દરમ્યાન ભારતમાં હાજર બજારો લૉકડાઉનના કારણે બંધ છે.  પણ, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન રેટ (ટૅક્સ સિવાયના ભાવ) સોના અને ચાંદીમાં તેજી સૂચવી રહ્યા છે. ચાંદીના ભાવ ૧૯૯૦ વધી ૪૨,૩૦૦ પ્રતિ કિલો અને સોનું ૧૦૪૪ વધી ૪૪,૮૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ છે. ભારતમાં એમસીએક્સ ઉપર સોનાનો જૂન વાયદો ૧૩૯૮ વધી ૪૫,૧૨૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી મેં વાયદો ૨૪૧૭ વધી ૪૩,૬૪૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. હાજર બજારમાં ખાનગીમાં સોનું ૪૬,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪૪,૭૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ જોવા મળી રહ્યા છે.


સોનામાં શૅરબજારની સાથે તેજી કેમ?

માર્ચ મહિનામાં શૅરબજારમાં વ્યાપક વેચવાલીના કારણે ટ્રેડર્સને અબજો ડૉલરનું નુકસાન થયું હતું. બજારમાં નાણાભીડ હતી એટલે માર્જિન ભરવા, સોનામાં મળી રહેલો નફો ઘરભેગો કરવા માટે સોનું પણ વેચી રહ્યા હતા. કોરોના વાઇરસના કારણે વૈશ્વિક સ્તર ઉપર મંદી આવી ગઈ છે એ નક્કી છે. વ્યાજના દર શૂન્યની નજીક કે શૂન્ય થઈ ગયા છે. લાખો-કરોડ ડૉલરના પૅકેજ થકી નાણાં પ્રવાહિતા વધારવામાં આવી છે જે સોનામાં તેજીનું સૌથી મોટું પરિબળ બની શકે છે. અત્યારે શૅરબજારની તેજીનો ઊભરો આવી રહ્યો છે તેની સામે હેજિંગ તરીકે સોનું પણ ખરીદવામાં આવી રહ્યું છે જેથી શૅર ઘટે ત્યારે સોનાનો નફો ફરી ઉપયોગમાં લઈ શકાય.


શૅરબજાર જેવી જોખમી અસ્ક્યામતમાં અત્યારે તેજી જોવા મળી રહી છે, કારણ કે કોરોના વાઇરસના નવા કેસોની સંખ્યા ઘટી છે. જો કેસ વધતા રહે અને એક પછી એક દેશ લૉકડાઉન વધારે તો શૅરબજારમાં વેચવાલી આવી શકે છે અને તે માર્ચ ૨૩ની નીચલી સપાટી ઉપર પહોંચી શકે છે એટલે સોનું ખરીદી તેઓ બન્ને બજારના ઉછાળાનું એકબીજા સામે હેજિંગ કરી રહ્યા છે.

જોકે ભાવમાં સ્થિરતા આવશે કે કેમ તે અંગે ઘણી અડચણ છે. પ્રથમ અડચણ એવી છે કે વાઇરસની અસર ખરેખર ઘટી રહી છે કે કેમ તેના માટે કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતો રહેવો જરૂરી છે. જો ઘટાડો થાય તો જ ગ્રાહકો ફરીથી મેટલ્સમાં ખરીદી કરવા આવી શકે એમ છે. બીજું, મોટા પૅકેજ સીધા નાણાબજારમાં ઠાલવી દેવામાં આવી રહ્યા હોવાથી ફુગાવો વધી શકે તેવી ચિંતાઓ પણ છે. ફુગાવો વધે તો વ્યાજ સાથે નહીં જોડાયેલી સોના અને ચાંદી જેવી ચીજોના ભાવ માટે જોખમ બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK