Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતમાં ગૉલ્ડની ઐતિહાસિક ઊંચી સપાટી 52,000 રૂપિયા હાથવેંતમાં

ભારતમાં ગૉલ્ડની ઐતિહાસિક ઊંચી સપાટી 52,000 રૂપિયા હાથવેંતમાં

23 July, 2020 11:08 AM IST | Mumbai
Bullion Watch

ભારતમાં ગૉલ્ડની ઐતિહાસિક ઊંચી સપાટી 52,000 રૂપિયા હાથવેંતમાં

ગોલ્ડ

ગોલ્ડ


પાંચમા દિવસે પણ સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી. બુધવારે ભાવ એક તબક્કે ૧૮૬૬ ડૉલર એટલે કે નવ વર્ષની ટોચ ઉપર હતો અને હવે તે ૧૯૨૦.૭૦ ડૉલર પ્રતિ ઔંસની ઇતિહાસની સૌથી ઊંચી સપાટીની બહુ નજીક છે. વૈશ્વિક બજારમાં નબળો ડૉલર, ક્રૂડ ઑઈલના ઊંચા ભાવ અને ઈટીએફમાં સતત વધી રહેલા નવા પ્રવાહ વચ્ચે સોનામાં તેજી આગળ વધી રહી છે. વૈશ્વિક ભાવ ગઈ કાલે નવ વર્ષની ઊંચી સપાટીની નજીક છે જ્યારે ભારતમાં ભાવ વધુ એક વિક્રમી સપાટી બંધ રહી ૫૨,૦૦૦ રૂપિયાની સપાટી તરફ આગળ વધી રહ્યા છે.

આ બધી સ્થિતિમાં કોરોનાની મહામારીમાં વધી રહેલા કેસ, નીચા વ્યાજના દર અને પુષ્કળ નાણાં પ્રવાહિતા જેવા પરિબળ સોનાની તેજી માટેનો પાયો છે. ગઈ કાલે અમેરિકા અને ચીન વચ્ચે ફરી તંગદિલી જોવા મળી હતી તેની પણ સેન્ટિમેન્ટ પર અસર જોવા મળી રહી છે.



મંગળવારે અર્ધા ટકાની વૃદ્ધિ પછી બુધવારે અમેરિકામાં કૉમેક્સ ઉપર ઑગસ્ટ વાયદો વધુ ૦.૫૯ ટકા કે ૧૦.૯ ડૉલર વધી ૧૮૫૪.૮૦ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૦.૬૬ ટકા એ ૧૨.૧૫ ડૉલર વધી ૧૮૫૪.૦૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.


વૈશ્વિક તેજીના પગલે ભારતમાં સોનું ૫૨,૦૦૦ રૂપિયા તરફ

વૈશ્વિક સોનાના ભાવ નવ વર્ષની ટોચે આવ્યા પછી અત્યારે પણ સર્વકાલીન ઊંચી સપાટીએ રહેલા સોનાના ભાવે ભારતમાં વધુ ઊંચી સપાટી સર કરી હતી. ગઈ કાલે મુંબઈ હાજર બજારમાં સોનું ૩૦૦ વધી ૫૧,૮૫૦ અને અમદાવાદ ખાતે ૩૧૫ વધી ૫૧,૮૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. બન્ને બજારમાં એક તબક્કે સોનાનો ઊંચો ભાવ ૫૧,૯૫૦ થયો હતો અને તે ૫૨,૦૦૦ રૂપિયાની સપાટી તોડે એવું લાગી રહ્યું હતું.


એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૯૩૧ ખૂલી, ઉપરમાં ૫૦,૦૮૫ અને નીચામાં ૪૯,૭૨૭ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૪૪૭ વધીને ૪૯,૯૭૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૧૫ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૨૬૬ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૮ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૭૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૪૪ વધીને બંધમાં ૫૦,૦૦૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ઘરેણાની નહીં પણ ઈટીએફની માગથી સોનું વધ્યું

કોરોના મહામારીના કારણે ૨૦૧૯ની તેજી પછી સોનામાં અત્યારે વધુ એક વિક્રમી તેજી જોવા મળી રહી છે. આ તેજી કોરોના મહામારીના કારણે આર્થિક મંદી, બજારમાં પુષ્કળ નાણાં પ્રવાહિતા અને નીચા વ્યાજદરના કારણે જોવા મળી રહી છે. ઊંચા ભાવે સોનાની માગ અટકી છે, લૉકડાઉનના કારણે બજારો બંધ હોવાથી ઘરેણાની માગ પણ ઘટી છે પણ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં આક્રમક ખરીદીએ સોનું સર્વકાલીન ઊંચી સપાટી તરફ આગળ વધી રહ્યું છે.

સોનાની માગમાં અત્યારે ઘરેણાં કરતાં રોકાણ માગ વધી ગઈ છે અને એટલે જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જૂનના અંતે સોનાની એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડની કુલ એસેટ ૩૧૮૫ ટન જોવા મળી રહી છે અને ૨૦૧૯ના સમગ્ર વર્ષ કરતાં આ વર્ષે છ મહિનામાં પ્રવાહ વધી ગયો છે.

ચોથા દિવસે પણ ડૉલર નરમ, યુરો બે વર્ષની ઊંચી સપાટીએ

વૈશ્વિક બજારમાં ડૉલરનાં વળતાં પાણી જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનાની ટોચથી ૮.૫ ટકા ઘટેલો ડૉલર ઇન્ડેક્સ ચોથા દિવસે પણ નરમ છે. યુરોપિયન યુનિયને ૭૫૦ અબજ ડૉલરના પૅકેજને મંજૂરી આપી હોવાથી ડૉલર ઉપર દબાણ વધી ગયું છે અને યુરો બે વર્ષની ટોચે છે. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૨૩ ટકા ઘટી ૯૪.૮૪૫ની સપાટી ઉપર હતો. યુરો ઉપરાંત ડૉલર કેનેડિયન અને ચીનના ચલણ સામે પણ નરમ પડી રહ્યો છે. અમેરિકામાં ૩૦૦ અબજ ડૉલરની સ્થાનિક પ્રજાને સહાય ઑગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે પણ તેને લંબાવવા માટેની ચર્ચા હજુ અધ્ધરતાલ હોવાથી ડૉલર ઉપર દબાણ વધી રહ્યું છે.

શૅરબજારમાં ઘટાડા વચ્ચે ડૉલર સામે રૂપિયો સ્થિર

મંગળવારે ક્રૂડ ઑઈલના ભાવમાં જોવા મળેલો ઉછાળો, વૈશ્વિક બજારમાં ડૉલરમાં આંશિક રીકવરી અને સ્થાનિક શૅરબજારમાં ઘટાડાના વચ્ચે ડૉલર સામે રૂપિયો બુધવારે ૭૪.૭૫ના મથાળે સ્થિર બંધ આવ્યો હતો. મંગળવારે ૭૪.૭૪ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૪.૬૧ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ ઘટીને ૭૪.૮૭ થયા બાદ એક પૈસો ઘટી ૭૪.૭૫ની સપાટીએ બંધ આવ્યો હતો. ભારતીય ચલણ અત્યારે અમેરિકન ડૉલર સામે બે સપ્તાહની મજબૂતી ઉપર છે. આટલા જંગી વિદેશી મૂડીપ્રવાહ વચ્ચે પણ ડૉલર સામે રૂપિયો ૭૪.૫૦ની સપાટી તોડી મજૂબત થઈ રહ્યો નથી એટલે આગામી દિવસો પણ ટેક્નિકલ રીતે અહીં મોટો પ્રતિકાર જોવા મળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 11:08 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK