ટ્રેડ-વૉર અંતના સંકેત સાથે સોનું ફરી 1500 ડૉલરની સપાટી જાળવવામાં નિષ્ફળ

Published: Oct 30, 2019, 13:47 IST | બુલિયન વૉચ | મુંબઈ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવી શકે છે અને અમેરિકા ચીન ઉપર લાદવામાં આવેલી ડ્યુટીની અવધિ વધુ એક વખત લંબાવે એવી શક્યતા વચ્ચે સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવી શકે છે અને અમેરિકા ચીન ઉપર લાદવામાં આવેલી ડ્યુટીની અવધિ વધુ એક વખત લંબાવે એવી શક્યતા વચ્ચે સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ અમેરિકા અને એશિયાઇ શૅરબજાર વિક્રમી સપાટી નજીક પહોંચી રહ્યાં છે એટલે રોકાણકારો જોખમ ઉઠાવી શૅરની ખરીદી કરી રહ્યા છે જે દર્શાવે છે કે સોના માટે અત્યારે આકર્ષણ નથી. ફેડરલ રિઝર્વ આજે મોદી રાત્રે વ્યાજનો દર ઘટાડે એવી શક્યતા છે એટલે ભાવમાં સોમવારથી જ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ટ્રેડર્સ આજનો ઘટાડો નહીં પણ ફેડરલ રિઝર્વ હજુ કેટલી વખત વ્યાજનો દર ઘટાડશે એ અંગેના નિર્દેશ ઉપર નજર રાખી રહ્યા છે.

સોનાના ભાવ શુક્રવારે ૨૦ દિવસના વિરામ પછી પ્રથમ વખત ૧૫૦૦ ડૉલરની સપાટી પાર કરવામાં સફળ રહ્યા હતા, પણ ચીન સાથે વ્યાપાર મંત્રણા સફળ રહે એવા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નિવેદન પછી તેમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ શુક્રવારે ૧૫૧૬.૮ ડૉલર પ્રતિ ઔંસ થઈ ૧૫૦૪.૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. સોમવારે ફરી ઘટીને ૧૪૯૨.૧ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો જે આજે અત્યારે ૧૪૮૬.૪ થઈ ૧૪૮૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ન્યુ યૉર્ક કૉમેકસ ગોલ્ડ વાયદો સોમવારે ૧૪૯૫.૮ ડૉલર સામે અત્યારે ૧૪૯૦.૯૫ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદીના વાયદા સોમવારના બંધ ૧૭.૮૭૬ સામે ૧૭.૭૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

નવા સંવત વર્ષમાં પાંખા કામકાજ વચ્ચે વિદેશી બજારની નરમાઈના કારણે ભારતમાં પણ સોનું અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. મુંબઈ હાજર બજારમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ આજે રૂ. ૩૮૦ ઘટી ૩૯,૪૦૦ રૂપિયા બંધ આવ્યો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૯૩૯ ખૂલી, ઉપરમાં ૩૮,૦૪૫ અને નીચામાં ૩૭,૮૨૩ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૫૪ ઘટીને ૩૭,૮૬૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૧૮ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૭૮૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૧૪૦ વધીને ૧ ગ્રામદીઠ ૪૧૩૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬ ઘટીને બંધમાં ૩૮,૦૪૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના હાજરમાં ભાવ પણ ૪૦૦ ઘટી ૪૭,૧૨૦ રૂપિયા પ્રતિ એક કિલો બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૮૬૮ ખૂલી, ઉપરમાં ૪૬,૧૨૦ અને નીચામાં ૪૫,૭૧૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૨૬૩ ઘટીને ૪૫,૭૭૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૨૬૩ ઘટીને ૪૫,૭૮૭ રૂપિયા અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૨૫૫ ઘટીને ૪૫,૭૯૨ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો મજબૂત

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવે એવી આશાએ તેમ જ ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની વ્યાપક ખરીદીના ટેકે ડૉલર સામે રૂપિયો આજે વધીને બંધ આવ્યો હતો. રૂપિયો ડૉલર સામે આજે ૭૦.૬૮ની સપાટીએ ખૂલ્યો હતો પણ પછી ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવના કારણે તેની મજબૂતી જાળવી શક્યો નહોતો. શુક્રવારના બંધ ૭૦.૯૦ સામે રૂપિયો આજે ૬ પૈસા વધી ૭૦.૮૪ની સપાટીએ બંધ આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK