ડૉલરની નબળાઈ, કોરોનાના વ્યાપની ચિંતા વચ્ચે સોનું ફરી 1900 ડૉલરની ઉપર

Published: 15th October, 2020 11:44 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરમાં બે દિવસની તેજી બાદ ગઈ કાલે ઘટાડો, કોરોના વાઇરસનો વ્યાપ અમેરિકામાં ફરી વધી શકે છે એવી ચિંતા અને શૅરબજારમાં મિશ્ર હવામાન વચ્ચે સોનાના ભાવમાં બુધવારે અમેરિકન ટ્રેડિંગ શરૂ થતાં તીવ્ર સુધારો જોવા મળી રહ્યો છે

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરમાં બે દિવસની તેજી બાદ ગઈ કાલે ઘટાડો, કોરોના વાઇરસનો વ્યાપ અમેરિકામાં ફરી વધી શકે છે એવી ચિંતા અને શૅરબજારમાં મિશ્ર હવામાન વચ્ચે સોનાના ભાવમાં બુધવારે અમેરિકન ટ્રેડિંગ શરૂ થતાં તીવ્ર સુધારો જોવા મળી રહ્યો છે અને ભાવ ફરી ૧૯૦૦ ડૉલરની મહત્ત્વની સપાટી પાર કરી ગયા છે. આ ઉપરાંત, અમેરિકામાં સ્ટિમ્યુલસ અંગેની ચિંતાઓ અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સોનાની સલામતી તરફ નીચા ભાવે ફરી ખરીદી જોવા મળી રહી છે.

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૪૮ ટકા વધ્યો હતો તો ગઈ કાલે એમાં ૦.૨૩ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. ગઈ કાલે સોનાના ભાવ ૧.૭૮ ટકા ઘટી ૧૮૯૪ ડૉલર અને ચાંદી ૪.૫૨ ટકા ઘટી ૨૪.૧૨૯ની સપાટીએ હતા. બુધવારે અમેરિકામાં ટ્રેડિંગ ખૂલતાની સાથે સોનું ડિસેમ્બર વાયદો ૦.૯૧ ટકા કે ૧૭.૩૦ ડૉલર વધી ૧૯૧૧.૯૦ અને હાજરમાં ૦.૯૨ ટકા કે ૧૭.૩૨ ડૉલર વધી ૧૯૦૬.૮૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૧.૯૯ ટકા કે ૪૮ સેન્ટ વધી ૨૪.૬૧ અને હાજરમાં ૧.૬૪ ટકા કે ૪૦ સેન્ટ વધી ૨૪.૫૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં વાયદા મક્કમ, હાજરમાં ભાવ ઘટ્યા

ભારતમાં હાજરમાં સોના અને ચાંદી ઘટ્યા હતા, જ્યારે વાયદામાં વૃદ્ધિ જોવા મળી હતી. મુંબઈ હાજર સોનું ૫૦૦ ઘટી ૫૨,૪૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૧૦ ઘટી ૫૨,૨૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. ચાંદીમાં મુંબઈ ખાતે ભાવ ૮૯૦ ઘટી ૬૨,૪૯૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૯૧૫ ઘટી ૬૨,૮૬૫ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા.

સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૩૬૯ ખૂલી, ઉપરમાં ૫૦,૪૭૫ અને નીચામાં ૫૦,૨૭૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૮૬ વધીને ૫૦,૪૩૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩૨ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૬૩૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૦૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૮૪ વધીને બંધમાં ૫૦,૪૯૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૦,૭૨૫ ખૂલી, ઉપરમાં ૬૧,૪૮૨ અને નીચામાં ૬૦,૬૦૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૬૭ વધીને ૬૧,૩૦૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૬૮ વધીને ૬૧,૩૦૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૬૮ વધીને ૬૧,૩૦૯ રૂપિયા બંધ રહ્યા હતા.

આ વર્ષે હીરાની નિકાસ ૨૫ ટકા ઘટી જશે

વિશ્વના ૯૦ ટકા રફ ડાયમન્ડને પૉલિશિંગ કરતા ભારતની હીરાની નિકાસ આ વર્ષે ૨૫ ટકા જેટલી ઘટી શકે એવી શક્યતા છે. કોરોના મહામારીથી ઘટી રહેલી માગ અને પુરવઠામાં જોવા મળી રહેલા વિક્ષેપના કારણે નિકાસ ઘટી શકે છે. જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ કોલીન શાહના મતે માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષમાં ભારતની નિકાસ ૨૦થી ૨૫ ટકા ઘટી ૧૮.૬૬ અબજ ડૉલર રહે એવી શક્યતા છે. આ નિકાસ વર્ષ ૨૦૦૯ પછીની સૌથી ઓછી નિકાસ હશે.

વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટીમાં માત્ર બે ક્વૉર્ટર કે છ મહિનાનો સમય નબળો રહ્યો અને પછી માગ સુધરી ગઈ હતી. આ વખતે બે ક્વૉર્ટર પસાર થઈ ગયા છે. દિવાળી, ક્રિસમસ અને અન્ય તહેવારોના કારણે માગ સુધરી શકે છે, પણ એની વૃદ્ધિ સમગ્ર વર્ષના ઘટાડાથી બહાર લાવી શકશે નહી, એમ કોલીન શાહે ઉમેર્યું હતું.

ડાયમન્ડ ટ્રેડિંગમાં મહારાષ્ટ્રને નંબર-વન બનાવવા મહારાષ્ટ્ર સરકાર તૈયાર

ડાયમન્ડ અને જ્વેલરીની દુનિયામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે એવી ઇચ્છા પ્રગટ કરતાં રાજ્ય સરકાર આ અંગે દરેક પ્રકારે મદદ કરવા તૈયાર હોવાની ખાતરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આપી હતી. જેમ્સ ઍન્ડ જ્વેલરીના પ્રમોશન માટે સર્વોચ્ચ સંસ્થા ધ જેમ ઍન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ઇન્ટરનૅશનલ જ્વેલરી શોના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘અમે મહારાષ્ટ્રને ભારતની સાથે દુનિયામાં ડાયમન્ડ અને જ્વેલરીમાં નંબર-વન ટ્રેડિંગ સેન્ટર બનાવવા ઇચ્છીએ છીએ. હું ઉદ્યોગને વધારે ઇન્ટરેક્ટિવ રીતે આમંત્રણ આપું છું, જેથી આપણે આ વિઝનને સંયુક્તપણે સાકાર કરી શકીએ.’ મહારાષ્ટ્ર સરકાર જ્વેલરી વેપારને નવી ઊંચાઈએ લઈ જવા શક્ય તમામ કામગીરી કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુંબઈમાં જ્વેલરી પાર્ક ઊભા કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK