Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનામાં પણ પ્રત્યાઘાતી ઉછાળો અને 1900 ડૉલર ઉપર

સોનામાં પણ પ્રત્યાઘાતી ઉછાળો અને 1900 ડૉલર ઉપર

09 October, 2020 10:36 AM IST | Mumbai
Bullion Watch

સોનામાં પણ પ્રત્યાઘાતી ઉછાળો અને 1900 ડૉલર ઉપર

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સલામતી સામે રક્ષણ આપતી ધાતુના બદલે અત્યારે કોઈ નાણાકીય પ્રોડક્ટની જેમ વર્તન કરી રહ્યા છે. શૅરબજારમાં રોકાણકારો જોખમ લઈ ટ્રેડિંગ કે રોકાણ કરે છે જ્યારે જોખમ વધે ત્યારે સોનું અને ડૉલર આકર્ષક લાગે છે, પણ અત્યારે સોનું શૅરબજારમાં ઘટાડો થાય ત્યારે ઘટે છે અને વધારો થાય ત્યારે વધી રહ્યું છે. છેલ્લા સાત મહિનાથી બજારમાં આવી જ રીતે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવારે નવા સ્ટિમ્યુલસની ચર્ચા બંધ કરવાની જાહેરાત સાથે સોનું અને શૅરબજાર બન્ને ઊંચા મથાળેથી પટકાયા હતા. આજે ફરી સ્ટિમ્યુલસની આશા જાગી છે એટલે શૅરબજાર અને સોનું બન્ને વધી રહ્યા છે.

બુધવારે ૧૯૦૦ ડૉલરની સપાટીથી નીચે સોનું અને ચાંદી ૨૪ ડૉલરની નીચે હતાં. બન્ને ધાતુઓ ટેક્નિકલ રીતે વધારે વેચવાલી આવે એ સ્તરે હતી ત્યારે અચાનક જ તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. શૅરબજારમાં એવી આશા છે કે સ્ટિમ્યુલસની ચર્ચાનો અંત સારો આવશે અને અમેરિકન નાગરિકો અને બિઝનેસને રાહત મળશે. આ ધારણાએ શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ સ્ટિમ્યુલસથી બજારમાં વધારે રોકડ પ્રવાહ આવશે અને તેના કારણે ફુગાવો વધશે એ સ્થિતિમાં સોનું આકર્ષક બનશે એવી ધારણાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.



ગઈ કાલે વૈશ્વિક બજારમાં સોનું ડિસેમ્બર વાયદો ૦.૬૦ ટકા કે ૧૧.૩૦ ડૉલર વધી ૧૯૦૨.૧૦ અને હાજરમાં ૦.૫૪ ટકા કે ૧૦.૨૧ ડૉલર વધી ૧૮૯૭.૬૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો ૧.૨૧ ટકા કે ૨૯ સેન્ટ વધી ૨૪.૧૯ ડૉલર અને હાજરમાં ૧.૦૨ ટકા કે ૨૪ સેન્ટ વધી ૨૪.૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.


કડાકા પછી ચાંદી ઊછળી, સોનું મક્કમ

બુધવારના કડાકા પછી ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં સોનું ૬૦ વધી ૫૨,૧૦૦ અને અમદાવાદ ખાતે ૭૫ વધી ૫૨,૨૭૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. ચાંદીમાં મુંબઈ હાજર ૧૧૦૦ ઊછળી ૬૧,૯૦૦ અને અમદાવાદ ખાતે ૧૧૦૫ ઊછળી ૬૧,૮૬૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા.


એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૯૭૨ ખૂલી, ઉપરમાં ૫૦,૨૩૮ અને નીચામાં ૪૯,૯૫૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૧૫ વધીને ૫૦,૧૬૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૫ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૪૪૬ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૧ વધીને ૧ ગ્રામદીઠ ૫૦૮૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૦ વધીને બંધમાં ૫૦,૨૩૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૦,૩૫૦ ખૂલી, ઉપરમાં ૬૧,૧૫૦ અને નીચામાં ૬૦,૨૫૨ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૩૭૭ વધીને ૬૦,૭૯૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૭૭ વધીને ૬૦,૮૦૪ અને ચાંદી-માઈક્રો નવેમ્બર ૩૬૮ વધીને ૬૦૮૦૨ રૂપિયા બંધ રહ્યા હતા.

ભાવમાં ઘટાડા વચ્ચે સતત ૧૦મા મહિને વૈશ્વિક ઈટીએફમાં પ્રવાહ આવ્યો

સોનાને ઘરેણાના બદલે હવે એક નાણાકીય અસ્કયામત તરીકે જોવામાં આવી રહી હોવાનું પ્રમાણ વધી રહ્યું છે. શૅરબજાર સાથે નેગેટિવ સંબંધ (એટલે કે શૅર વધે તો સોનું ઘટે અને અને શૅર ઘટે તો સોનું વધે)ના બદલે હવે બન્ને સાથોસાથ વધી રહ્યા છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં સતત નવા પ્રવાહના કારણે આવું થઈ રહ્યું હોય એવી પણ શક્યતા છે.

દરમ્યાન આજે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર સપ્ટેમ્બરમાં પણ ઈટીએફમાં નવો પ્રવાહ જોવા મળ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાઓ ભાવની દૃષ્ટિએ સોના માટે સૌથી ખરાબ હોવા છતાં નવી અસ્કયામત ૬૯.૧ ટન કે ૪.૬ અબજ ડૉલર વધી છે જે ઑગસ્ટમાં ૩૯ ટન હતી. કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સપ્ટેમ્બર સુધીમાં ગોલ્ડ ઈટીએફમાં ૧૦૦૩ ટન કે ૫૫.૭૭ અબજ ડૉલરનો નવો પ્રવાહ આવ્યો છે અને તેનાથી ગોલ્ડ ઈટીએફની કુલ અસ્કયામતો ૩૮૮૦ ટન કે ૨૩૫ અબજ ડૉલરની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં કુલ ૨૭૩ ટન કે ૧૬.૪ અબજ ડૉલરનો પ્રવાહ આવ્યો છે.

પ્રાદેશિક રીતે સપ્ટેમ્બર માસમાં ઉત્તર અમેરિકામાં ૩૪.૬ ટન કે ૨.૨ અબજ ડૉલરનો પ્રવાહ પરત ખેંચ્યો છે. યુરોપના ફંડમાં ૨૬ ટન અને એશિયામાં ૬.૮ ટનનો નવો પ્રવાહ આવ્યો છે.

સતત છઠ્ઠા મહિને ભારતમાં નવો ઈટીએફ પ્રવાહ આવ્યો

ઑગસ્ટ મહિનામાં સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા પછી આવેલા ઘટાડામાં પણ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ (ઈટીએફ)માં નવો રોકાણ પ્રવાહ અટક્યો નથી. ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં સતત છ મહિનાથી નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અસોસીએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (આમ્ફી)ના આંકડા અનુસાર ભારતના ગોલ્ડ ઈટીએફમાં સપ્ટેમ્બરમાં નવું ૫૯૭.૨૬ કરોડનું રોકાણ આવ્યું છે. ઑગસ્ટમાં ૯૦૮ કરોડનું નવું રોકાણ અને જુલાઈમાં આ પ્રવાહ ૯૨૧.૧૯ કરોડનો હતો.

ગોલ્ડ ઈટીએફમાં સતત નવા રોકાણના આવવાથી તેની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) પણ વધી રહી છે. ઑગસ્ટના અંતે ગોલ્ડ ઇટીએફની એસેટ્સ ૧૩,૫૦૩.૫૭ કરોડ હતી જે સપ્ટેમ્બરમાં વધીને ૧૩,૫૮૯ કરોડ રૂપિયા પહોંચી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 10:36 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK