ચીનના વાઇરસના વ્યાપનું જોખમ ઓસરી જતાં વૈશ્વિક સોનાના ભાવમાં પણ પ્રૉફિટ-બુકિંગ

Published: Jan 25, 2020, 10:45 IST | Bullion Watch | Mumbai

બે સપ્તાહમાં ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સોનાના ભાવમાં શુક્રવારે ફરી પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું છે.

સોનું
સોનું

બે સપ્તાહમાં ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સોનાના ભાવમાં શુક્રવારે ફરી પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું છે. ચીનમાં વાઇરસનો વ્યાપ હજી વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી એવા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આકલન પછી તેજીનાં વળતાં પાણી જોવા મળ્યાં છે. ગુરુવારે સોનાના ભાવ ૧૫૬૫ ડૉલર પ્રતિ ઔંસ સુધી ઊંચા જોવા મળ્યા હતા. શૅરબજારમાં વેચવાલી હતી, પણ વાઇરસનું જોખમ ફરી હળવું થઈ રહ્યું હોવાથી રોકાણના સ્વર્ગ સમા સોનામાં તેજી અટકી છે. જોકે ભાવ હજી પણ સાપ્તાહિક ધોરણે ૦.૧ ટકા જેટલા વધી ગયા છે. સોનાના ભાવ અને વાઇરસના વ્યાપ વચ્ચે આમ તો સીધો કોઈ સંબંધ નથી, પણ વાઇરસનું જોખમ વધે તો શૅરબજારમાં વેચવાલી આવે અને એને કારણે સોનું વૈકલ્પિક રીતે રોકાણનું આકર્ષણ બની શકે છે.

વૈશ્વિક બજારમાં કૉમેક્સ ખાતે સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૨૩ ટકા કે ૩.૫૫ ડૉલર ઘટી ૧૫૬૧.૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. જોકે ચાંદીનો માર્ચ વાયદો ૦.૯૧ ટકા કે ૧૭ સેન્ટ વધી ૧૭.૯૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. હાજરમાં સોનું ૦.૬૧ ડૉલર ઘટી ૧૫૬૨.૩૩ અને ચાંદી ૨૦ સેન્ટ વધી ૧૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતા.

ભારતમાં મુંબઈમાં હાજરમાં સોનું ૧૬૦ વધીને ૪૧,૩૪૦ રૂપિયા અને અમદાવાદમાં ૧૪૦ વધીને ૪૧,૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. જોકે વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૨૧૪ ખૂલી, ઉપરમાં ૪૦૨૧૪ અને નીચામાં ૩૯૯૭૦ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૨૪૫ ઘટીને ૪૦૦૩૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉનન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮૨ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૧૮૧૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૯૭૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૩૫ ઘટીને બંધમાં ૪૦૦૨૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ચાંદી ૪૬૦ વધી ૪૭,૫૨૦ અને અમદાવાદમાં ૪૩૦ વધી ૪૭,૫૩૦ રૂપિયા પ્રતિ કિલો ભાવ જોવા મળ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૨૩૬ ખૂલી, ઉપરમાં ૪૬૩૭૮ અને નીચામાં ૪૬૧૦૧ રૂપિયાના સ્તરને સ્પર્શીને પ્રથમ સત્રના અંતે ૧૪૮ ઘટીને ૪૬૨૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૪૧ ઘટીને ૪૬૨૫૭ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૪૭ ઘટીને ૪૬૨૫૫ રૂપિયા બંધ રહ્યા હતા.

એશિયાઈ બજારોમાં સોનાની માગ સુસ્ત

વિશ્વના સૌથી મોટા વપરાશકર ચીનમાં વાઇરસને કારણે લોકોની અવરજવર પર અંકુશ આવી ગયા છે અને બીજી તરફ આજથી શરૂ થયેલા એક સપ્તાહ લાંબા નવા વર્ષની ઉજવણીને કારણે ચીનમાં સોનાની માગ સુસ્ત જોવા મળી રહી છે. ચીનની હાજર બજારમાં સોનાના ભાવમાં પ્રીમિયમ ગયા સપ્તાહે પાંચ ડૉલર પ્રતિ ઔંસ હતું જે આજે ઘટીને બે ડૉલર જેટલું થઈ ગયું છે. હૉન્ગકૉન્ગમાં પણ પ્રીમિયમ ગાયબ થઈ ગયાં છે અને વૈશ્વિક ભાવે બુલિયન મળી રહ્યું છે. વિશ્વની બીજી સૌથી મોટી બજાર ભારતમાં ૧૧ ડૉલર પ્રતિ ઔંસનું ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે. ભાવ ઊંચી સપાટી પરથી નીચે આવ્યા છે, પણ ભારતમાં માગ એકદમ નબળી હોવાથી ઝવેરીઓ મોટી ખરીદીથી દૂર ભાગી રહ્યા છે. જો બજારમાં ભાવ હજી પણ ઘટે તો માર્ચની લગ્નસરાની મોસમ પહેલાં ખરીદી નીકળી શકે છે.

રૂપિયો વધુ નબળો પડ્યો

વિદેશી સંસ્થાઓની શૅરબજારમાં આક્રમક ખરીદી, ક્રૂડ ઑઇલના નબળા ભાવ વચ્ચે પણ સતત બીજા દિવસે ડૉલર સામે રૂપિયો ઘટીને બંધ આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડૉલરમાં જોવા મળી રહેલી મજબૂતી અને આગામી બજેટમાં ભારતની નાણાખાધ વધી શકે એવી ચિંતાઓને કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે. આજે ડૉલર સામે રૂપિયો ૭૧.૩૪ ખૂલી વધીને ૭૧.૨૨ થઈ દિવસના અંતે ૭ પૈસા ઘટી ૭૧.૩૩ની સપાટીએ બંધ આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK