Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં થાક ખાતી તેજી: ભારતમાં ચાંદી 51,000ને પાર

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં થાક ખાતી તેજી: ભારતમાં ચાંદી 51,000ને પાર

02 June, 2020 09:41 AM IST | Mumbai
Bullion Watch

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં થાક ખાતી તેજી: ભારતમાં ચાંદી 51,000ને પાર

ગોલ્ડ

ગોલ્ડ


સોના-ચાંદીના ભાવમાં ઊંચા મથાળે આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ફાટી નીકળેલા તોફાનને કારણે અત્યારે વૈશ્વિક પરિબળોની અસર એક તરફ થઈ ગઈ છે. વૈશ્વિક બજારની તેજીના પગલે ભારતમાં સોનાના ભાવ મક્કમ હતા, પણ ચાંદી ૫૧૦૦૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટી પાર કરી ગઈ હતી. જોકે વૈશ્વિક ભાવમાં અમેરિકન ટ્રે‌ડિંગમાં ભાવ ઊંચી સપાટીથી ઘટી જતાં સ્થાનિક ભાવ પણ ઘટ્યા હતા.

લૉકડાઉન ખૂલ્યાના સમયે જ એક પોલીસ ઑફિસરના જુલમથી એક અશ્વેત નાગરિકનું મૃત્યુ થયું હતું અને એને કારણે અમેરિકાનાં મોટાં શહેરોમાં તોફાન ફાટી નીકળ્યાં છે. આ સ્થિતિમાં શૅરબજારની અને સોના-ચાંદીની તેજીને બ્રેક લાગી રહી છે. લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે આવી પડેલી આ નવી કટોકટીની અસર કેવી થશે એની સ્થિતિનું આંકલન કરી રહ્યા છે.



 વૈશ્વિક બજારમાં સોના કરતાં ચાંદીમાં અત્યારે તેજી વધારે તીવ્ર છે. ગયા સપ્તાહે ચાંદીના જુલાઈ વાયદાના ભાવ મંગળવારે ઘટીને ૧૭.૫૯૫ ડૉલર બંધ આવ્યા પછી સતત ચાર દિવસ સુધી વધી ૧૮.૬૮૩ ડૉલર થઈ આજે આંશિક ઘટાડા સાથે ૧૮.૫૩૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. સામે સોનાનો ઑગસ્ટ વાયદો ૧૭૫૫ ડૉલર પ્રતિ ઔંસની શુક્રવારની ઊંચી સપાટી કરતાં અત્યારે ૧૭૪૧.૫૫ ડૉલરની સપાટીની ઉપર છે.


અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે કૉમેક્સ પર સોનું વાયદો ૦.૬૫ ટકા કે ૧૧.૪૦ ડૉલર ઘટી ૧૭૪૦.૩ અને ચાંદી જુલાઈ વાયદો ૧ સેન્ટ વધી ૧૮.૫૧ ડૉલરની સપાટી પર છે. હાજરમાં સોનું ૧.૭૫ ડૉલર વધી ૧૭૩૨.૦૨ અને ચાંદી ૨૬ સેન્ટ વધી ૧૮.૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોનું મક્કમ, ચાંદી ૫૧૦૦૦ને પાર


ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના ટૅક્સ રહિતના રેફરન્સ રેટમાં સોનું ૧૧૫ વધી ૪૭,૦૪૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી પ્રતિ કિલો ૮૯૫ વધી ૪૯,૩૩૦ રૂપિયાની સપાટી પર બંધ રહ્યા હતા. આજે અમદાવાદ અને અન્ય શહેરોમાં હાજર બજાર ખૂલ્યાં હતાં, પણ સોદા નહીંવત્ હતા. હાજર બજારમાં સોનું ૪૮,૧૯૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળાને કારણે હાજરમાં ચાંદી એક તબક્કે ૫૧,૭૦૦ રૂપિયા પ્રતિ કિલો થયા બાદ દિવસના અંતે ૫૦,૫૮૧ રૂપિયા થઈ છે. વાયદામાં પણ ચાંદીનો ભાવ ૫૦,૦૦૦ રૂપિયાની સપાટી પાર કરી ગયો હતો.

વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬૫૭૧ ખૂલી, ઉપરમાં ૪૬૯૮૪ અને નીચામાં ૪૬૫૨૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૯૮ વધીને ૪૬૭૫૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૪ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭૯૪૩ અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૭૨૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૧ ઘટીને બંધમાં ૪૬૭૮૭ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૦૫૮૭ ખૂલી, ઉપરમાં ૫૧૦૬૫ અને નીચામાં ૪૯૯૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૭ ઘટીને ૫૦૦૬૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૩૬ ઘટીને ૫૦૪૦૩ અને ચાંદી-માઇક્રો જૂન ૬૦ ઘટીને ૫૦૪૪૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર નબળો, રૂપિયો મક્કમ

દેશનું અર્થતંત્ર ફરી ખૂલી રહ્યું છે અને લૉકડાઉનમાં બંધ પડેલી ગ્રાહકની ખરીદી પાછી આવશે એવી ધારણાએ વૈશ્વિક રીતે નબળા ડૉલરથી અને શૅરબજારમાં ફરી પાછા આવી રહેલા વિદેશી મૂડીપ્રવાહ વચ્ચે રૂપિયો આજે મક્કમ બંધ આવ્યો હતો. ગયા શુક્રવારે ચાર સપ્તાહમાં પ્રથમ વખત સાપ્તાહિક ઉછાળો જોવા મળ્યા પછી આજે પણ ચલણની તેજી ચાલુ રહી હતી.

‍શુક્રવારે ડૉલર સામે ૭૫.૬૨ બંધ આવેલો રૂપિયો આજે ઊછળીને ૭૫.૩૨ ખૂલ્યા બાદ વધુ ૭૫.૨૯ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ પછી ડૉલરમાં થોડી ખરીદી નીકળતાં એ ઘટીને ૭૫.૬૦ થયા બાદ દિવસના અંતે ૭૫.૫૪ બંધ રહ્યો હતો જે આગલા બંધ કરતાં ૮ પૈસાની મજબૂતી દર્શાવે છે. જોકે ડૉલર અને યેન સામે મજબૂત થયેલો રૂપિયો યુરો અને પાઉન્ડ સામે આંશિક રીતે નબળો પડ્યો હતો.

‍વૈશ્વિક બજારમાં ડૉલર ત્રણ દિવસથી સતત નબળો પડી રહ્યો છે. બુધવારે ૯૯.૦૫ બંધ રહેલો ડૉલર ઇન્ડેક્સ આજે ૯૮.૧૯૦ની સપાટીએ છે. વૈશ્વિક બજારમાં જોખમ લઈને રોકાણ કરવાની વૃત્તિ અને અમેરિકા-ચીન વચ્ચેની તંગદિલીને કારણે ડૉલર સતત નબળો પડી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 09:41 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK