અમેરિકન સત્રમાં સોના અને ચાંદીનો ફરી બેઠા થવા પ્રયાસ

Published: 23rd September, 2020 11:08 IST | Bullion Watch | Mumbai

બુલિયન માર્કેટમાં સોમવારના તીવ્ર કડાકાથી તેજી ઉપરનો વિશ્વાસ ડગમગી ગયો

ગોલ્ડ
ગોલ્ડ

સોના અને ચાંદીના ભાવમાં સોમવારે જોવા મળેલા તીવ્ર ઘટાડાની સાથે સોનાની તેજી માટે ૧૯૨૦ ડૉલરની મહત્વની સપાટી અને ચાંદી માટે ૨૪.૩ ડૉલરની સપાટી તૂટી ગઈ હતી. જોકે આ પછી અત્યારે બજારમાં ફરી ખરીદી સાથે વૃદ્ધિ જોવા મળી છે. આ કેટલો સમય ટકશે એ સવાલ છે. વૈશ્વિક બજારની સાથે ભારતમાં પણ સોના અને ચાંદીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સોનું હાજરમાં ૧.૦૨ ટકા અને ચાંદીમાં ૬.૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

માર્ચ મહિનાની જેમ બુલિયન અને ઇક્વિટી માર્કેટનું નેગેટિવ કો-રિલેશન ફરી એક વખત તૂટી ગયેલું જોવા મળી રહ્યું છે. બન્ને બજારમાં સાથે જ તેજી આવે છે અને સાથે જ ઘટાડો જોવા મળે છે એટલે ગઈ કાલે ફરી શૅરબજારમાં થોડો સુધારો આવતા સોનું અને ચાંદી આજની નીચી સપાટીથી વધવા શરૂ થયા છે. જોકે આ વૃદ્ધિ માત્ર તેજીવાળા બજારને ટેકો આપી રહ્યા હોવાની વૃત્તિ જ માનવામાં આવી રહી છે.

સોમવારની નીચી સપાટી પછી ફરી એશિયાઇ સત્રમાં કોમેકસ સોનું ૧૯૦૦ ડૉલર તૂટી ૧૮૯૯.૧ ડૉલર અને ચાંદીનો વાયદો ૨૩.૯૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર આવ્યો હતો. આ પછી યુરોપિયન બજારમાં થોડો સુધારો, ડૉલર પણ છ સપ્તાહની ઉપરની સપાટીથી નીચે આવતા સોના અને ચાંદીના ભાવ ટેક્નિકલ રીતે મહત્ત્વના લેવલથી ઉપર ટકી રહેવા માટે આગળ વધી રહ્યા છે. ગઈ કાલે સોનું ડિસેમ્બર વાયદો ૦.૩૨ ટકા કે ૬.૨૦ ડૉલર વધી ૧૯૧૬.૮૦ અને હાજરમાં ૩.૧૭ ડૉલર વધી ૧૯૧૫.૬૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી વાયદો ૦.૦૩ ટકા કે ૧ સેન્ટ વધી ૨૪.૪૦ ડૉલર અને હાજરમાં ૨૧ સેન્ટ ઘટી ૨૪.૫૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

તોફાની સોમવારમાં સોનું, ચાંદી તૂટ્યાં

સોમવારે અમેરિકન સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં તોફાની ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલરના ભાવમાં જોવા મળી રહેલા ઉછાળા સાથે શૅરબજારના ઘટાડાની સાથે સોનું અને ચાંદીમાં પ્રોફિટ બુકિંગનો જવર દેખાયો હતો. સોનું એક તબક્કે ૬૮ ડૉલર ઘટી ૧૮૮૨.૫૦ની નીચી સપાટી થઈ દિવસના અંતે ૧.૯૫ ટકા ઘટી ૧૯૧૨.૫૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યું હતું. ચાંદીનો વાયદો વધારે તીવ્રતાથી ૨.૫૦ ડૉલર ઘટી ૨૩.૭૦ ડૉલર થઈ દિવસના અંતે ૭.૭૦ ટકા ઘટી ૨૪.૭૧૮૫ બંધ રહ્યો હતો.

વિદેશના પગલે ભારતમાં સોના અને ચાંદીમાં કડાકો

વૈશ્વિક બજારમાં ઘટેલા ભાવ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે મુંબઈ ખાતે હાજરમાં સોનું ૬૭૦ ઘટી ૫૨,૨૩૦ અને અમદાવાદ ખાતે ૬૪૫ ઘટી ૫૨,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું છે. ગત સપ્તાહના ભાવ સામે મુંબઈમાં સોનાના ભાવમાં ૨.૯૭ ટકા કે ૧૬૦૦નો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં ઘટાડો વધારે તીવ્ર હતો. મુંબઈ ખાતે ચાંદી ૪૦૧૫ ઘટી ૬૧,૫૩૫ અને અમદાવાદ ખાતે ૩૯૯૦ ઘટી ૬૧,૫૧૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ હતી. ગત સપ્તાહ કરતાં ચાંદીના ભાવમાં ૭૧૬૫ રૂપિયા કે ૧૦.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ડૉલર છ સપ્તાહની ઊંચી સપાટીએ

ઇક્વિટી અને બુલિયન માર્કેટમાં ભારે વેચવાલી, કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને યુરોપમાં નવા નિયંત્રણ વચ્ચે અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ ચલણો સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. યુરો સામે ડૉલર ૦.૬ ટકા, ઑસ્ટ્રેલિયન ડૉલર સામે ૦.૯ ટકા વધ્યો હતો. આ ઉપરાંત સ્વીસ ફ્રાંક અને યેન જેવી અન્ય સલામત ગણાતી કરન્સી સામે પણ વધ્યો હતો અને તેની અસરથી સોના અને ચાંદીના ભાવમાં વધારે કડાકો બોલાયો હતો. ગઈ કાલે શૅર અને સોનામાં નીચા મથાળે ખરીદી નીકળતાં ડૉલર ઇન્ડેક્સ દિવસના ઊંચા સ્તર ૯૩.૯૨૫ સામે ઘટી ગયો છે અને સોમવારના બંધ સામે ૦.૧ ટકા ઘટી ૯૩.૬૭૨ની સપાટી ઉપર છે.

વૈશ્વિક ડૉલર મજબૂત થતાં રૂપિયો પણ નરમ

વૈશ્વિક બજારમાં ડૉલર વધી રહ્યો હોવાથી અને ભારતીય શૅરબજારમાં ઘટાડા સાથે વિદેશી નાણાપ્રવાહ બહાર જશે એવી ચિંતાએ રૂપિયો ડૉલર સામે ગઈ કાલે નરમ બંધ આવ્યો હતો. સોમવારે ૭૩.૩૮ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૫૦ની સપાટીએ ઘટીને ખૂલ્યા બાદ વધુ ઘટી ૭૩.૫૮ બંધ રહ્યો હતો જે ૨૦ પૈસાનો ઘટાડો સૂચવે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ પણ સોમવારના ઘટાડા પછી ફરી વધતા રૂપિયા ઉપર વધારે દબાણ જોવા મળ્યું હતું.

બેઝ મેટલ્સમાં એમસીએક્સ ઉપર એક લાખ ટનની ડિલિવરી

એમસીએક્સ ઉપર ૨૦૧૯થી ફરજિયાત ડિલિવરી સાથેના બેઝ મેટલ્સ કૉન્ટ્રૅક્ટમાં ઑગસ્ટ સીરિઝમાં એક લાખ ટનની જંગી ડિલિવરી જોવા મળી રહી છે. પાંચ બેઝ મેટલ કૉન્ટ્રૅક્ટસમાં ૧,૦૬,૮૧૪ ટનની ડિલિવરી નોંધાઈ છે, જેમાં એલ્યુમિનિયમ, તાંબુ, સીસું, નિકલ અને જસતનો સમાવેશ થાય છે. મેટલની કુલ ડિલિવરીમાં ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટની ડિલિવરી સાઇકલ પૂર્ણ થતાં એલ્યુમિનિયમનો ડિલિવરીનો હિસ્સો ૩૦,૭૭૧ ટન, તાંબાનો ૨૪,૮૫૨.૫૦ ટન, સીસાનો ૧૦,૫૧૭ ટન, નિકલનો ૩૬૪૬.૫૦ ટન અને જસતનો હિસ્સો ૩૭,૦૨૭ ટનનો રહ્યો હતો. અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ ઑગસ્ટ સાઇકલ દરમ્યાન નિકલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૯૯૯ ટનની ડિલિવરી થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK