Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એક દિવસના વિરામ બાદ નબળા ડૉલરથી સોનું ફરી વિક્રમી સપાટી તરફ

એક દિવસના વિરામ બાદ નબળા ડૉલરથી સોનું ફરી વિક્રમી સપાટી તરફ

01 August, 2020 10:35 AM IST | Mumbai
Bullion Watch

એક દિવસના વિરામ બાદ નબળા ડૉલરથી સોનું ફરી વિક્રમી સપાટી તરફ

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકા અને વૈશ્વિક અર્થતંત્રમાં આર્થિક વિકાસ ઝડપથી પરત નહીં આવે, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને નબળા પડી રહેલા ડૉલરના કારણે સોના અને ચાંદીમાં ફરી તેજી જોવા મળી હતી.  વૈશ્વિક અને ભારતીય બજારમાં ભાવ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. ચાલુ સપ્તાહમાં સોનાના ભાવ ૧૧ ટકા જેટલા વધ્યા છે જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે.

ગુરુવારે એક દિવસ પ્રોફિટ બુકિંગ પછી બે વર્ષની નવી નીચી સપાટીએ પડેલા ડૉલરના કારણે ગઈ કાલે સોનું ઑગસ્ટ વાયદો ૧.૪૦ ટકા કે ૨૪ ડૉલર વધી ૧૯૬૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતા. સોનાનો ડિસેમ્બર વાયદો ૧.૪૬ ટકા કે ૨૮.૮૦ ડૉલર વધી ૧૯૯૫.૬૦ ડૉલર અને હાજરમાં ૦.૯૨ ટકા કે ૧૮.૦૩ ડૉલર વધી ૧૯૭૪.૬૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

કૉમેકસમાં ઇતિહાસની સૌથી મોટી ડિલિવરી



ગુરુવારે અમેરિકાના કૉમેકસ એક્સચેન્જમાં સોનાના ટ્રેડિંગમાં વધુ એક વિક્રમ નોંધાયો હતો. કૉમેકસ ખાતે ડિલિવરી માટે ગુરુવારે ૩૨.૭ લાખ ઔંસની અરજીઓ આવી હતી. આ એક જ દિવસમાં ડિલિવરી માટેની અરજીઓમાં ૧૯૯૪નો રેકૉર્ડ તૂટી ગયો છે. સોનામાં વિક્રમી તેજી અને ન્યુ યૉર્ક અને લંડનના ભાવમાં ભારે તફાવતના કારણે કૉમેક્સ ખાતે ડિલિવરી લેવાનું પ્રમાણ વધી શકે છે.


ભારતમાં સોનાના ભાવ ૫૬,૦૦૦ રૂપિયા તરફ

ભારતમાં મુબઈ ખાતે હાજરમાં સોનું ૭૩૫ વધી ૫૫,૭૦૦ અને અમદાવાદ ખાતે ૭૪૦ વધી ૫૫,૬૭૫ રૂપિયાની સપાટીએ છે. બન્ને શહેરોમાં ભાવ ઇતિહાસની નવી ઊંચી સપાટી ઉપર બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૩,૫૨૬ ખૂલી, ઉપરમાં ૫૩,૮૪૪ અને નીચામાં ૫૩,૫૦૩ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૪૫૯ વધીને ૫૩,૫૯૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૪૨૪ વધીને ૮ ગ્રામદીઠ ૪૩,૪૫૪ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૩૫ વધીને ૧ ગ્રામદીઠ ૫૪૪૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૯૨ વધીને બંધમાં ૫૩,૬૭૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.


ચાંદીમાં પણ ફરી તેજીનો દોરીસંચાર

સોનાની જેમ ચાંદીમાં પણ ગઈ કાલે એક દિવસના પ્રોફિટ બુકિંગ પછી તેજીનો દોરીસંચાર થયેલો છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૪.૪૪ ટકા કે ૧.૦૪ ટકા વધી ૨૪.૪૦ ડૉલર અને હાજરમાં ૩.૦૭ ટકા વધી ૨૪.૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

મુંબઈ હાજર ચાંદી ૨૪૧૫ વધી ૬૬,૪૨૫ અને અમદાવાદ ખાતે ૨૪૨૦ વધી ૬૬,૪૧૫ રૂપિયા પ્રતિ કિલોની સપાટી ઉપર બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૩,૩૪૪ ખૂલી, ઉપરમાં ૬૫,૩૯૦ અને નીચામાં ૬૩,૩૪૪ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૨૨૩૦ વધીને ૬૪,૯૦૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૧૮૬ વધીને ૬૪,૯૩૫ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૧૯૯ વધીને ૬૪,૯૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં ડૉલર માટે દાયકાનો સૌથી નબળો મહિનો, રૂપિયો વધ્યો

વૈશ્વિક બજારમાં ડૉલર માટે જુલાઈ છેલ્લા એક દાયકાનો સૌથી ખરાબ મહિનો રહ્યો છે. કોરોનાના કારણે લૉકડાઉન પછી અમેરિકન અર્થતંત્ર ઝડપથી બેઠું થઈ જશે એવી આશા ઉપર બેરોજગારીના વધી રહેલા આંકડાઓ અને વિશ્વયુદ્ધ પછીના સૌથી ખરાબ જીડીપીના આંકડાઓએ પાણી ફેરવી દીધું છે. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૦૮ ટકા ઘટી ૯૨.૯૩૮ની સપાટી ઉપર છે, જે બે વર્ષની નીચી સપાટી છે. અમેરિકન ડૉલરનું વિશ્વના ટોચના છ ચલણ સામે મૂલ્ય નક્કી કરતો આ ઇન્ડેક્સ છેલ્લાં છ સપ્તાહથી સતત ઘટી રહ્યો છે અને આ મહિનામાં જ તેમાં ૫ ટકા કરતાં વધારેનો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં ડૉલરના નરમ હાલના કારણે રૂપિયો વધ્યો હતો પણ ભારતીય શૅરબજારમાં મંદી અને ક્રૂડ ઑઇલના ઊંચા ભાવથી તેજી ઉપર લગામ જોવા મળી હતી. ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ૭૪.૭૪ની સપાટીએ ખૂલી વધીને ૭૪.૬૮ થઈ દિવસના અંતે ૭૪.૮૧ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા દિવસ કરતાં ત્રણ પૈસાની વૃદ્ધિ સૂચવે છે. આ સપ્તાહમાં રૂપિયો બે પૈસા વધીને બંધ આવ્યો હતો. જોકે ડૉલર સિવાય આ સપ્તાહમાં ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડ, જપાનીઝ યેન અન યુરો ત્રણેય સામે ઘટીને બંધ આવ્યો છે. યેન સામે રૂપિયો ૧.૭ ટકા, પાઉન્ડ સામે ૨.૮૮ ટકા અને યુરો સામે ૨.૨૧ ટકા ઘટીને બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2020 10:35 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK