ટ્રેડ-વૉર અને બ્રેક્ઝિટની અનિશ્ચિતતાને પગલે સોનામાં અફરાતફરી

બુલિયન બુલેટિન - મયૂર મહેતા | Mar 15, 2019, 09:28 IST

બ્રિટિશ પાર્લમેન્ટે નો ડીલને નામંજૂર કરતાં બ્રેક્ઝિટ પ્રોસેસ લંબાવાની શક્યતા: ટ્રેડ-વૉર બાબતે ટ્રમ્પનું વલણ હજી પણ અક્કડ રહેતાં સમાધાન વિશે અનિશ્ચિતતા

ટ્રેડ-વૉર અને બ્રેક્ઝિટની અનિશ્ચિતતાને પગલે સોનામાં અફરાતફરી
સોનું

ટ્રેડ-વૉર અને બ્રેક્ઝિટ બાબતે રોજેરોજ ઘટનાક્રમ બદલાતો રહેતો હોવાથી સોનામાં અફરાતફરી વધી રહી છે. જોકે અમેરિકી ડૉલર છેલ્લાં પાંચ સેશનથી સતત ઘટતો જતો હોવાથી સોનામાં ઘટાડો મર્યાદિત છે, પણ તેની સામે ઊંચા ભાવે સતત વેચવાલીનું દબાણ વધતાં તેજીને બ્રેક લાગી રહી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૧૯ના બે મહિના દરમ્યાન ગયા વર્ષની સરખામણીમાં ૬.૧ ટકા વધ્યું હતું જે ગયા વર્ષે ૫.૯ ટકા વધ્યું હતું. ચીનનું રીટેલ સેલ્સ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૮.૨ ટકા વધ્યું હતું, માર્કેટની ધારણા ૮.૧ ટકા વધારાની હતી. ચીનના ઇન્ડસ્ટિÿયલ આઉટપુટનો ગ્રોથ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૫.૩ ટકા વધ્યો હતો, પણ આ ગ્રોથ છેલ્લાં ૧૭ વર્ષનો સૌથી ઓછો રહ્યો હતો. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં જાન્યુઆરીમાં ૦.૪ ટકાનો વધારો નોંધાયો હતો જેમાં ડિસેમ્બરમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો. અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં ફેબ્રુઆરીમાં ૦.૧ ટકાનો વધારો નોંધાયો હતો જે જાન્યુઆરીમાં ૦.૧ ટકા ઘટ્યું હતું. યુરો ઝોનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જાન્યુઆરીમાં ૧.૧ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૪.૨ ટકા ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

બ્રેક્ઝિટ અને ટ્રેડ-વૉરની લાંબા સમયથી ચાલી આવતી અનિશ્ચિતતા હજી યથાવત્ છે. ડોનલ્ડ ટ્રમ્પનું અક્કડ વલણ યથાવત્ હોવાથી ચીન સાથે ટ્રેડ-વૉરનું સમાધાન સતત લંબાતું જાય છે. બ્રિટિશ પાર્લમેન્ટે બ્રેક્ઝિટ પ્રોસેસને કોઈ પણ ડીલ (નો ડીલ) વગર કરવાના પ્રસ્તાવને નામંજૂર કરતાં હવે ૩૧ માર્ચની ડેડલાઇન ફરજિયાત લંબાવવી પડશે. બોઇંગ ૭૩૭ મૅક્સ પાંચ મહિનામાં બે વખત ક્રૅશ થતાં બોઇંગ કંપનીની મુશ્કેલીઓ વધતાં એની સીધી અસર સ્ટૉક માર્કેટ પર પડી રહી છે. આ તમામ પરિબળોની અસરે ડૉલર નબળો પડી રહ્યો છે. કરન્સી માર્કેટમાં સતત પાંચમા દિવસે ડૉલર ગગડતાં સોનાની તેજીને સપોર્ટ મળ્યો હતો અને બુધવારે સોનું વધીને ૧૩૧૧.૦૭ ડૉલર થયું હતું, પણ ત્યાર બાદ પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. ફ્રેન્ચ મલ્ટિ બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની સોસાયટ જનરલે આવતા બાર મહિના સોનું ઍવરેજ ૧૪૦૦ ડૉલર રહેવાની આગાહી કરી હતી. આમ, સોનાને ઊંચે જવા સતત સપોર્ટ મળતો રહેશે, પણ ભાવ વધવાની ગતિ ધીમી હશે એ નક્કી છે.

આ પણ વાંચો : NSEL કેસમાં ટ્રેડરોએ કરચોરી કરી હોવાની શંકા ITએ મોકલી નોટિસો

સોના-ચાંદીમાં ઊંચા ભાવે ડિમાન્ડને બ્રેક લાગતાં ભાવમાં પીછેહઠ

વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા હોવાથી એની અસરે લોકલ માર્કેટમાં સોનું-ચાંદી મોંઘું બનતાં અહીં ડિમાન્ડને બ્રેક લાગી હતી જેને કારણે ગુરુવારે લોકલ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં. સોનાનો ભાવ મુંબઈમાં ૨૯૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૨,૦૮૫ અને દિલ્હીમાં ૧૫ રૂપિયા ઘટીને ૩૩,૩૭૦ બોલાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ મુંબઈમાં ૫૬૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૮,૫૪૫ અને દિલ્હીમાં ૪૧૦ રૂપિયા ઘટીને ૩૯,૩૦૦ બોલાયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK