ડૉલરમાં ઘટાડાની સાથે ગઈ કાલે બીજા દિવસે પણ સોનાના ભાવ વધ્યા હતા

Published: 30th September, 2020 15:46 IST | Bullion Watch | Mumbai

ડૉલરમાં નરમ હવામાન વચ્ચે પખવાડિયામાં પ્રથમ વખત બીજા દિવસે સોના–ચાંદી વધ્યાં : ભારતમાં પણ તીવ્ર ઉછાળો

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારમાં બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ડૉલરમાં ઘટાડાની સાથે ગઈ કાલે બીજા દિવસે પણ સોનાના ભાવ વધ્યા હતા. ગયા સપ્તાહે ડૉલરમાં આવેલી તેજીના કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલર ઘટવાથી પખવાડિયામાં પ્રથમ વખત સોનાના ભાવ પણ સતત બીજા દિવસે વધ્યા છે. અગાઉ, ૧૬ સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ સુધી સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા.

શૂન્યની નજીક વ્યાજના દર, આર્થિક રીતે મંદી, બજારમાં પુષ્કળ નાણાપ્રવાહિતા વચ્ચે સોના અને ચાંદીમાં ફંડામેન્ટલ તેજીનો ટેકો આપી શકે એવી દલીલ છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડની માગ પણ સોના માટે વિક્રમી સ્તરે છે એટલે નીચા ભાવે ફરી આકર્ષણ વધી શકે છે, પણ ઑગસ્ટમાં સર્વકાલીન ઊંચી સપાટી પછી દરેક ઉછાળે સોનાના ભાવમાં વેચવાલી આવી રહી છે અને એવું માનનારો એક વર્ગ પણ છે કે હવે સોનાના ભાવ વધારે ઊંચા કે વિક્રમી સપાટીએ પહોંચવા માટે એક નવા પરિબળ કે કોઈ મોટી ઘટના જરૂરી છે.

સોમવારે સોનું વાયદો ૦.૮૬ ટકા અને ચાંદી વાયદો ૨.૨૭ ટકા વધ્યો હતો. ગઈ કાલે બીજા દિવસે પણ વૃદ્ધિ જળવાઈ રહી છે. અમેરિકન સત્રમાં કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો ૦.૩૫ ટકા કે ૬.૬૦ ડૉલર વધી ૧૮૮૮.૯૦ અને હાજરમાં ૦.૧૫ ટકા કે ૨.૮૪ ડૉલર વધી ૧૮૮૪.૩૨ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદી વાયદો ૧.૪૪ ટકા કે ૩૪ સેન્ટ વધી ૨૩.૯૫ ડૉલર અને હાજરમાં ૦.૬૨ ટકા કે ૧૫ સેન્ટ વધી ૨૩.૮૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોના અને ચાંદીમાં ઉછાળો

ચાર દિવસની સતત નરમાઈ બાદ ગઈ કાલે ભારતમાં સોના અને ચાંદીમાં ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ઊછળેલા ભાવ અને તહેવારો દરમિયાન માગ વધશે એવી આશાએ ભાવ વધ્યા હતા. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયો નરમ પડતાં પણ ભાવ ઊંચકાયા હતા. હાજરમાં મુંબઈ સોનું ૭૨૫ વધી ૫૨,૩૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૫૦ વધી ૫૨,૧૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૧૯૪ ખૂલી, ઉપરમાં ૫૦,૫૪૫ અને નીચામાં ૫૦,૦૫૯ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૨૩ વધીને ૫૦,૪૫૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૨૩ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૨૭૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૫૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૪૨ વધીને બંધમાં ૫૦,૨૭૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજરમાં ભાવ ૧૯૨૦ વધી ૬૧,૯૭૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૮૭૫ વધી ૬૧,૮૮૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૦,૬૧૦ ખૂલી, ઉપરમાં ૬૧,૭૩૫ અને નીચામાં ૬૦,૦૬૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૫૪ વધીને ૬૧,૪૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૦૧૬ વધીને ૬૧,૪૧૪ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૦૩૪ વધીને ૬૧,૪૨૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલરમાં નરમાઈ

અમેરિકન ડૉલર સામે વિશ્વનાં છ અન્ય ચલણોનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૪ ટકા ઘટ્યા પછી ગઈ કાલે પણ ૦.૨ ટકા ઘટ્યો છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ ૯૪.૦૮૮ની સપાટી પર છે. સપ્ટેમ્બરમાં બે મહિનાની નીચી સપાટીએ પહોંચેલો ડૉલર ફરી વધી બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં છે એ અગાઉ ઉમેદવારો ડોનલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે ગઈ કાલે રાત્રે (ભારતીય સમય અનુસાર બુધવારે વહેલી સવારે) સીધી ડીબેટ થશે. આ ડીબેટ અગાઉ બજારમાં સાવચેતીના ભાગરૂપે ડૉલર નરમ જોવા મળી રહ્યો છે. જો ડીબેટ પછી ટ્રમ્પ પાછળ રહે તો ડૉલર તરફ ફરી દોટ જોવા મળશે અને એમાં વૃદ્ધિ આવી શકે છે.

ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો

અમેરિકન ડૉલર વૈશ્વિક બજારમાં બીજા દિવસે પણ નરમ હોવા છતાં ભારતીય રૂપિયો ગઈ કાલે નબળો પડ્યો હતો. એશિયાઈ ચલણો અમેરિકન ડૉલર સામે નરમ હતાં અને આયાતકારોની મહિનાના અંતની પેમેન્ટ પૂર્ણ કરવાની ડૉલરની માગના કારણે રૂપિયો નરમ હતો. સોમવારે ૭૩.૭૯ની સપાટીએ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૭૮ ખૂલી દિવસ દરમિયાન ૭૩.૯૧ અને ૭૩.૭૫ની વચ્ચે અથડાયા બાદ ૭ પૈસા ઘટી ૭૩.૮૬ની સપાટીએ બંધ રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK