Budget 2020: અંદાજપત્રમાં જાહેરાત થાય એટલે એનો અમલ થવો નિશ્ચિત માનવો નહીં

Published: Jan 30, 2020, 07:48 IST | Sushma B Shah | Mumbai

સરકાર બજેટ થકી આર્થિક દિશા નક્કી કરવામાં ક્યારેક મોટી જાહેરાતો કરી એનો અમલ નથી કરતી

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

નાણાપ્રધાનો અંદાજપત્ર રજૂ કરતા આવ્યા છે અને એમાં સ્કીમ, યોજનાઓ અને વિચારો રજૂ કરતા આવ્યા છે. કેટલાક વિચારો એવા હોય છે કે સરકાર ભલે કોઈ પણ પક્ષની હોય, પણ એનો અમલ થતો રહે છે અને કેટલાક વિચારો માત્ર શબ્દો બનીને રહી જાય છે.

દેશના આર્થિક ભાવિ પર દૂરોગામી અસર થાય એવા વિચારોમાં મહાત્મા ગાંધી નૅશનલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ (મનરેગા) અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી - લાયક વ્યક્તિના ખાતામાં સીધી જ સબસિડી જમા થવી) જેવી યોજનાઓ પણ છે. મનરેગા જયારે રજૂ થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ એને ઇતિહાસની સૌથી મોટી ભૂલ લેખાવી હતી, પણ નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી ત્યારે આગલાં બધાં વર્ષો કરતા એમાં વિક્રમી ફન્ડની ફાળવણી કરવામાં આવી રહી છે.

આધાર કાર્ડ આધારિત પાઇલટ પ્રોજેક્ટ તરીકે સબસિડી ખાતામાં જમા કરાવવા માટે ડીબીટી નાણાપ્રધાન તરીકે પ્રણવ મુખરજીએ રજૂ કરી હતી. આધાર કાર્ડ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયો, બીજેપીએ એનો વિરોધ કર્યો અને એ યોજના પડી ભાંગી. આજે ડીબીટી અને આધાર બન્ને ફરજિયાત છે. નરેન્દ્ર મોદી એને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ લેખાવે છે. ચાલુ વર્ષે કેન્દ્ર અને રાજ્યોની મળીને ૪૩૦ જેટલી સ્કીમના ૨.૦૬ લાખ કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા જમા થયા છે.

૨૦૧૩-’૧૪ના બજેટમાં મહિલાઓને સશક્તીકરણ અને નાણાસ્વાતંત્ર્ય માટે ભારતીય મહિલા બૅન્કની સ્થાપના કરવામાં આવી હતી. આ બૅન્ક બની ખરી, પણ ચાર જ વર્ષમાં એ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવી.

ભુલાઈ ગયેલી જાહેરાતો

આવી જ રીતે ડાયરેક્ટ ટૅક્સ કોડ – આવકવેરો સરળ બને, એની આકારણી સરળ હોય, ટૅક્સનું ભારણ હળવું હોય અને વ્યાપ વધે એવી ઇચ્છાએ નાણાપ્રધાન તરીકે ચિદમ્બરમે ડાયરેક્ટ ટૅક્સ કોડ માટે પહેલ કરી હતી. કમિટી બની, કમિટીએ અહેવાલ આપ્યો, રાજ્યસભાની એક સમિતિ સમક્ષ આ માટે ખરડો ગયો, આ સમિતિએ પણ અહેવાલ રજૂ કર્યો, પણ લોકસભાની મુદત પૂરી થઈ જતાં એ કાયદો બની શક્યો નહીં. નવા પક્ષની નવી સરકાર આવી. નાણાપ્રધાન જેટલીએ અગાઉનો અહેવાલ નકારી કાઢ્યો અને એના સ્થાને ફરી નવી કમિટીની રચના કરી. એનડીએની પ્રથમ મુદત પૂરી થઈ, કમિટીએ બીજી વખત સત્તા પર આવેલી એનડીએને અહેવાલ આપ્યો. નાણાપ્રધાન સીતારમણે એનો સ્વીકાર કર્યો છે, પણ આ નવો ડાયરેક્ટ ટૅક્સ કોડ ક્યારે અમલમાં આવશે એ વિશે હજી કોઈ જાહેરાત થઈ નથી. પ્રજા દર વર્ષે કરમાં રાહત મળશે એવી આશા સાથે બજેટની રજૂઆત સાંભળે છે, પણ બહુ મોટા પાયે કોઈ રાહત મળતી નથી.

ગયા વર્ષના બજેટમાં કેટલીક જાહેરાતો એવી હતી જેના અમલ વિશે અત્યારે કોઈ માહિતી મળી રહી નથી. કેન્દ્ર સરકારનાં સાહસો અને સરકારની માલિકીની જમીન પર અફૉર્ડેબલ હાઉસિંગ શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. સરકાર પાસે લાખો એકર જમીન આ રીતે ફાજલ પડી છે. સરકારને નાણાં મળે અને લોકોને સસ્તાં ઘર મળે એવા ઉદ્દેશ સાથેનો વિચાર અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે.

સરકારે બીજો વિચાર કર્યો હતો કે દેશ માત્ર સ્થાનિક બજારમાંથી જ નહીં, પણ વિદેશી બજારમાંથી પણ નાણાં એકત્ર કરશે. ફૉરેન કરન્સી પ્રકારના બૉન્ડથી સરકાર અમેરિકા કે જપાન કે યુરોપમાં સાવ નજીવા વ્યાજદરથી નાણાં ઊભાં કરી શકે અને એનો ઉપયોગ ભારતમાં સારી યોજનાઓના ખર્ચ માટે કરી શકે. આ યોજના વિશે સરકાર, રિઝર્વ બૅન્ક અને અન્યોએ ચર્ચા ઘણી કરી. એવો ડર છે કે સરકાર જો આ રીતે વારંવાર નાણાં એકત્ર કરે તો એનાથી ભારત પર વૈશ્વિક નાણાબજારનનાં જોખમોની અસર વધી શકે છે. જોકે નથી સરકારે આવાં કોઈ બૉન્ડ બહાર પાડ્યાં કે નથી આવી રીતે કોઈ નાણાં એકત્ર કરશે એવી સત્તાવાર જાહેરાત કરી.

બજેટમાં કોઈ ચમક નથી રહી

વર્ષો સુધી ભારતના બજેટમાં કરવેરાની દરખાસ્ત પર સૌની મીટ મંડાયેલી રહેતી હતી. માત્ર આવકવેરો જ નહીં; પણ એક્સાઇઝ, કસ્ટમ અને સર્વિસ ટૅક્સના ફેરફારને કારણે રાતોરાત ચીજો સસ્તી કે મોંઘી થઈ જતી હતી. કરવેરાની આ દરખાસ્તનો ચાર્મ હવે ખતમ થઈ ગયો છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) અમલમાં આવતાં એમાં ફેરફાર કરવાની સત્તા હવે નાણાપ્રધાન પાસે રહી નથી. જીએસટીમાં એક્સાઇઝ, સર્વિસ ટૅક્સ, રાજ્યોના વેચાણવેરા કે વૅટ સહિતના કરવેરા સામેલ થઈ ગયા છે. જીએસટીમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય અને કેન્દ્ર સરકારના નાણાપ્રધાનોની કાઉન્સિલ પાસે જ છે. હા, એટલું ચોક્કસ કે કાઉન્સિલના કોઈ જૂના નિર્ણય માટે કાયદામાં ફેરફાર કરવાનો હોય તો એની વાત ચોક્કસ કરવામાં આવે છે.

નાણાપ્રધાન હવે કરવેરામાં ઇન્કમ ટૅક્સ કે કૉર્પોરેટ ટૅક્સ અને કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરી શકે છે. એવી વાત ચાલી રહી છે કે ભારતમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે એટલે ઇલેક્ટ્રૉનિક્સ, સોલર, વીજળીનાં ઉપકરણો, મોબાઇલની કિટ સહિત ૫૦ જેટલી ચીજો પર ભારત સરકાર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરશે. જો આમ થાય તો આ ચીજો તાત્કાલિક મોંઘી બનશે. સીધા કરવેરામાં રાહત ચોક્કસ મળશે, પણ એ અપેક્ષા કરતાં ઓછી હશે.

તો હવે બજેટમાં શું હશે?

અર્થશાસ્ત્ર એ ઉપલબ્ધ સ્રોતનું સમાજના દરેક વર્ગને ફાયદો થાય એ રીતે વિભાજન કરવા માટે છે. રાજકીય નીતિઓ અને સત્તા પરની સરકાર પોતાની વિચારધારા સાથે એમાં થોડા ફેરફાર કરતી રહે છે. હવે બજેટમાં સરકાર કયા ક્ષેત્રને સૌથી વધારે મદદની કે રાહતની જરૂર છે. આ મદદ કે રાહત કે ટેકો આપવાથી દેશની આર્થિક પ્રગતિ - ઊંચો વિકાસદર, વધારે લોકોને રોજગારી, સરકારની આવકમાં વધારો – થશે કે નહીં એના કૉસ્ટ બેનિફિટ ઍનૅલિસિસના આધારે વિભાજન કરવામાં આવે છે.

ભારત માટે અત્યારે રોજગારી સર્જન, વધુ માગ અને વધુ મૂડીરોકાણ એમ ત્રણ પડકાર છે. ત્રણેય પડકારને પૂર્ણ કરવા માટે નાણાંની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર પોતાના થકી નાણાં ફાળવે અને ખાનગી મૂડીરોકાણ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરે એ આજની જરૂરિયાત છે. નાણાપ્રધાન બજેટમાં આને માટે કેવાં પગલાં લેશે એ જોવાનું રહ્યું.

૨૦૧૨-’૧૩માં જનરલ ઍન્ટિ અવૉઇડન્સ રૂલ્સ (ગાર)ના નામે કરવેરાની દરખાસ્ત અમલમાં આવી હતી. આને કારણે વિદેશી કંપની ભારતમાં પોતાના યુનિટનું વેચાણ કરે તો ટૅક્સ ભરવો પડે એવી દરખાસ્ત હતી. ગારનો અમલ તો ૨૦૧૭માં થયો, પણ કેન્દ્ર સરકારે વોડાફોનને ૧૦ અબજ ડૉલરનો ટૅક્સ ભરવા માટે નોટ્સ પાઠવી છે અને એ કેસ હજી પણ ચાલી રહ્યો છે.

ગયા બજેટમાં સીતારમણે સુપર રિચ ટૅક્સ અમલમાં મૂક્યો હતો જેની અસર વિદેશી નાણ સંસ્થાઓ અને અન્ય ફન્ડ્સ પર પડી હતી. ટૅક્સનું ભારણ વધી રહ્યું હોવાથી વિદેશી સંસ્થાઓ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધી સતત શૅર વેચી રહી હતી. છેવટે સરકારે આ પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો હતો.

ઉત્તરાર્ધ

બસ, બજેટમાં કેન્દ્ર સરકાર લોકોપયોગી પગલાં જાહેર કરે કે કઠોર, સૌથી મહત્વની વાત બે હોય છે; એક કેન્દ્ર સરકારના અંદાજ વાસ્તવિક હોય, સરકાર કરની આકારણી સરળ કરવાના બદલે ગૂંચવે નહીં અને દેશમાં રોકાણ કરનારને, દેશમાં રોજગારી ઇચ્છનારનો ઉત્સાહ વધે એવા હોવા જોઈએ. બાકી, બજેટમાં પણ ચુનાવી જુમલા હોય છે. અગાઉ પણ આવ્યા છે, હજી પણ આવતા રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK