ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર નાણાખાધનો અંદાજ હળવો, પણ તે સિદ્ધ કરવો મુશ્કેલ

Published: Feb 02, 2020, 07:39 IST | New Delhi

બજેટ ૨૦૧૯-૨૦ સમયે કેન્દ્ર સરકારની કરની આવકના અંદાજ આક્રમક ગણવામાં આવ્યા હતા અને તેના કારણે ફિસ્કલ ડેફિસિટ કે નાણાખાધ વધી જશે એવી દહેશત હતી.

ડિસઇન્વેસ્ટમેન્ટ
ડિસઇન્વેસ્ટમેન્ટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે રજૂ કરેલા બજેટમાં દૈત્ય વિગતોમાં છુપાવેલો છે. સંભવિત રીતે દેશના ઇતિહાસમાં સૌથી લાંબા ચાલેલા બજેટ ભાષણમાં પ્રધાને દેશનો આર્થિક વિકાસ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને પડકારોને પહોંચી વળવા સરકાર શું વિચારે છે એની વાતો જ છે. બાકી, બજેટમાં કોઈ એવા નક્કર પગલાં નથી કે જેનાથી દેશની ધીમી પડેલી વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય. બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ કે કન્ઝમ્પશન વધે એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

બજેટ ૨૦૧૯-૨૦ સમયે કેન્દ્ર સરકારની કરની આવકના અંદાજ આક્રમક ગણવામાં આવ્યા હતા અને તેના કારણે ફિસ્કલ ડેફિસિટ કે નાણાખાધ વધી જશે એવી દહેશત હતી. આ દહેશત સાચી પડી છે. બજેટ ૨૦૨૦ના સરકારની કરની આવકનો અંદાજ આક્ર્મક્ર રીતે સરકારી કંપનીઓના શૅર વેચી (ડિસઇન્વેસ્ટમેન્ટ), વધારે ડિવિડન્ડ ઉપર રહેલો છે. સીતારમણે જે ડિસઇન્વેસ્ટનો અંદાજ મૂક્યો છે એ દેશના ઇતિહાસમાં ક્યારેય એક વર્ષમાં સિદ્ધ થયો હોય નહીં એટલો ઊંચો છે.

૨૦૧૯-૨૦માં ખાધ વધી, કરની આવક ઘટી

કેન્દ્ર સરકારે જુલાઈમાં બજેટ રજૂ કર્યું ત્યારે નિષ્ણાતોએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે કરવેરાની આવકમાં ૨૫ ટકા વધારો ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં શક્ય નથી. દેશમાં જ્યારે આર્થિક મંદીનો માહોલ હોય, વેચાણ ઘટી ગયું હોય અને માગ ઘટી રહી હોય ત્યારે આટલી આવકવૃદ્ધિ શક્ય નથી. નાણાપ્રધાન અને નાણાસચિવ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. આજે સ્થિતિ એવી છે કે દેશના છેલ્લાં દસ વર્ષમાં પ્રથમ વખત ઇન્કમ ટૅક્સની આવક વધવાના બદલે ઘટી છે. આવી જ રીતે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૩.૩ ટકાથી વળશે એવી આગાહી પણ થઈ હોવા છતાં નાણાપ્રધાન તે સ્વીકારવા તૈયાર થયા નહોતા.

આજે બજેટ રજૂ કરતાં તેમણે કરની આવકનો સુધારેલો અંદાજ રજૂ કર્યો છે. બજેટના ૧૬.૪૯ લાખ કરોડ રૂપિયા સામે હવે અંદાજ સુધારી ૧૫.૦૪ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે જે નવ ટકાનો ઘટાડો દર્શાવે છે. બજેટમાં ખાધ જીડીપીના ૩.૩ ટકા રહેશે એવી ધારણા હતી જે હવે વધીને જીડીપીના ૩.૮ ટકા કે ૭.૬૬ લાખ કરોડ રૂપિયા રહેવાનો સુધારેલો અંદાજ છે.

૨૦૨૦-૨૧માં કરની આવક કેટલી વધશે

બજેટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારની કરની કુલ આવક ૩,૩૨,૩૭૦ કરોડ કે ૨૫.૨ ટકા વધી ૧૬.૪૯ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. જોકે બજેટમાં તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે અંદાજ ૧૫.૦૪ લાખ કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો છે. બજેટ ૨૦૨૦માં કેન્દ્ર સરકારની ધારણા છે કે કરની આવક સુધારેલા અંદાજ કરતાં ૧,૩૧,૩૨૩ કરોડ રૂપિયા કે ૮.૭૨ ટકા વધી શકે છે.

નાણાપ્રધાને બજેટમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની રાહત ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (જે અત્યારે કંપનીઓ ઉપર લાગતો હતો) નાબૂદ કરી આપી છે. આવી જ રીતે ઇન્કમ ટૅક્સ ભરતા લોકોએ વૈકલ્પિક છૂટ આપી હોવાથી પણ સરકારને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની કરની રાહત આપી છે. એટલે આ વખતે કરની દરખાસ્તનો અંદાજ બહુ આક્રમક લાગતો નથી. બજેટમાં દેશનો આર્થિક વિકાસદર વર્તમાન ભાવે એટલે કે ફુગાવાસહિત ૧૦ ટકા રહેવાની ધારણા છે એ સંજોગોમાં ૮ ટકા જેટલી કરની આવક ચોક્કસ વધી શકે છે.

સરકાર નાણાં ક્યાંથી ઊભાં કરશે

નાણાપ્રધાન ઉપર બજેટમાં વધુ ખર્ચ કરી આર્થિક ગતિવિધિઓ તેજ બને અને લોકોને ટૅક્સમાં રાહત આપવાનો બેવડો બોજ હતો. નાણાપ્રધાને આંકડાઓ થકી બન્ને મોરચે સમતુલા જાળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ગત બજેટમાં જેમ કરના અંદાજો ખોટા હતા એમ આ વર્ષે અન્ય સ્રોતથી આવક ઊભી કરવાના અંદાજો ખોટા પડશે એવું અત્યારે લાગી રહ્યું છે.

કેન્દ્ર સરકાર આ વર્ષે કુલ ૩૦.૪૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ બજેટ થકી કરશે એવો અંદાજ નાણાપ્રધાને મૂક્યો છે. ગત બજેટ કરતાં આ અંદાજ ૯.૧ ટકા વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારની કરની આવક ઘટી એટલે નાણાખાધ કાબૂમાં રાખવા ખર્ચ પણ ઘટાડવો પડ્યો હતો. એટલે આજે બજેટમાં સુધારા અંદાજમાં, બજેટ અંદાજ કરતાં ૦.૮૮ લાખ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ૨૦૨૦-૨૧માં સરકાર સુધારેલા અંદાજ કરતાં ૧૨.૭૫ ટકા કે ૩,૪૩,૬૭૮ કરોડ રૂપિયા વધારે ખર્ચ કરવા માગે છે અને આ નવા ખર્ચનો અંદાજ કર સિવાયની આવકો ઉપર નભે છે.

આક્રમક ડિસઇન્વેસ્ટમેન્ટ કપરું છે

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કેન્દ્ર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ થકી ૨.૧૦ લાખ કરોડ રૂપિયા ઊભા કરવા માગે છે. આમાં ૯૦,૦૦૦ કરોડ રૂપિયા દેશની સૌથી મોટી કંપની લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન થકી અને બાકીના અન્ય સરકારી સાહસો થકી ઊભા થશે. ડિસઇન્વેસ્ટમેન્ટમાં આટલી મોટી રકમ ક્યારેય ઊભી નથી થઈ. ૧.૦૪ લાખ કરોડ રૂપિયા ૨૦૧૬-૧૭નો અત્યાર સુધીનો વિક્રમ છે. એટલે શૅરબજારમાં સેકન્ડરી સેલ તરીકે, કેટલીક કંપનીઓમાં સીધો મૅનેજમેન્ટ કન્ટ્રોલ વેચવા સહિતના સરકારના વિકલ્પ છે. ભારત પેટ્રોલિયમ, અૅર ઇન્ડિયા, કન્ટેનર કૉર્પોરેશન, શિપિંગ કૉર્પોરેશન માટે છેલ્લા ચાર મહિનાથી સરકાર પ્રત્યન કરી રહી છે પણ હજી સફળતા મળી નથી. વર્ષ ૨૦૧૯-૨૦માં બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ ૧,૦૫,૦૦૦ કરોડ રૂપિયા હતો જે આજે ઘટાડી ૬૫,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સરકાર ૨.૧૦ લાખ કરોડ રૂપિયા કેવી રીતે ઊભા કરશે એ જોવાનું રહ્યું.

ડિવિડન્ડ મળશે ખરું?

ડિસઇન્વેસ્ટમેન્ટ સિવાય સરકારી માલિકીની કંપનીઓ પાસેથી સરકાર જંગી રકમ ડિવિડન્ડ પેટે મેળવે છે. બજેટ ૨૦૧૯-૨૦માં ૫૭,૪૮૬ કરોડ રૂપિયાની ડિવિડન્ડ આવકનું લક્ષ્ય હતું જે આજે સુધારીને ૪૮,૨૫૬ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ૨૦૨૦-૨૧માં સરકાર ૬૫,૭૪૬ કરોડ રૂપિયાની આશા રાખી રહી છે. સરકારી કંપનીઓ નફો રળે એમાંથી ડિવિડન્ડ આપતી હોય છે જ્યારે સમગ્ર દેશમાં આર્થિક વિકાસ ધીમો પડી ગયો હોય ત્યારે ૩૬ ટકા વધારે ડિવિડન્ડ કેવી રીતે આવશે તે જોવાનું રહ્યું. અન્ય એક મહત્વની બાબત પણ ધ્યાનમાં લેવા જેવી ખરી કે સરકાર જો પોતાનો હિસ્સો ખાનગી રોકાણકારોને વેચે તો પછી ડિવિડન્ડની આવકમાં પણ ઘટાડો થશે.

રિઝર્વ બૅન્કની દૂઝતી ગાય

સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી પોતાનું બજેટ જાળવી રાખવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની દૂઝતી ગાય દોહી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ખાસ કમિટીના અહેવાલે સરકારને ૧.૭૨ લાખ કરોડ રૂપિયાની રકમ અનામતમાંથી ટ્રાન્સફર તરીકે મળી હતી. બજેટ ૨૦૨૦-૨૧માં કેન્દ્ર સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી ૮૯,૬૪૮ કરોડ રૂપિયાની રકમ આવે તેવી અપેક્ષા રાખે છે. રિઝર્વ બૅન્ક ભારતની સેન્ટ્રલ બૅન્ક છે અને સરકાર એની માલિક, પણ દેશની નાણાબજાર, હૂંડિયામણ બજારમાં કોઈ કટોકટી આવી તે બજારમાં હસ્તક્ષેપ કરવા માટે રિઝર્વ બૅન્ક પાસે નાણાં હોવા જરૂરી છે અને દર વખતે મોટી રકમ સરકારે મેળવવી જોઈએ નહીં.

નાણાખાધ વધશે તો?

કેન્દ્ર સરકારે બજેટમાં નાણાશિસ્તનો લક્ષ્યાંક અભૂતપૂર્વ સંજોગોના કારણે પાછો ઠેલ્યો છે. હવે આ વર્ષે નહીં પણ ૨૦૨૧-૨૨માં નાણાખાધ જીડીપીના ૩.૩ ટકા રહે એવી જાહેરાત કરી છે. નાણાખાધ વધે એ ચિંતાજનક છે, કારણકે સરકારે ખર્ચને પહોંચી વળવા બજારમાંથી લોન લેવી પડે છે. જેટલી ખાધ વધારે એટલી રકમ સરકારે વધારે બજારમાંથી ઉપાડવી પડે છે. સરકાર વધારે રકમ ઊભી કરે તો નાણાબજારમાં ધિરાણ આપવાના બદલે લોકો સરકારની ગેરન્ટીવાળી, સલામત જામીનગીરીમાં રોકાણનું આકર્ષણ વધે અને તેનાથી ઉદ્યોગો, વ્યાપાર અને પ્રજાને લોન ઓછી મળે છે. આ ઉપરાંત એકસાથે એટલી મોટી માત્રામાં રકમ ખેંચાઈ જતી હોવાથી તેની વ્યાજદર ઉપર અસર પડે છે. વ્યાજદરમાં વધારો એ મોંઘવારી લાવે છે અને ફરી તેનાથી આર્થિક વિકાસદર ધીમો પડે છે.

કેન્દ્ર સરકારે પોતાની કુલ આવકના અંદાજો વાજબી રાખવા જોઈએ. પારદર્શિતા વધારે મહત્ત્વની છે અને તેનાથી ઇકૉનૉમિક શોક નિવારી શકાય. સરકાર માટે બજેટ ૨૦૨૦-૨૧નો અમલ અને આવક જાળવી રાખવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટ એક મહત્ત્વનો પડકાર બની રહેશે એ નક્કી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK