Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Budget 2020:વિકરાળ આર્થિક પડકારો વચ્ચે રજૂ થનારા બજેટથી પ્રજાને ઘણી આશા

Budget 2020:વિકરાળ આર્થિક પડકારો વચ્ચે રજૂ થનારા બજેટથી પ્રજાને ઘણી આશા

29 January, 2020 01:54 PM IST | Mumbai
Sushma B Shah

Budget 2020:વિકરાળ આર્થિક પડકારો વચ્ચે રજૂ થનારા બજેટથી પ્રજાને ઘણી આશા

બજેટ 2020

બજેટ 2020


નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શનિવારે બજેટ રજૂ કરવાનાં છે. આ બજેટથી સામાન્ય પગારદારથી લઈને શૅરબજારના રોકાણકારો અને વેપારીઓથી લઈને ઉદ્યોગપતિઓને ઘણી અપેક્ષા છે. અપેક્ષાઓ જેટલી વધારે છે એના કરતાં બજેટ પૂર્વે દેશ સામે આર્થિક પડકારો અને આપત્તિઓ પણ વિકરાળ છે.

જોકે બજેટ એક બંધારણીય જવાબદારી છે. આ જવાબદારી થકી સત્તા પર ચાલતી સરકાર સ્થિતિનું આકલન કરી દેશની દિશા નક્કી કરે છે, ખર્ચ અને દેશની સંપત્તિનું વિભાજન પણ એની સાથે જ નક્કી થાય છે. નાણાપ્રધાનો બજેટ સાથે માત્ર આર્થિક જ નહીં, સત્તા પર રહેલા પક્ષનું રાજકીય ભાવિ પણ નક્કી કરે છે. નાણાકીય વર્ષ ૨૦૦૭-’૦૮માં આવી જ રીતે ખેડૂતોની જંગી લોન માફ કરી નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કૉન્ગ્રેસ પ્રેરિત યુપીએ સરકારના બીજા સત્તાકાળનો પાયો નાખ્યો હતો.

આજે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ કે નૅશનલ હાઇવેનું વિકરાળ માળખું જોઈએ છીએ એ પણ વાજપેયી સકરારના બજેટનો જ ભાગ હતો. આવી જ રીતે દરેક નાગરિકને અનાજ રાઇટ ટુ ફૂડ, આધાર આધારિત સબસિડી વિતરણ જેવી ચીજો, અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ, સૌર ઊર્જા મિશન, આઇટીઆઇ ઉદ્યોગો દત્તક લે એવી અનેક સ્કીમ બજેટ થકી આવી છે અને આવી જ સ્કીમ દેશનું ભાવિ નક્કી કરે છે કે તેની કમર તોડી નાખે છે.

નિર્મલા સીતારમણના પ્રથમ બજેટ

(જુલાઈ ૨૦૧૯)માં ઘણી વાતો હતી, દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલ્યન ડૉલરનું કેમ બનાવવું એ માટે નિવેદન હતાં, પણ નક્કર પગલાંનો અભાવ હતો. કદાચ એવું કહેવું ખોટું નથી કે એ બજેટમાં ખરાબ કંઈ નહોતું એ જ દેશ માટે સારું હતું.

બજેટ ૨૦૧૯-’૨૦ રજૂ થયા પછી દેશની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે. દેશનો આર્થિક વિકાસદર ૬ વર્ષમાં સૌથી નીચો રહ્યો છે. કેન્દ્ર સરકારની સીધા કરવેરાની (ઇન્કમ ટૅક્સની) આવકમાં છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની નાણાખાધ વધી શકે છે અથવા તો એ વધારીને પણ સરકારે રાહત આપવી પડશે એવી માગણી થઈ રહી છે. જોકે બજેટમાં દરેક પગલાં, સ્કીમ કે આયોજન ચોક્કસ પાર પડે એવું જરૂરી પણ નથી. બજેટ રજૂ કરતી વખતે સરકાર સામે પડકાર ઊભા થયા હોય એવી પણ આ પ્રથમ ઘટના નથી. ૨૦૦૮માં લીમેન કટોકટીને કારણે ગ્લોબલ ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ આવી પડી, ભારતમાં પણ એની અસર જોવા મળી એટલે સરકારે તાત્કાલિક પોતાની કરની આવકની આહુતિ આપીને એક્સાઇઝમાં ચાર ટકાનો ઘટાડો કર્યો હતો. ચીજો સસ્તી બનાવીને લોકોની માગ ઊંચી લાવવાની સરકારની નેમ હતી. આમ થવાથી દેશની નાણાખાધ વધી, ફુગાવો વધ્યો અને એની અસરો ૨૦૧૪ સુધી ભારતમાં જોવા મળી હતી.

આવી જ રીતે વર્તમાન સ્થિતિમાં પણ સરકાર પર દબાણ છે (એટલે કે કોઈ વૈશ્વિક તાકાતોનું નહીં, પણ નિષ્ણાતોનું) કે કરવેરો ઘટાડો, આવકવેરો ઘટાડીને લોકોના હાથમાં વધારે પૈસા આપો જેથી તેમની ખરીદશક્તિ વધે અને માગણી વધે, પણ નાણાખાધ વધે તો એને કાબૂમાં કેમ રાખવી, નાણાખાધ વધવાથી ઊભાં થતાં અન્ય આર્થિક જોખમો અને નાણાકીય ઊથલપાથલનો કોઈ જવાબ અત્યારે મળી રહ્યો નથી.

નાણાખાધ પર કેમ આટલું ધ્યાન કેન્દ્રિત છે?



ભારતીય અર્થતંત્ર હજી વિકાશશીલ જ છે. અરુણ જેટલીએ પાંચ વર્ષ સુધી ભારતને વિશ્વની આર્થિક ધુરાની દીવાદાંડી જણાવી હતી. ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી ગણાવી હતી. નિર્મલા સીતારમણ આર્થિક વિકાસ ધીમો પડ્યો છે, મંદી નથી એવું સંસદને જણાવી ચૂક્યાં છે, પણ વાસ્તવિક રીતે આપણો દેશ આર્થિક વિકાસની નાજુક સ્થિતિએ આવી ઊભો છે.


ભારત માટે નાણાખાધ એટલે કે સરકારની કુલ આવક કરતાં ખર્ચ વધારે એવી સ્થિતિ સામે દર પાંચ વર્ષે ઝઝૂમવું પડે છે. કેન્દ્ર સરકાર જેટલો ખર્ચ કરે છે (પગાર, વ્યાજચુકવણી, ચાલુ સ્કીમનો નિભાવ અને નવી સ્કીમ માટેની ફાળવણી) એના કરતાં ઓછી આવક મેળવે છે. એ તો છોડો, ખર્ચ કરતાં કરની આવક પણ ઓછી છે. આ ખાધને પહોંચી વળવા ટાંગામેળ કરવા માટે સરકારે બજારમાંથી નાણાં દેવા તરીકે ઉપાડવાં પડે છે. જેટલું દેવું વધારે ઉપાડે એટલાં ઉત્પાદનો મોંઘાં થયાં.

નાણાપ્રધન પ્રણવ મુખરજીએ ૨૦૦૮ની કટોકટી ખાળવા માટે કરવેરા ઘટાડીને ખાધ વધે એવો વિકલ્પ પસંદ કરેલો જેને કારણે ૨૦૧૦થી ૨૦૧૪ સુધી નાણાખાધ સતત વધતી રહી અને સાથે ફુગાવો પણ વધતો રહ્યો. આવી જ રીતે અરુણ જેટલીએ પણ એક વખત નાણાખાધ ઘટાડવાનો લક્ષ્યાંક બે વર્ષ પાછો ખેંચવો પડેલો. આવી જ સમસ્યા અત્યારે સીતારમણ માટે છે.


કરની આવક ઘટી છે અને ૨૦૧૯-’૨૦ની ખાધ જીડીપીના ૩.૩ ટકાના લક્ષ્ય સામે વધીને ૩.૫થી ૩.૮ ટકા રહે એવી શક્યતા છે. આ સ્થિતિમાં વધારે ખર્ચ કરીને ૨૦૨૦-’૨૧માં ખાધ વધે તો સ્થિતિ ઓર વકરી જશે. દેશમાં ફુગાવો વધી રહ્યો છે. સતત પાંચ વખત વ્યાજદર રિઝર્વ બૅન્કે ગયા વર્ષે ઘટાડ્યો છે અને પછી એક પોઝ લીધો છે. ખાધ વધી કે વળશે એવો સંકેત મળે એટલે ફેબ્રુઆરીની બેઠકમાં પણ વ્યાજનો દર ઘટશે નહીં. ગવર્નર શક્તિકાન્ત દાસે અત્યારે જ કહી દીધું છે કે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં નાણાશિસ્ત અનિવાર્ય છે.

આવી જ એક બીજી ખાધ છે જે ભારત માટે ઘાતક બની શકે છે, ચાલુ ખાતાની ખાધ કે દેશની નિકાસ કરતાં આયાત વધારે હોવી. ભારતમાં આયાત વધારે થાય છે એટલે કે સ્થાનિક વપરાશ માટેની બધી ચીજો અહીં ઉત્પાદિત નથી એટલે બહારથી મગાવવી પડે છે. ઉત્પાદનમાંથી જે વધે છે એ ઓછું છે કે વિદેશમાં અન્ય દેશોની સ્પર્ધામાં ટકી શકે એવું ગુણવત્તાવાળું કે સસ્તું નથી. આથી આયાત કરવા માટે ભારતે રૂપિયા ખર્ચીને ડૉલર એકત્ર કરવા પડે છે અને જ્યારે-જ્યારે ખાધ વધે ત્યારે રૂપિયો નબળો પડે છે.

જે દેશની નાણાખાધ અને ચાલુ ખાતાની ખાધ વધારે હોય ત્યાંનું ચલણ વિદેશી બજારમાં જોખમી ગણાય છે અને એટલે ડૉલર માટે વિનિયમમાં સ્થાનિક રકમ વધારે ચૂકવવી પડે છે. નસીબજોગ ભારતની સૌથી મોટી આયાત ક્રૂડ ઑઇલના ભાવ નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી એ પછી સતત ઘટેલા રહ્યા છે અને અત્યારે પણ ઘટેલા છે. જો ક્રૂડ ઑઇલ મોંઘું હોત તો રૂપિયો વધારે નબળો હોત અને મોંઘવારી પણ વધારે હોત!

...તો નિર્મલા સીતારમણ શું કરી શકે છે?

અત્યારે ભારતે સૌથી પહેલાં સ્થાનિક મૂડીરોકાણ વધે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ જેથી આયાત પરનો આધાર ઘટી શકે. કેન્દ્ર સરકારે છેલ્લા એક દાયકામાં આ માટે અથાક પ્રયત્ન કર્યા છે. કૉન્ગ્રેસ સરકારે સ્થાનિક મૅન્યુફૅક્ચરિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સની સ્કીમ આપેલી, નરેન્દ્ર મોદી સરકારે મેક ઇન ઇન્ડિયા અભિયાન ચલાવ્યું છે. કૉન્ગ્રેસ હોય કે બીજેપી બન્ને સરકારોએ વિદેશી મૂડીરોકાણને વધુ ને વધુ હળવું કરી નાખ્યું છે. સૌથી મોટું પગલું સપ્ટેમ્બર ૨૦૧૯માં બજેટની બહાર આવ્યું જેમાં દેશમાં કૉર્પોરેટ ટૅક્સ ઘટાડી દેવામાં આવ્યો. જોકે આ લાંબા ગાળાનાં પગલાં છે અને એની તાકીદે અસર જણાતી નથી.

સામાન્ય સંજોગોમાં માગ જ્યારે ઘટે ત્યારે કિંમત ઘટાડીને કે પછી રૂપિયાની ઉપલબ્ધિ વધારીને પગલાં લેવામાં આવે છે. આર્થિક વિકાસ સતત ઘટી રહ્યો છે એટલે રિઝર્વ બૅન્કે સતત વ્યાજદર ઘટાડ્યે રાખ્યો હતો. જોકે આ અસર કારગત નીવડી નથી. માગ એટલા માટે ઘટી છે કે લોકોના હાથ પર ફાજલ પૈસા નથી અને એટલે જ ઇન્કમ-ટૅક્સમાં ઘટાડો કરીને લોકોના પર્સમાં વધારે પૈસા આપવા માટે માગ ઊભી થઈ રહી છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પરનો ટૅક્સ ઝીરો થાય એવી જાહેરાત વચગાળાના નાણાપ્રધાન પીયૂષ ગોયલે કરી હતી એટલે આ વખતે ઇન્કમ-ટૅક્સમાં રાહત મળશે કે નહીં એ એક સવાલ છે. જો આવી મોટી કરની રાહત આપવામાં આવે તો કેન્દ્ર સરકારની આવક પર મોટો ફટકો પડે અને નાણાખાધ વધે. સવાલ એ છે કે તો આ ખાધ ભરપાઈ કેવી રીતે કરવી?

નરેન્દ્ર મોદીની સરકાર છેલ્લાં પાંચ વર્ષથી બજેટની બહાર નાણાં એકત્ર કરી રહી છે. રેલવેના માળખા માટે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન, રિઝર્વ બૅન્ક પાસેથી વધારે ડિવિડન્ડ મેળવવું, સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને નાણાં એકત્ર કરવાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બૉન્ડ બહાર પાડવાં વગેરે. એવું લાગી રહ્યું છે કે બહારથી નાણાં એકત્ર કરવાની ફૉર્મ્યુલા પર બજેટ ૨૦૨૦માં પણ ભાર મૂકવામાં આવશે. કેન્દ્ર સરકાર આક્રમક રીતે પોતાની નાણાશિસ્ત સારી એવું પુરવાર કરવા માટે સરકારી કંપનીઓ વેચવા કાઢશે. બહારથી એટલે કે વિદેશી નાણાં બૉન્ડ થકી ભારત સરકારને, ભારતના પ્રોજેક્ટને કે સરકારની કંપનીઓને ઉપલબ્ધ બને એના પર પણ ભાર મૂકવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 01:54 PM IST | Mumbai | Sushma B Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK