Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આ લેવલે પ્રોફિટ બુકિંગ નહીં કરો તો ક્યારે કરશો?

આ લેવલે પ્રોફિટ બુકિંગ નહીં કરો તો ક્યારે કરશો?

11 January, 2021 11:43 AM IST | Mumbai
Jayesh Chitalia

આ લેવલે પ્રોફિટ બુકિંગ નહીં કરો તો ક્યારે કરશો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારની ડાગળી ચસકી ગઈ છે કે પછી બજારની કૂકરી ગાંડી થઈ છે, માનો કે ન માનો શૅરબજારના ઉછાળા ડાઇજેસ્ટ થાય એવા નથી. માત્ર વિદેશી રોકાણકારોના નાણાપ્રવાહના જોર પર ચાલી રહેલું કે ઊછળી રહેલું આપણું બજાર સતત ડેન્જરસ ઝોનમાં પ્રવેશી રહ્યું હોવાનું ફીલ થાય છે. આ લેવલે પાર્ટલી પ્રોફિટ પણ બુક નહીં કરો તો ક્યારે કરશો?

સપ્તાહની શુભ શરૂઆત



વિતેલું સપ્તાહ નવા વરસનું પ્રથમ સપ્તાહ હતું, જેના પ્રથમ દિવસે શૅરબજારે ઉત્સાહપૂર્વક વધારો નોંધાવ્યો હતો. વૅકિસનનો ધારણા કરતાં વહેલો અમલ શરૂ થઈ જતાં તેજીને વધુ બળ મળતું ગયું હતું. વધુમાં ઉત્પાદન ક્ષેત્રનો આંક પણ વધ્યો હતો. સેન્સેક્સ ૩૦૭ પૉઇન્ટ પ્લસ થઈ ૪૮૧૭૬ અને નિફ્ટી ૧૧૪ પૉઇન્ટ પ્લસ થઈ ૧૪૧૩૩ બંધ રહ્યા હતા, જોકે વાસ્તવમાં સેન્સેક્સ વધુ ઊંચે જઈને પાછો ફર્યો હતો, જેનું કારણ પ્રોફિટ બુકિંગ હતું. આમ બેન્ચમાર્ક ઇન્ડેકસની નવી ઊંચાઈ હાંસલ કરવા સાથે ૨૦૨૧એ શુભારંભ કર્યો હતો. બ્રેક્ઝિટ અને વૅક્સિનના પૉઝિટિવ પરિબળને લીધે યુરોપિયન માર્કેટમાં પણ તેજીનો કરન્ટ હતો.  


મંગળવારે બજારે સતત વધઘટ બાદ નવું હાઈ લેવલ બનાવ્યું  હતું. સેન્સેક્સ ૨૬૧ પૉઇન્ટ વધીને ૪૮૪૩૭ અને નિફ્ટી ૬૬ પૉઇન્ટ વધીને ૧૪૧૯૯ બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસ પણ નોંધપાત્ર વધ્યા હતા. બજારમાં કરેક્શન આવે છે કે ખરીદી આવી જાય છે. સોમવારે અને મંગળવારે આવું જ જોવામાં આવ્યું, કારણ કે બહુમતી રોકાણકારો માને છે કે માર્કેટ અલ્ટિમેટલી ઊંચે જવાનું પાક્કું જ છે. આશાવાદ સતત ઊંચે જઈ રહ્યો છે. આ ઉત્સાહ સારો હોવા છતાં સાવચેતી રાખવા જેવો છે એ સત્ય જેટલું જલદી સમજાઈ જાય એટલું સારું.

નેગેટિવ પરિબળોના કારણે કરેક્શન


બુધવારે પણ માર્કેટે વોલેટિલિટીથી જ શરૂઆત કરી, મંગળવારે ગ્લોબલ માર્કેટ ડાઉન હોવા છતાં ભારતીય માર્કેટ સારા કંપની પરિણામની આશાએ વધ્યું હતું. આ બાબત દર્શાવે છે કે ભારતીય ફંડામેન્ટલ્સ સુધરી રહ્યા છે અને તેની અસર પણ કામ કરી રહી છે. આ સાથે બુધવારે આવેલું કરેક્શન પણ આવકાર્ય ગણાય, કારણ કે માર્કેટની સતત ઊંચે જતી ગતિ ભારે પડી શકે. તેને તંદુરસ્ત કરેક્શન મળવું જરૂરી હોય છે. આમ તો બુધવારે માર્કેટે નવી ઊંચી સપાટી બનાવી લીધા બાદ ઘટાડો ધારણ કર્યો હતો, જેમાં ગ્લોબલ માર્કેટ અને એશિયન માર્કેટનો ડાઉન ટ્રેન્ડ પણ ભાગ ભજવી ગયો હતો અને અહીં પ્રોફિટ બુકિંગની અસર હતી. આ ઉપરાંત અમેરિકામાં વધતા કોરોના કેસ, ચીનમાં પુનઃ કોરોના સંક્રમણની હવા, ભારતના અમુક ભાગોમાં બર્ડ ફ્લૂના કેસની વાતો, યુએસમાં ઊંચા કરવેરા લદાવાના સંકેત, જપાનમાં કોરોનાને લીધે ઇમર્જન્સી, વગેરે જેવાં કારણોની નેગેટિવ અસર બજાર પર હાવી થઈ હતી. આ કારણો આગળ વધુ કરેક્શન લાવી શકે છે, અલબત્ત, માર્કેટને કરેક્શનની જરૂર પણ છે. આમ આશરે દસ દિવસ બાદ બુધવારે સેન્સેક્સ ૨૬૩ પૉઇન્ટ અને નિફ્ટી ૫૫ પૉઇન્ટ ડાઉન બંધ રહ્યા હતા.

જંગી ઉછાળા સાથે સપ્તાહનો શુભ અંત

ગુરુવારે બજારે વોલેટિલિટીના દર્શન કરાવ્યા હતા. આખરે કરેક્શન નાના પાયે થતાં સેન્સેક્સ ૮૦ પૉઇન્ટ અને નિફ્ટી ૮ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. નોંધનીય એ છે કે પ્રોફિટ બુકિંગને લીધે લાર્જ કૅપ સ્ટૉક્સ વધતા અટકી ગયા હતા અને સ્મૉલ તેમ જ મિડ કૅપ સ્ટૉકસ વધ્યા હતા. મહારાષ્ટ્ર સરકારની રિયલ એસ્ટેટ સૅકટર માટેની રાહતલક્ષી જાહેરાતે આ સૅકટરના સ્ટૉક્સ વધ્યા હતા. શુક્રવારે યુએસના ઉછાળાએ ભારતીય બજારને પણ મોટો ઉછાળો આપ્યો હતો. આગલા દિવસે-એટલે કે ગુરુવારે યુએસમાં રાજકીય કારણસર આકાર પામેલો બ્લૅક ડે (કાળો દિવસ) પછીના દિવસે-શુક્રવારે ભારતીય માર્કેટ માટે ગુલાબી દિવસ સાબિત થયો હતો. ટ્રમ્પ સાહેબે પોતાની હાર સ્વીકારી લઈ રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો, હવે નવી સરકાર યુએસમાં ઇકૉનૉમીને વેગ આપવા ધિરાણ અને ખર્ચ વધારશે, તેમ જ રાહત-પ્રોત્સાહન આપશે એવી આશા નક્કર બની હતી, આ કારણે વૉલસ્ટ્રીટના સ્ટૉક્સે પણ કૂદકા માર્યા હતા. દરમ્યાન ભારતમાં જીડીપી દર ધારણા કરતાં ઓછો નેગેટિવ રહેવાના અંદાજ જાહેર થતાં માર્કેટને બુસ્ટ મળ્યું હતું. વધુમાં મોર્ગન સ્ટેનલી ઇન્ડેક્સમાંથી ચાઈનીઝ ટેલિકૉમ કંપનીઓ દૂર થતાં ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહમાં વધારો થવાની શક્યતા વધી છે.

ડરવાનો-સાવચેત રહેવાનો સમય

આમ શુક્રવાર ભારતીય બજાર માટે શુકનિયાળ રહેતા સેન્સેક્સ ૭૦૦ પૉઇન્ટથી વધુ ઊછળીને અંતમાં ૬૮૯ પૉઇન્ટ વધીને ૪૮૭૮૨ બંધ રહ્યો અને નિફ્ટી ૨૧૦ પૉઇન્ટ વધીને ૧૪૩૪૭ બંધ રહ્યો હતો. આ લેવલ વધુ એક નવું ટૉપ લેવલ બન્યું હતું. માત્ર અથવા મહત્તમ વિદેશી નાણાપ્રવાહના જોર પર ઊછળી રહેલા ભારતીય બજારમાં હવે ભય પણ વધી રહ્યો હોવાનું સમજાય છે અને ખરેખર તો આ સમય ડરવાનો અને સાવચેત રહેવાનો પણ બની જ ગયો છે. બજાર ગાંડાની જેમ વધી રહ્યું છે કે વધી ગયું છે, રોકાણકારો ડાહ્યા નહીં રહે તો ઊંચા ભાવે અટવાઈ શકે અથવા પ્રોફિટ બુક કરવાની તક ચૂકી જાય એવું બની શકે. આ વિદેશી રોકાણકારો જ્યારે પ્રોફિટ બુક કરવા દોટ મૂકશે ત્યારે ભારતીય રોકાણકારો ઊંઘતા ન ઝડપાઈ જાય એ જોવાની જવાબદારી ભારતીય રોકાણકારોની પોતાની જ રહેશે. હવે કરેક્શન માટે ગમે ત્યારે તૈયાર રહેવું જોઈશે.

કયા સૅકટરમાં સ્કોપ

૨૦૨૧માં કયું સૅકટર સારું લાગે છે?, કયા સૅકટરની કામગીરી સારી રહેશે? શું ૨૦૨૦ જેવી જ તેજી ૨૦૨૧માં રહેશે? અર્થાત જેટલું માર્કેટ ૨૦૨૦માં વધ્યું તેટલું જ ૨૦૨૧માં પણ વધશે? શું  સેન્સેક્સના આટલા ઊંચા લેવલે પણ રોકાણ કરવાનો સમય ગણાય? કે હજી રાહ જોવી જોઈએ? આવા સવાલ ૨૦૨૧ની શરૂઆતથી રોકાણકાર વર્ગમાં થવા લાગ્યા છે. આજે આવા  કેટલાક સવાલોના જવાબ શું હોઈ શકે તેની પણ ચર્ચા કરીએ.

પહેલી વાત સૅકટરની કરીએ. એક સત્ય સમજી લો કે કોઈ પણ સૅકટર સારું રહેશે એનો અર્થ એ ન કરાય કે તે સૅકટરની બધી જ કંપનીઓના શૅર સારા છે અને તેજીમાં રહેશે. એ પણ કેટલો વખત? સૅકટર પસંદ કરો તો પણ તેમાં સ્ટૉક્સની પસંદગી વધુ મહત્ત્વની છે. કારણ કે એ સ્ટૉક્સ એટલે કે એ કંપની કેટલી પ્રગતિશીલ છે, તેના ફંડામેન્ટલ્સ કેટલાં મજબૂત છે. તેના પ્લાન કેવા છે? વગેરે બાબત જાણવી-સમજવી જરૂરી છે. હાલ કોરોનાના સમયથી ફાર્મા સૅકટર તેજીમાં રહેવાની વાત જોરમાં છે, કિંતુ તેનો અર્થ એ નથી કે દરેક ફાર્મા કંપનીના શૅરમાં ભાવ વધશે, તેજી રહેશે. અને તેજી રહેશે તો પણ કેટલો સમય સુધી રહેશે, કયાં સુધી ભાવ ઊંચા જતા રહેશે. ક્યાંક તો તમારે પ્રોફિટ બુક કરવો પડશે. આવા સમયમાં ફાર્માના નામે (રામ નામે પથ્થર તરે તેમ) ઘણા શૅર તરવા નીકળી પડશે, ઘણાને ઓપરેટરો તરાવવા લાગશે. જેમાં પથ્થર જેવા શૅર ઘણાને ડુબાડશે, એટલે કે ઊંચા ભાવે ભરાવી દેશે. આમ સૅકટર કરતાં તે સૅકટરની કંપનીઓ કઈ મજબૂત છે એના પર વધુ ધ્યાન આપવું જોઈશે.

અગાઉ કેતન પારેખના સમયમાં આઇટી કંપનીઓ, ન્યુ ઇકૉનૉમી કંપનીઓની બોલબાલા થવા લાગી હતી, જેને જોઈ અનેક કંપનીઓએ પોતાના નામમાં ટેક્નૉલૉજી  કે આઇટી શબ્દ આવે એવી ચાલબાજી કરી ઘણાને ફસાવી દીધા હતા, જે પછી ઘણા સમય બાદ સેબીએ કંપનીઓના નામ બદલાવવાના નિયમમાં ફેરફાર કર્યો હતો.

બાય ધ વે, ૨૦૨૧માં ફાર્મા, ઑટો, એફએમસીજી, ઇન્ફ્રાસ્ટ્રકચર, આઇટી-ટેક, બૅન્કિગ-ફાઇનૅન્શિયલ, રિયલ એસ્ટેટ સૅકટર માટે વધુ તક રહેશે. આમાંથી સ્ટૉક્સ સિલેક્ટ કરવા જોઈશે. જોકે એક જ સૅકટરની બેથી વધુ કંપનીમાં રોકાણ કરવું નહીં. વિવિધ સૅકટરમાં વૈવિધ્યીકરણ રાખવું.

આટલું યાદ રાખજો

વૅક્સિન, યુએસ પરિબળો, ભારતીય કૉર્પોરેટ સૅકટરનાં સારાં પરિણામની આશા વગેરે પરિબળો બજારના ઉછાળા માટે કારણ બન્યાં છે, તો બીજી બાજુ કોરોનાનું સંક્રમણ, યુરોપ-અમેરિકામાં વધતા કેસ, લૉકડાઉનના સંજોગો, ઓવર વેલ્યુએશન વગેરે જેવાં પરિબળો કડાકાના કારણ બની શકે છે. એફઆઇઆઇ યુ-ટર્ન લેશે તો આવી જ ગતિથી બજાર ઘટશે, સમજને વાલે કો ઇશારા કાફી.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 11:43 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK