બિટકૉઇન ૫૭,૦૦૦ને પાર: મેટલ્સમાં લાલચોળ તેજી

Published: 22nd February, 2021 12:59 IST | Biren Vakil | Mumbai

પાઉન્ડમાં તેજીની આગેકૂચ: મક્કમ રૂપિયો: ભારતીય અર્થતંત્રમાં K શેપ રિકવરીનો આરંભ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇનમાં ધુઆંધાર તેજી ચાલુ રહેતાં બિટકૉઇન ૫૭,૦૦૦ની સપાટીને વટાવી ગયો છે અને એનું માર્કેટ કૅપ ૧૦૦૦ અબજ ડૉલરને પાર પહોંચ્યું છે. આખી દુનિયાનું બધું સોનું ભેગું કરીએ તો પણ બિટકૉઇન કૅપના માંડ ૯ ટકા થાય. એક વર્ષમાં ૪૦૦૦ ડૉલરથી ૫૭,૦૦૦ ડૉલરની સફરમાં બિટકૉઇન સાથે બીજી અમુક કરન્સી પણ વધી છે, પણ માર્કેટ કૅપમાં સિંહફાળો માત્ર બિટકૉઇનનો છે. ઍલન મસ્કે એક મહિના પહેલાં ૧૫૦૦ અબજ ડૉલરના બિટકૉઇન લીધા હતા એમાંથી ૧૦૦૦ અબજ ડૉલરની કમાણી તો એક મહિનામાં થઈ, આટલી કમાણી તેના મૂળ ધંધામાંથી થઈ શકે એની કલ્પના પણ થાય એમ નથી.

બજારોની વાત કરીએ તો શૅરબજારમાં ઊંચા મથાળે વેચવાલી આવી છે. બૅન્ક શૅરો ઘટ્યા છે, પણ રૂપિયો મક્કમ હતો. રૂપિયો ઑફશૉર માર્કેટમાં છેલ્લે ૭૨.૫૪ બંધ રહ્યો, જે ગયા સપ્તાહ કરતાં ૪ પૈસા મજબૂત બંધ રહ્યો છે. મુખ્ય કરન્સીમાં પાઉન્ડ સ્ટાર પર્ફોર્મર હતો. યુકે અર્થતંત્રનો દેખાવ ઘણો કંગાળ હોવા છતાં પાઉન્ડ ૧.૪૦૦૦ની સપાટી વટાવી ૨૦ મહિનાની ઊંચી સપાટીએ છે. રૂપિયા સામે પાઉન્ડ એક વર્ષમાં ૧૫ ટકા વધીને ૮૫થી વધી ૧૦૧.૫૦ થયો છે. યુરો એકંદરે કમજોર રહ્યો છે. ડૉલર સામે ૧.૨૦૦૦ અને રૂપિયા સામે ૮૭.૫૦ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલ અને કૉમોડિટીઝમાં બેતહાશા તેજી થતાં અને ઊંચા કરબોજથી પેટ્રોલના ભાવ ભડકે બળે છે. રાજસ્થાનમાં અમુક શહેરમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા થઈ ગયું છે. વિદેશ બજારમાં નાયમેક્સ ક્રૂડ ૧૦ ડૉલરથી વધીને ૬૦ ડૉલર થઈ ગયું છે. બાઇડન સરકારે કિસ્ટોન પાઇપલાઇનનો મોટો ઑઇલ પ્રોજેક્ટ રદ કર્યો છે. હવે ડાકોટા એક્સેસ નામનો વધુ એક પ્રોજેક્ટ રદ કરવાની વાત છે. જો ડાકોટા પ્રોજક્ટ રદ થાય તો ક્રૂડ બહુ જલદી ૮૦-૯૦ ડૉલર થયું સમજો. મિડલ ઈસ્ટમાં ફરી તનાવ શરૂ થયો છે. ક્રૂડ ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ડૉલર પણ થઈ શકે છે. ઘરેલું પેટ્રોલ-ડીઝલના ભાવમાં મધ્યમ વર્ગને કેમ રાહત આપવી અને ફુગાવા પર કેમ કાબૂ રાખવો એ સરકાર માટે મોટો પડકાર છે. ડિજિટલ ઇકૉનૉમી અને પ્લૅટફૉર્મ ઇકૉનૉમીના આંધળા અનુકરણમાં જમીની સ્તરે ફુગાવો, આવકની અસમાનતા, બેરોજગારી, બૅન્કોની બગડતી એનપીએ જેવા કેટલાયે પ્રશ્નો આગળ જતાં શિરદર્દ બને એમ છે. ૧૫,૦૦૦ની નિફ્ટીમાં અત્યારે તો ઘણું ખરું દુઃખદર્દ ઢંકાઈ ગયું છે, પણ જમીની સ્તરે વેપાર-ધંધા નથી. કોરોનાએ જૂની બચતોમાં પણ ઘટાડો કર્યો છે. ભારત K શેપ રિકવરી જોઈ રહ્યું છે. અર્થતંત્રનો એક હિસ્સો તેજીથી ઉપર જાય છે, પણ બીજો હિસ્સો પાતાળગામી બની રહ્યો છે.

વૈશ્વિક સ્તરે બિટકૉઇન, પેની સ્ટૉક્સ અને બ્લૅન્ક ચેક કંપનીઓનું ઘોડાપુર બજારમાં મોટાપાયે મેનિયાનું તત્ત્વ મોજૂદ હોવાનો પુરાવો છે. કૉમોડિટીઝમાં પણ હવે આગઝરતી તેજી થઈ છે. કૉપર, ક્રૂડ, ટીન, નિકલના ભાવ એક વર્ષમાં બમણા થયા, ક્રૂડના ભાવ એક વર્ષમાં પાંચ ગણા વધ્યા છે. ચીનમાં લૂનર હૉલિડેઝ પૂરા થતાં ચીની વપરાશકારો બમણા જોશથી મેટલ, અનાજ બજારમાં ખરીદી કરવા આવ્યા છે. કૉમોડિટીની સુપર સાઇકલ ૨૦૨૦માં શરૂ થઈ છે, એ જોતાં કૉમોડિટીની તેજી હજી ૨-૩ વર્ષ ચાલી શકે. બેસુમાર તરતલતા, અર્થતંત્રમાં ‘વી’ શેપ રિકવરીના સંકેતો વચ્ચે ફુગાવો વધવાની દહેશત પણ વધી હોવાથી ૩૦ વર્ષના બૉન્ડ યીલ્ડ ઝડપી વધ્યા હોવાથી શૅરબજાર માટે થોડી સાવચેતી માગી લે. ડિવિડન્ડ યીલ્ડ કરતાં બૉન્ડ યીલ્ડ ઊંચા જાય તો ઇક્વિટીનું વળતર ઘટે. ફેડની મિનિટસમાં ફેડનો ઝોક હજી મૉનિટરી સપોર્ટનો છે. ઇકૉનૉમીમાં તેજ રિકવરી હોવા છતાં નાણાસચિવ યેલેન મોટા સ્ટિમ્યુલસ માટે આગ્રહ રાખે છે. કૉમોડિટીઝની તેજી, સપ્લાય ડિસરપ્શન, અમેરિકામાં ટેક્સસમાં હિમવર્ષા પછી પાવર ડિસરપ્શન, અનાજના ભાવમાં ઉછાળો જોતાં આગળ જતાં લિક્વિડિટી મૅનેજમેન્ટ-ક્યુઈ અનવિન્ડિંગ-ટેપર ટેન્ટર્મ ૨.૦ ધાર્યા કરતાં વહેલું આવી જાય તો તેજીના રંગમાં ભંગ પડી શકે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK