બિટકૉઇન અને શૅરબજારમાં સુપર મેનિયા: કૉમોડિટીમાં તેજીની સુપર સાઇકલ

Published: 15th February, 2021 12:53 IST | Biren Vakil | Mumbai

યુકે જીડીપીમાં ૩૦૦ વર્ષનો સૌથી કંગાળ દેખાવ: રૂપિયો અને ઇમર્જિંગ બજારોમાં અવિરત તેજી

ભારત અને અન્ય ઇમર્જિંગ શૅરબજારોમાં વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ અવિરત વધતાં શૅરબજાર અને રૂપિયો મજબૂત થયાં છે. સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ વિહરે છે. રૂપિયો ઑફશૉર માર્કેટમાં છેલ્લે ૭૨.૫૮ બંધ રહ્યો, જે ગયા સપ્તાહ કરતાં ૨૨ પૈસા મજબૂત બંધ રહ્યો છે. ઇમર્જિંગ માર્કેટ ગુરુ માર્ક મોબિયસ કહે છે કે પાછલા દાયકામાં ઇમર્જિંગ બજારો વિકસિત બજારોથી પાછળ રહી ગયાં હતાં, પણ આ દાયકામાં તેમનો વિકાસ વેગ પકડશે. ભારત એક મોટી ગ્રોથસ્ટોરી છે. બજેટ પછી બજારમાં વિદેશી મૂડીરોકાણ અને રીટેલ રોકાણકારો પણ તેજીમાં આવી ગયા છે. રૂપિયો હાલપૂરતો જમીની ફન્ડામેન્ટલ્સને અવગણી મજબૂત થઈ રહ્યો છે.

વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને જપાનનાં શૅરબજારોમાં લાલચોળ તેજી છે. ટેસ્લાના માલિક ઇલોન મસ્કે ટેસ્લા ખરીદનાર બિટકૉઇનમાં પેમેન્ટ આપી શકશે એવી જાહેરાત કરતાં બિટકૉઇન ૩૩,૦૦૦ ડૉલરથી વધીને ૪૯,૦૦૦ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ૨૦ વર્ષ પહેલાં બિટકૉઇન ૧૦ ડૉલર હતો, જે આજે ૪૯,૦૦૦ ડૉલર થયો છે. બજારોમાં બેસુમાર લિક્વિડિટી અને જોખમ લેવાની ક્ષમતા અસાધારણ વધતાં પેપર ઍસેટ્સમાં અત્ર, તત્ર, સર્વત્ર તેજી છે. રિયલ ઇકૉનૉમી યાને મેઇન સ્ટ્રીટ અને પેપર ઇકૉનૉમી યાને દલાલ સ્ટ્રીટ કે વૉલ સ્ટ્રીટ વચ્ચે સંબંધ તૂટી ગયો છે. અમેરિકામાં હજી પણ ૯ કરોડ લોકો બેરોજગાર છે. બેકારી નોંધપાત્ર ઊંચી છે. બ્રિટિશ અર્થતંત્રમાં જીડીપી કૉન્ટ્રૅક્શન ૩૦૦ વર્ષનું નીચું છે. ભારતમાં પણ જીડીપી વિકાસદર ૫૦ વર્ષનો નીચો છે. ૨૦૨૦ના આખા વર્ષની વાત કરીએ તો ચીન સિવાય કોઈ મોટાં અર્થતંત્રમાં પૉઝિટિવ જીડીપી

દર નથી. બજારોમાં જોકે જમીની

મંદીની દહેશત નથી. કોરોના જતો રહે પછી આર્થિક રિકવરીના આશાવાદે તેજી છે.

અમેરિકામાં હાલ મેનિયામૂડ છે. રેડિટ, રૉબિનહુડનું ટોળાશાહી ટ્રેડિંગ શૉર્ટ સેલરને પકડે છે, ટાર્ગેટેડ ઑપરેશન કરી શૉર્ટ સેલવાળા શૅરો ઉછાળે છે. ગેમસ્ટૉપ, એએમસી જેવા પેની સ્ટૉક્સમાં સફળતા મળતાં રેડિટની એક હાઇપ્રોફાઇલ કમ્યુનિટીએ ચાંદીમાં પણ માસ બાઇંગનો પ્રયોગ કરી જોયો, પણ ચાંદીમાં ફાવ્યા નહીં. મેનિયા કન્ડિશન વિશે જેનેટ યેલેને બે વાર ચેતવણી આપી છે, પણ અત્યારે રેડિટક્રાઉડ કે નવા ટેક્નૉ કુબેર યેલેનને નાથે એમ નથી. કૉમોડિટીઝમાં પણ આગઝરતી તેજી થઈ છે. જે. પી. મૉર્ગને કહ્યું છે કે કૉમોડિટીઝમાં તેજીની સુપર સાઇકલ શરૂ થઈ છે. અમેરિકાના શૅરબજારનું કુલ માર્કેટ કૅપ જીડીપીથી બમણું થઈ ગયું છે. જ્યારે માર્કેટ કૅપ જીડીપીથી વધી જાય ત્યારે બજાર ઓવરવૅલ્યુડ કહેવાય. હાલના મેનિયામાં વૅલ્યુએશન ડોટકૉમ મેનિયા કરતાં ઘણા ઊંચા છે. સામાન્ય રીતે મેનિયા સમયે આઇપીઓમાં ક્રેઝ આવે અને રીટેલ રોકાણકારો ઝંપલાવે. હવે રેડિટ - રૉબિનહુડના જમાનામાં બ્લૅન્ક ચેક કંપનીઓ સ્પેશ્યલ એક્વિઝિશન કંપનીઓનો ક્રેઝ ચાલ્યો છે. આવી કંપનીઓ પહેલાં સંસ્થાકીય નાણાં ઊઘરાવે, પછી ધંધો કરવાનો પ્લાન બનાવે ! નાણાં મળે પછી કોઈક ખાનગી કંપની હસ્તગત કરે, બાદમાં આઇપીઓ લાવે, એ અર્થમાં આ પ્રોસેસ રિવર્સ આઇપીઓ ગણાય. બિટકૉઇનથી માંડી ગેમસ્ટૉક એમએસી જેવી પેની સ્ટોક્સ કંપનીઓની બેતહાશા સટ્ટેબાજી સામે અમેરિકાનાં નાણાંસ‌િચવ જેનેટ યેલેન વારંવાર ચેતવણી ઉચ્ચારી રહ્યાં છે. રેડિટ ટોળું અને મોટા ધનકુબેરો મોટું ઑર્ગેનાઇઝ મૅનિપ્યુલેશન ચાલુ હોવાની આશંકા યેલેનને છે. વિશ્વના જાયન્ટ હેજ ફન્ડ સિટાડેલના માલિક કેન ગ્રીફિન સહિત ઘણાં હેજ ફન્ડોએ કૉન્ગ્રેસને જવાબ આપવાનો છે. રેડિટના પ્લૅટફૉર્મ પર ચાલેલા ગેમસ્ટૉપ, બિટકૉઇન જેવી માર્કેટ ફ્રેન્ઝીમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક, સોશ્યલ કૅપિટલના માલિક ચમથ પલીહાપેતિયા, સિટાડેલના માલિક કેન ગ્રીફિન હીરો રહ્યા છે. રેગ્યુલેટર્સ અને પરંપરાગત જાયન્ટ બૅન્કો માટે પડકાર બની ગયા છે. હાલનો મેનિયા ૧૬મી સદીના ટ્યુલિપ મેનિયાથી ચારચાસણી ચડે એવો છે.

 ચીનમાં હાલ લૂનર હૉલિડેઝ છે. અમેરિકામાં ટ્રમ્પ બીજી વાર ઇમ્પિચ થયા પછી નિર્દોષ છુટ્યા છે. ચીની બજારો ૨૧ ફેબ્રુઆરીથી ફરી ખૂલશે ત્યાં સુધી બજારમાં વધઘટ રફ રહેશે. હાલના સંજોગોમાં કોઈ રેન્જ આપી શકાય એમ નથી.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK