૨૦૨૦ના વર્ષમાં એસેટ બજારોએ પાતાળભેદી કડાકા અને ગગનચૂંબી ઉછાળા એમ બેઉ જાતના અંતિમ જોયા. કોરોના કટોકટીને રોકવા ફેડે આક્રમક રેટ કટ અને તોતિંગ માત્રામાં લિક્વિડિટી સપ્લાય કરવાથી માર્ચ માસમાં રોકબોટમ પર જતા રહેલાં શૅરબજારોમાંથી ઘણીખરી બજારો વર્ષના અંતે સર્વોચ્ચ સપાટીએ રહી. ડાઉ, નાસદાક, સેન્સેકસ, નિફ્ટી, બિટકોઇન, સોનું જેવી રિસ્ક ઓન એસેટમાં લાલચોળ તેજી રહી હતી. ડૉલર ઇન્ડેકસમાં વ્યાપક નરમાઈ હોવાને કારણે યુરો, પાઉન્ડ, યેન, યુઆન સહિત ઘણીબધી ઇમર્જિંગ કરન્સીમાં વી શેપ રિકવરી આવી હતી. ઘરઆંગણે અર્થતંત્રને કોરોનાથી મોટો ફટકો પડ્યો છે પણ વિદેશમાંથી જંગી મૂડીરોકાણ આવતાં શૅરબજારો જમીની હકીકતોથી ડિસકનેક્ટ થઈ વૈશ્વિક લિક્વિડિટી રેલીમાં જોડાઈ ગયા છે. આખું વર્ષ કોરોના, વૅક્સિન, અમેરિકાની ચૂંટણી, ચાઇનાની દબંગાઇ અને લૉકડાઉન- સરકારોનું રેગ્યુલેટરી એક્ટિવિઝમ બજારોની દશા અને દિશામાં નોંધપાત્ર ભૂમિકામાં રહ્યું હતું.
૨૦૨૧નો આરંભ ફૂલગુલાબી તેજીમાં થયો છે. ટ્રમ્પ સરકારના છેલ્લા દિવસો છે. ૨૦ જાન્યુઆરીથી બાઇડન સરકાર શાસનમાં આવશે. અમેરિકા, ચીનમાં કોરોના વૅક્સિનેશન વેગ પકડી રહ્યું છે. યુરોપમાં વાઇરસના નવા મ્યુટેશન પછી અમેરિકા, ભારત, યુરોપ, સહિત ઘણાખરા દેશોમાં હજી અમુક નિયંત્રણો ચાલુ રહ્યાં છે. નાણાપ્રણાલીમાં લિક્વિડિટીની છત છે, એટલે લૉકડાઉન પૂરેપૂરું હટી જાય પછી રિકવરી વધુ વેગીલી બનશે. ફેડ અને અન્ય બૅન્કરોની હળવી નાણાનીતિ જોતાં અમારા અંદાજ મુજબ ૨૦૨૧માં સરેરાશ વૈશ્વિક બૉન્ડ બાઇંગ ૩૨૦ અબજ ડૉલર રહેશે જે તેજીને શરૂમાં તો બહેકાવશે. ફેડે ૨૦૨૩ સુધી વ્યાજદર શૂન્ય નજીક રાખવાનું અને ફુગાવો ૨ ટકાથી ઉપર થોડો સમય ટકે નહીં ત્યાં સુધી હાલની હળવી નીતિ ચાલુ રાખવાનું કમિટમેન્ટ આપ્યું છે. વિકસિત દેશોમાં વધારે પડતી લિક્વિડિટી એસેટ બજારોમાં તો ફુગાવો લાવી ચૂકી છે પણ ૨૦૨૧ની આખરમાં આ ફુગાવો કૉમોડિટી ઇન્ફલેશન લાવીને વપરાશી ફુગાવાને પણ બહેકાવશે. કૉમોડિટીઝના ભાવમાં ૨૦૨૦માં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં ખાદ્યતેલોમાં લાલચોળ તેજી છે. ભારત, ચાઇના અને વિકસતા દેશો માટે આગામી વર્ષે ફુગાવો મોટો પડકાર હશે. જ્યારે જ્યારે અમેરિકા મંદીમાં ફસાય ત્યારે બેફામ લિક્વિડિટી આપીને વિકસતા દેશો માટે ફુગાવાનું જોખમ ઊભું કરે છે.
ભારતને ૨૦૨૧માં જે મોંઘવારી વિસ્ફોટ નડવાનો છે એમાં વિદેશી હાથનો ફાળો ઓછો નહીં હોય. સરકારોએ વધુ સતર્ક રહેવું પડશે. બાઇડન અર્થતંત્રમાં નવા નાણાં સચિવ જેનેટ યેલેન છે. જેઓ ફેડના માજી વડા હતા. યેલેન ફિસ્કલ ઇઝિંગના સમર્થક છે અને ક્લાયમેટ ચેન્જ પણ ફેડના એજન્ડામાં છે એમ કહીને એમણે ગ્રીન ડીલ માટે - એટલે કે સસ્ટેનેબિલિટી, ક્લાયમેટ ચેન્જ સૅકટર માટે અને આંતરમાળખા માટે મોટા ભંડોળ આવવાના આડકતરા નિર્દેશ કર્યા છે. એકંદરે બાઇડન સરકારમાં નાણાકીય અને અને રાજકોષીય એમ બેઉ મોરચે વિસ્તરણકારી નીતિઓ રહેશે જે ડૉલરને નોંધપાત્ર નબળો પાડે. આગામી ત્રણ-ચાર મહિના માટે શૅરબજાર, સોનું, બિટકોઇન, એગ્રીકૉમોટિડી, મેટલ્સ, યુઆન યેન અને ઇમર્જિંગ એશિયાઇ કરન્સીમાં તેજી કરશે. હાલપૂરતું બહુ લોંગ ટર્મ ફોરકાસ્ટ ટાળવા જોઈએ.
રૂપિયાની વાત કરીએ તો એકંદરે રૂપિયો આખુંયે વર્ષ સીમિત દાયરામાં રહ્યો છે. રાજકોષીય ખાધ ૮ ટકા જેવી તોતિંગ થઈ ગઈ છે. હાલનો મંદીજન્ય ફુગાવો અને કંગાળ વિકાસદર જોતા નિર્મલા સીતારમણે રાજકોષીય ખાધને અંડરપ્લે કરી છે. એ જોતાં નવું બજેટ ૧૯૯૦ના દાયકાઓ જેવું વિસ્તરણકારી બજેટ હશે. વૈશ્વિક ફંડ મેનેજરો રાજકોષીય શિસ્તમાં થોડી છૂટછાટ ચલાવી લેશે. વધુપડતી ગેરશિસ્ત હશે તો બજારો મેરિટ મુજબ ન્યાય તોળશે. શિક્ષક તરીકે બજારો ક્રૂર હોય છે. ૨૦૨૧ના આરંભે મોંઘવારી, એસેટ બબલ્સ બૅન્કરો અને નીતિ-ઘડવૈયાઓ માટે મોટો પડકાર છે. કરન્સી બજારોમાં ત્રિમાસિક રેન્જમાં રૂપિયો ૭૨.૨૮-૭૪.૪૦, યુરો ૧.૧૯૦૦-૧.૨૪૦૦, પાઉન્ડ ૧.૩૧-૧.૩૮૦૦, યેન ૯૯-૧૦૫, યુઆન ૬.૩૦-૬.૭૦, ગોલ્ડ ૧૭૭૦-૨૧૭૮, ડૉલેકસ ૮૭.૧૫-૯૩.૩૦, નાયમેકસ ઑઇલ ૩૫-૫૫, નિફ્ટી ૧૨૦૦૦-૧૫૦૦૦ ગણાય. બિટકોઇન સુપર વોલેટાઇલ પેરાબોલિક બજાર હોઈ બિટકોઇનની રેન્જ ઘણી મોટી હશે. વર્ષના સેકન્ડ હાફમાં બધી બજારોમાં નોંધપાત્ર કરેકશન આવી શકે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)
સાર્વત્રિક પ્રોફિટ બુકિંગને પગલે બજારમાં આખલાની પકડ ઢીલી પડી
16th January, 2021 11:14 ISTઅમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ બાઇંગ લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરતાં સોનું-ચાંદી સુધર્યાં
16th January, 2021 11:11 ISTદેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ
15th January, 2021 14:43 ISTકૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે
15th January, 2021 14:22 IST