બિટકોઇનમાં તેજીનો લાવા, રૂપિયામાં નરમાઈ, અમેરિકી ફિસ્કલ પૅકેજ પર બજારની મીટ

Published: 11th January, 2021 11:10 IST | Biren Vakil | Mumbai

લિક્વિડિટી અને લૉકડાઉને સર્જેલા આર્થિક અને ટેક્નૉલૉજીના ભસ્માસુર ટિકિંગ ટાઇમ બૉમ્બ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એસેટ બજારોમાં અત્ર-તત્ર તેજીનો લાવા વહે છે. જ્વાળામુખી ફાટ્યો છે. બેસુમાર લિક્વિડિટી, ફુગાવો વધવાનો ભય અને કરન્સી ડિબેઝમેન્ટના ભયે સ્માર્ટ મની હાલમાં બિટકોઇન, બિગ ટેક અને લાર્જ કૅપ સ્ટૉકસ, યેન, યુરો, ઇમર્જિંગ બૉન્ડ જેવી નોન ડૉલર એસેટમાં સલામતી શોધે છે. અમેરિકામાં એક દાયકા પછી બ્લૂ વૅવ આવ્યો છે એટલે કે હાઉસ, સૅનેટ અને પ્રમુખપદ ડેમોક્રેટના હાથમાં છે. બાઇડન વહીવટીતંત્રમાં રેડિકલ સોશ્યાલિસ્ટ સભ્યોનો પ્રભાવ છે, રાજકોષીય શિસ્તમાં ઢીલાશ, કલ્યાણલક્ષી કાર્યક્રમોમાં ભરપૂર સરકારી સહાય, સુપર રિચ લોકો પર વધુ વેરો, બિગ ટેક પર અંકુશની સંભાવના જોતા ડૉલર ઘટશે. સ્માર્ટ કેપિટલ અમેરિકામાંથી એશિયામાં જાય છે. બિટકોઇનની ગગનચુંબી તેજી કૅશ-પ્રાઇવેટ વેલ્થને સરકારી સકંજામાંથી બચાવવાનો ઉધામો દેખાય છે. બિટકોઇન માર્ચ માસમાં ૩૮૦૦ ડૉલર હતો તે વધીને ૪૧,૭૦૦ ડૉલર થઈ ગયો છે. બિટકોઇન ૧ લાખ થશે, ચાર લાખ થશે એવા વરતારા ચાલુ થયા છે. મેનિયા કંડિશન ક્યારે સુપર મેનિયામાં બદલાય એ જોવાનું રહે. ભારતમાં સુપરરિચ અને હાઈ નેટવર્થ સ્પેક્યુલેટર્સને આ પાર્ટીમાં રસ તો પડયો છે, પણ ભારતમાં ડિજિટલ કરન્સીમાં રોકાણ અંગે ચોક્કસ રેગ્યુલેશનનો અભાવ છે. ફ્રોડ થાય તો શું કરવું, ટૅક્સની જવાબદારી, પૉલિસી રિસ્ક અંગે ઘણુંબધું અદ્ધરતાલ છે. સરકાર વહેલીતકે એડવાઇઝરી આપે, ક્રિપ્ટો માર્કેટને રેગ્યુલેટ કરે એ જરૂરી છે. ૨૦૧૬-૨૦૧૮ના અરસામાં બિટકોઇન ૨૦,૦૦૦ ડૉલર થયો અને પછી ૩૦૦૦ ડૉલર થયો એ વખતે હેકિંગ, ફ્રોડ (ક્યાંક તોડ) એવા ઘણા બનાવો બન્યા હતા પણ એ વખતે બિટકોઇન ગેરકાનૂની રોકાણ હોઈ ચોરની મા કોઠીમાં રૂએ એમ ઘણુંખરું ભીનુ સંકેલાયું હતું. સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૨૦ પછી બિટકોઇન રોકાણ ભારતમાં ગેરકાયદે નથી એવો ચુકાદો આપ્યો છે. અમેરિકામાં કરન્સી કન્ટ્રોલરે ડિજિટલ કરન્સીને માન્યતા આપી છે. બૅન્કો આમાં વ્યવહાર કરી શકશે. ભારત હવે ડિજિટલ એસેટ ક્લાસને અવગણી ન શકે, પણ એમાં પૂરતું રેગ્યુલેશન અને બિટકોઇન વિષયક આર્થિક જાગરુકતા આપવી જરૂરી છે. પૂરતી ફાઇનૅન્શિયલ લિટરેસી વિના પશ્ચિમના મોડેલના આંધળા અનુકરણથી ઘરઆંગણે વીમો, મ્યુ. ફંડ, વેલ્થ મૅનેજમેન્ટ સૅકટરના મામલે રિટેલ સૅકટરની હાલત કેવી છે એ સ્વયંસ્પષ્ટ છે.

૨૦૨૧ને મેક્રોવ્યુથી જોઈએ તો ૨૦૨૧નો આરંભ જ વિસ્મયોથી થયો છે. બિટકોઇન ૪૦,૦૦૦ એ પહેલું વિસ્મય છે. ૨૦૨૧નું બીજું વિસ્મય ટેસ્લા છે. ટેસ્લાના માલિક અલોન મસ્ક અૅમેઝોનના માલિક જેફ બેઝોસને હંફાવી વિશ્વના ટોચના અમીર બની ગયા છે. ત્રીજું વિસ્મય ચીનના રિચેસ્ટ પર્સન અલીબાબાના સ્થાપક જેક મા ગુમ થયા એમ મનાય છે. આર્થિક જોખમોની ભાષામાં કહીએ તો ટેસ્લા, બિટકોઇન અને અલીબાબા- દરેક ટ્રિલ્યન ડૉલરથી વધારે માર્કેટ વેલ્યુ ધરાવે છે, ભરપૂર કન્સન્ટ્રેશન રિસ્ક ધરાવે છે. એમના માલિકોને કે કંપનીને કંઈ પણ અજૂગતું થાય, ત્રણમાંથી એકાદ એસેટ પણ ૨૦-૩૦ ટકા તૂટે તો વિશ્વભરનાં બજારોમાં ભૂકંપ આવે. કોરોના નાથવાની લાયમાં ફેડે અને અન્ય બૅન્કોએ લિક્વિડિટીની લહાણી કરી. લિક્વિડિટી અને લૉકડાઉનના કૉમ્બિનેશને આર્થિક અને ટેક્નૉલૉજીના ભસ્માસુર સર્જી દીધા છે. બિગ ટેક શૅરો પણ આવું જ મોટું સિસ્ટેમિક અને કન્સન્ટ્રેશન રિસ્ક બની ચૂકયા છે. ટ્વિટરે અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું અકાઉન્ટ બંધ કરી દીધું, વૉટસઅૅપે પ્રાઇવસી પૉલિસી બદલી નાખી. આમાંથી એ ધડો લેવો જોઈએ કે બિગ ટેક કંપનીઓનો ઇજારો તોડવાની ઘડી આવી ચૂકી છે.

બજારોની વાત કરીએ તો રૂપિયો થોડો ઘટ્યો છે. ડૉલેકસ થોડો સુધર્યો છે. યુરોની તેજી થાક ખાય છે. ડેમોક્રેટ સૅનેટ જીત્યા પછી બાઇડને કહી દીધું છે - અમારે ઇકૉનૉમી બેઠી કરવા ખર્વો ડૉલર જોઈશે. ૭૫,૦૦૦ ડૉલરથી ઓછી આવક હોય એને મહિને ૨૦૦૦ ડૉલર, વિદ્યાર્થીઓને દેવાંમાં રાહત, અફોર્ડેબલ અૅજ્યુકેશન, હેલ્થ અને ક્લાયમેટ ચેન્જ એજન્ડામાં પહેલી પસંદ છે. હાલપૂરતું શૅરબજાર-સોના, ચાંદી-બિટકોઇન-મેટલ્સ-યુરો-યુઆન મજબૂત રહેશે, ડૉલર નરમ રહેશે. ભારતમાં ૧ ફેબ્રુઆરીએ બજેટ આવશે અને વર્તમાન પડકારો અને તકોને મામલે સરકારોનું મન વાંચવાનો મોકો આપશે, બાકી ધાર્યું તો ધણી (ફેડ)નું થાય.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK