ડૉલરની તેજી રોકવા અમેરિકા દરમ્યાનગીરી કરશે?

Published: Sep 09, 2019, 08:04 IST | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ | મુંબઈ

ફેડે વ્યાજદર ઘટાડ્યો અને જીડીપી ૨ ટકા જેવી સૉફટ હોવા છતાં, વેપારયુદ્ધ વચ્ચે પણ ડૉલરમાં તેજી રહેવાથી અમેરિકાને ડૉલર ઇન્ટરવેન્શન કરવું પડે એવી એક થિયરી વહેતી થઈ છે.

ફેડે વ્યાજદર ઘટાડ્યો અને જીડીપી ૨ ટકા જેવી સૉફટ હોવા છતાં, વેપારયુદ્ધ વચ્ચે પણ ડૉલરમાં તેજી રહેવાથી અમેરિકાને ડૉલર ઇન્ટરવેન્શન કરવું પડે એવી એક થિયરી વહેતી થઈ છે. તાજેતરમાં અમેરિકાના આર્થિક સલાહકાર લેરી કુડલોએ કહ્યું હતું કે અમે દરમ્યાનગીરી કરવાનો વિચાર માંડી વાળ્યો છે, મતલબ કે મુદ્દો ચર્ચાયો હતો અને આવી ચર્ચા થાય એ જ સૂચવે કે થિયરી બેવજૂદ નથી. આજે એક વિશેષ લેખરૂપે આ મુદ્દો વિગતવાર સમજીએ.

વૈશ્વિક સંજોગો જોતાં નીચેની શરતોને આધિન અમેરિકાએ ઇન્ટરવેન્શન કરવું પડે. ડૉલર સામે સૌથી મહત્ત્વની કરન્સી યુરો પીક પર ૧.૬૧ હતો એ ઘટીને ૧.૦૯૫ થયો છે. યુરોમાં ઘણા મોટા ઍસેટ મૅનેજર્સ તેજીમાં છે. અત્યારે તો તેમનો ટ્રેડ ખોટો પડ્યો છે. જો યુરો ૧.૦૫ તૂટે અને એની સામે ડૉલર ઇન્ડેક્સ હાલમાં ૯૮.૮૦ છે એ વધીને ૧૦૧ ઉપર જાય તો ડૉલર ઇન્ટરવેન્શનની સંભાવના વધે. જો યુરો પેરિટી ટ્રેડ પર આવે એટલે કે ૧.૧૦થી ઘટીને ૧.૦૦ આવે તો ૧૦૦ ટકા દરમ્યાનગીરી આવે જ.

અન્ય કેસમાં જો યુઆન ૭.૫૦ વટાવીને એમાં પણ ઝડપી અવમૂલ્યન થાય તો પણ ડૉલર ઇન્ટરવેન્શન આવે. અત્યારે કેન્દ્રીય બૅન્કોમાં પરદા પાછળની ગતિવિધિઓ બહુ તેજ ચાલી રહી છે. રશિયાએ તેની ઘણી ખરી રિઝર્વ ડૉલરમાંથી તબદીલ કરીને સોનામાં અને ચીની ટ્રેઝરીમાં (યુઆનમાં) લાવી દીધી છે. બ્રાઝિલ, સ્વિટ્ઝરલૅન્ડ પણ તેમની રિઝર્વ અમુક અંશે ચીની બૉન્ડમાં લઈ જઈ રહ્યા છે. એક અંદાજ મુજબ આવા દેશોની રિઝર્વનો ૧૦ ટકા હિસ્સો યુઆનમાં જાય તો પણ એનું મૂલ્ય ૧૦ ટ્રિલ્યન ડૉલર થાય. ચીન એક પણ ડૉલર વાપર્યા વીના યુઆનમાં ધાર્યા મુજબ ભાવ લાવ્યું છે એ કાબિલેદાદ છે.

આગળ પર ડૉલર ઇન્ટરવેન્શન આવે કે નહીં એ માટે આપણે યુરો-યુઆન અને યેન વિનિમય દર, અમેરિકાનો જીડીડી દર અને ટ્રેડ-વૉર પર નજર રાખવી પડે. ટ્રેડ-વૉરની છેલ્લી સ્થિતિ મુજબ ટ્રમ્પ બોલવામાં જેટલા અગ્રેસિવ છે એટલા અમલમાં નથી. ૩૦૦ અબજ ડૉલર ટૅરિફની જાહેરાતો સામે અમલી ૧૩૦ અબજ ડૉલર છે. છેલ્લા ફોન કૉલ પછી ઑક્ટોબરમાં વાત થવાની છે. ચીને પણ યુઆનની મંદી ધીમી પાડીને હકારાત્મક સંકેત આપ્યો છે. જોકે એનો મતલબ એ નહીં કે એને સમાધાનમાં રસ છે. અમેરિકામાં હાલની ટૅરિફ ૨૫થી ૩૦ ટકા થાય અને બધી ચીજો પર લાગુ પડે તો અમેરિકન ગ્રાહક પર જીડીપીના એક ટકા જેવો બોજો આવે. એની મોટી નેગેટિવ અસર પડે. ચીને અમેરિકાથી સોયાબીન, કૉટન સહિત ઍગ્રી પ્રોડક્ટ્સ લેવાનું બંધ કરીને સાઉથ અમેરિકામાંથી સપ્લાય સિક્યૉર કરી લીધો છે એટલે વરસોથી અમેરિકા પર આધારીત એવા અમેરિકન સોયા કૉટન ફાર્મર સહિત મિડવેસ્ટ ફાર્મ બેલ્ટ (ટ્રમ્પની મતબૅન્ક) ખુવાર થઈ ગયો છે. અમેરિકાની કાર અને ઑટો પાર્ટ્સ પરની આયાત પર ટૅરિફ પણ જનોઈવઢ ઘા છે. અત્યારે તો એમ લાગે છે કે બન્ને દેશો સિમ્બોલિક રીતે લડશે અને છેલ્લે ભીસ પડે ત્યારે અમેરિકા ઝૂકશે. ચીનનો ગૉલ સ્પષ્ટ છે કે નવેમ્બર ૨૦૨૦ સુધી પીડા સહન કરી લેવી અને ડીલ નવા પ્રમુખ (ભલે તે ટ્રમ્પ હોય) સાથે જ કરવી.

કરન્સી ઇન્ટરવેન્શનમાં એક સંભાવના એવી છે કે યુરો, જપાન, ચીનમાં વિકાસ સતત ઘટે અને ફ્લાઇટ ટુ ક્વૉલિટી રૂપે દુનિયાભરમાંથી નાણાં અમેરિકામાં ઠલવાય તો અમેરિકાએ કદાચ કૅપિટલ ઇન્ફ્લો પર ટૅક્સ લાદવો પડે. બ્રાઝિલે ૨૦૦૦માં આમ કર્યું હતું. એમ થાય તો ઇમર્જિંગ દેશોને મોટો ફટકો પડે.

આ પણ વાંચોઃ સરકારે શરૂ કરેલી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક આપણાં ગામડાંઓની હાલત સુધારશે?

બજારોની વાત કરીએ તો રૂપિયામાં રોજિંદી ૫૦ પૈસાની અફરાતફરી છે. ૧૮ સપ્ટેમ્બરે ફેડ પા ટકો રેટ-કટ કરશે. જો મોટો રેટ-કટ કરે તો સોના-ચાંદીમાં તોફાન, રૂપિયો સુધરે, રેટ-કટ ન કરે તો ડૉલરમાં તેજી, સોનું-રૂપિયો નરમ. જોકે વધઘટે રૂપિયો નરમ અને ડૉલર ઇન્ડેક્સ તેજ રહેશે.
vakilbiren@gmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK