કોરોનાનો બોજ જેના પર સૌથી વધુ છે તે બૅન્કિંગ શૅરોમાં તેજીનું વાતાવરણ છે

Published: Jun 06, 2020, 08:21 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ખાનગી બૅન્કોમાં ડિપોઝિટરનો વિશ્વાસ ઓછો હોવા છતાં શૅરબજારમાં રોકાણકારની પ્રથમ પસંદગી તો પ્રાઇવેટ બૅન્કો જ

બીએસઈ
બીએસઈ

કોરોના વાઇરસની મહામારીના કારણે ભારતમાં માર્ચ તા. ૨૫ના રોજ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લૉકડાઉનના કારણે બજારો બંધ થઈ ગઈ હતી, ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી અને દેશભરમાં લાખો રોજમદાર રસ્તા ઉપર આવી પડ્યા હતા. અચાનક આવી પડેલી આ આફતના કારણે નબળી આવક ધરાવતા લોકોની માસિક આવક ઉપર જોખમ ઊભું થયું હતું. બૅન્કો પાસેથી ટર્મ લોન, વર્કિંગ કેપિટલ લેનારી નાની – મોટી કંપનીઓ લોન પરત કરશે કે નહીં તેના ઉપર સવાલ ઊભા થયા હતા. લૉકડાઉનના કારણે હપ્તાની વસૂલાત પણ અટકી પડી હતી. આ સ્થિતિમાં રિઝર્વ બૅન્કે તા. ૨૭ માર્ચ અને પછી તા.૨૩ મેના રોજ કુલ છ મહિના સુધી માર્ચમાં બાકી નીકળતી લોન ઉપર હપ્તો વસૂલવો, વ્યાજની વસૂલાત ઉપર રોક મૂકવામાં આવી હતી.

એક તરફ ભારતીય બૅન્કો ઉપર એનપીએ (એટલે કે નબળી પડેલી લોન જે પરત નથી આવી રહી તેનો બોજ છે) ત્યારે આ રીતે છ મહિનાની રાહત આપવામાં આવતાં બૅન્કિંગ ક્ષેત્ર ઉપર સવાલ ઊભા થયા હતા. આ ઉપરાંત એક વર્ષ સુધી નાદારીની કાર્યવાહી પણ અટકાવી દેવામાં આવી છે.

બીજી બાજુ કેન્દ્ર સરકારની નાણાકીય હાલત ખરાબ છે. કરની ઘટેલી આવક અને નબળા પડી રહેલા આર્થિક વિકાસમાં મહામારી આવી પડી હોવાથી રાજ્યની આવક ઉપર પણ ખતરો ઊભો થયો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪.૨૧ લાખ કરોડ રૂપિયાની વધારાની રકમ બજારમાંથી ઊભી કરવામાં આવશે તેની જાહેરાત કરી દીધી છે. આ રકમ રિઝર્વ બૅન્ક થકી જ ઊભી કરાશે અને તેના કારણે ખાનગી ધિરાણ વધુ ઘટી જશે એવી ચિંતા છે. આ ઉપરાંત લઘુ અને મધ્યમ કદના એકમોને ગેરન્ટી જેવી ચીજોના કારણે મહામારીથી ત્રસ્ત અર્થતંત્રને બચાવવાનો બોજ બૅન્કો પર આવી પડ્યો છે.

આટલી પડકારજનક સ્થિતિના કારણે દેશની બૅન્કો વધારે નબળી થશે અને તેની અસર લાંબો સમય ચાલશે એવી ક્રેડિટ રેટિંગ જેન્સી મૂડીઝની ચેતવણી પણ છે, છતાં બૅન્કિંગ શૅરો છેલ્લા છ દિવસથી સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨૮ ટકા અને પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૧૩ ટકા વધી ગયા છે. એવી આશા છે કે લૉકડાઉન ખૂલી જતાં હવે બૅન્કોની હાલત સધ્ધર થશે. લોનની વસૂલાત થશે અને ગ્રાહકો પણ ધિરાણ લેવા આવશે.

આ બધી ચિંતામાં ખાનગી બૅન્કો પર પીએમસી બૅન્ક અને યસ બૅન્કની કટોકટીથી ઊઠી રહેલો વિશ્વાસ પણ એક પરિબળ છે. ખાનગી બૅન્કોમાંથી લોકો ડિપોઝિટ ઉપાડી રહ્યા છે અથવા તો વધુને વધુ નવી ડિપોઝિટ સરકારી બૅન્કોમાં જમા થઈ રહી છે. આમ છતાં ખાનગી બૅન્કોના શૅરમાં ઉછાળો સરકારી બૅન્કો કરતાં વધારે છે. નિફ્ટીની વર્તમાન તેજી – ૭૬૧૦ની નીચી સપાટીથી ૧૦૦૬૧ની ઊંચી સપાટી – કે ૩૨ ટકા ઉછાળામાં ૨૦ કંપનીઓનો હિસ્સો ૮૦ ટકા જોવા મળે છે. આ ૨૦ કંપનીઓમાં એક પણ સરકારી બૅન્ક નથી, પણ ચાર ખાનગી બૅન્કો એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક અને એક્સીસ બૅન્કનો સમાવેશ થાય છે.

ખાનગી બૅન્કોના કારણે હવે છેલ્લા ચાર દિવસથી સરકારી બૅન્કોમાં પણ ખરીદી જોવા મળી રહી છે અને તેની અસરથી તેજીમાં તે પણ પાછળ નથી.

ખાનગી બૅન્કો સામે સરકારી બૅન્કોમાં ડિપોઝિટ વૃદ્ધિદર વધ્યો

છેલ્લા છ મહિનામાં દેશની અગ્રણી બે બૅન્કો પડી ભાંગી હોવાથી ખાનગી બૅન્કોમાં ડિપોઝિટ મૂકનારા લોકો ઘટી રહ્યા છે અને ફરી સરકારી બૅન્કો તરફ પરત ફરી રહ્યા હોવાનું બૅન્કોની ડિપોઝિટના ક્વૉર્ટરલી આંકડા દર્શાવી રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં જે વધારાની ડિપોઝિટ જમા થઈ તેમાં ખાનગી બૅન્કોનો હિસ્સો ૩૧.૬ ટકા થઈ ગયો છે જ્યારે સરકારી બૅન્કોના હાથમાં આવી ડિપોઝિટનો ૫૪.૨ ટકા હિસ્સો આવ્યો છે. બાકીની ડિપોઝિટ પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો, વિદેશી બૅન્કો અને અન્ય સ્મોલ ફાઇનૅન્સ બૅન્કોમાં જમા થયો છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં આવી વધારાની ડિપોઝિટનો ૬૫ ટકા હિસ્સો ખાનગી બૅન્કોમાં જમા થયો હતો અને સરકારી બૅન્કોમાં માત્ર ૨૦.૮ ટકાની નવી ડિપોઝિટ આવી હતી. એ સમયે સરકારી બૅન્કોમાં વધી રહેલા એનપીએ, ઘટી રહેલો નફો કે વધારાની ખોટ અને મૂડી ઉપર સરકારની નિર્ભરતા જવાબદાર હતા. એ સમયે ખાનગી બૅન્કો આક્રમક રીતે સરકારી બૅન્કોથી આગળ નીકળી ગઈ હતી.

ઉપરોક્ત આંકડા એક વર્ષથી બીજા વર્ષમાં ડિપોઝિટમાં જે વધારો થયો તેનો છે. માર્ચ ૨૦૨૦ના અંતે કુલ બૅન્ક ડિપોઝિટમાં પીએસયુનો હિસ્સો ૬૨ ટકા અને ખાનગી ક્ષેત્ર પાસે ૨૯ ટકા છે.

સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈ સ્થિત પીએમસી બૅન્ક નબળી પડી હોવાથી રિઝર્વ બૅન્કે તેને મોરેટોરિયમમાં મૂકી હતી. આ બૅન્કમાંથી ઉપાડ પર હજુ પણ નિયંત્રણ છે. આ પછી માર્ચ મહિનામાં યસ બૅન્ક મોરેટોરિયમ હેઠળ આવી હતી. યસ બૅન્ક દેશની પાંચમી સૌથી મોટી ખાનગી બૅન્ક હતી. આ બૅન્ક સતત ખોટ કરી રહી હતી, નબળી લોનનું પ્રમાણ વધી ગયું હતું અને ધિરાણમાં ગેરરીતિના કારણે બૅન્કની સદ્ધરતા ઉપર સવાલ થયા હતા. પીએમસી બૅન્કના કેસમાં પણ ચોક્કસ બિલ્ડર લોબીને લાયકાત કરતાં વધારે લોન આપવામાં આવી એવું જ પરિબળ જવાબદાર હતું. ખાનગી બૅન્કોની આ હાલતના કારણે માત્ર બચત પર જીવતા લોકો, વ્યાજની આવક પર જીવતા નાગરિકોએ પોતાના ફંડ્સ ખાનગી ક્ષેત્રોમાંથી ઉપાડી લીધા હોય એવી શક્યતા છે અને સરકારી માલિકીની બૅન્કોમાં પરત ફરી રહ્યા હોય એવી શક્યતા છે.  ૉમાત્ર સામાન્ય નાગરિકો જ નહીં પણ મહારાષ્ટ્ર સરકારની આગેવાની હેઠળ રાજ્ય સરકારના ખાતાઓએ પ્રોજેક્ટ માટેના કે સરકારી કર્મચારીઓના પગાર ખાનગી બૅન્કોમાં નહીં કરવા, ખાનગી બૅન્કોમાં ડિપોઝિટ નહીં રાખવી એવો આદેશ આપ્યો હતો. આથી બલ્ક ડિપોઝિટ પર પણ અસર પડી છે.

ક્વૉર્ટરના ડેટાનો અભ્યાસ કરીએ તો ખાનગી બૅન્કો તરફ ડિપોઝિટરની વધી રહેલી સૂગ વધારે જોવા મળે છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ખાનગી બૅન્કોમાં ડિપોઝિટ વૃદ્ધિનો દર ૧૭ ટકા હતો જે ડિસેમ્બરમાં ઘટી ૧૪ ટકા થયો અને માર્ચના અંતે માત્ર ૧૦ ટકા થઈ ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK