સતત પાંચમાં સત્રમાં શૅરબજારમાં વધારો

Published: 7th October, 2020 16:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સેન્સેક્સ 304 પોઈન્ટ્સ (0.77 ટકા) વધીને 39,878.95ના સ્તરે બંધ જ્યારે નિફ્ટી 76.45 પોઈન્ટ્સ (0.66 ટકા) વધીને 11,738.85 બંધ રહ્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્કમાં લેવાલીના ટેકે સ્થાનિક શૅરબજારોમાં સતત પાંચમાં સત્રમાં વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 304 પોઈન્ટ્સ (0.77 ટકા) વધીને 39,878.95ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 76.45 પોઈન્ટ્સ (0.66 ટકા) વધીને 11,738.85 બંધ રહ્યો હતો.

રિલાયન્સ ગ્રૂપના રિટેલ બિઝનેસમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ - ADIA) 5,512.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ દ્વારા એડીઆઈએ રિલાયન્સ રિટેલમાં 1.2 ટકા હિસ્સો ખરીદવાના સમાચારની અનુકુળ અસર શૅરભાવમાં જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બે ટકા વધ્યો હતો. સત્ર દરમિયાન શૅરમાં ભારે લેવાલી જોવા મળી હતી.

સેન્સેક્સમાં ટાઈટનનો શૅર સૌથી અધિક વધ્યો હતો. કંપનીએ જાહેરાત કરી કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જ્વેલરી બિઝનેસ ખૂબ જ શ્રેષ્ઠ રહ્યો હતો, રિકવરી રેટ 98 ટકા (કાચા સોનાના વેચાણને બાદ કરતા) હતો. કંપનીની આ જાહેરાત બાદ શૅર 4.5 ટકા વધ્યો હતો.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.4 ટકા ઘટીને 15,049ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકમાં નિફ્ટી બૅન્ક 0.49 ટકા, ઓટો 1.39 ટકા, ફાઈ.સર્વિસ 0.28 ટકા, એફએમસીજી 0.38, આઈટી 0.58 ટકા અને પ્રાઈવેટ બૅન્ક 0.55 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી મીડિયા સૂચકાંક 2.54 ટકા, મેટલ 1.52 ટકા, ફાર્મા 0.79 ટકા અને પીએસયુ બૅન્ક 1.15 ટકા જ્યારે રિયલ્ટી ઈન્ડેક્સ 1.85 ટકા ઘટ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK