આર્થિક તકલીફના આ સમયમાં ખંતપૂર્વક ટકી રહેજો

Published: Mar 16, 2020, 10:28 IST | Khyati Mashroo - Vasani | Mumbai Desk

ચીનથી સ્માર્ટફોન, ટીવી અને ઇલેક્ટ્રૉનિક્સની આયાત બંધ થવાથી ઈ-કૉમર્સ તથા દુકાનોમાં થતા વેચાણ પર પ્રતિકૂળ અસર થશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને વિશ્વવ્યાપી રોગ જાહેર કર્યો છે એને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. બિઝનેસથી માંડીને લોકોના રોજિંદા વ્યવહારો પણ જાણે અટકી ગયા હોય એવી સ્થિતિ છે. વેપારની વાત કરીએ તો ભારત ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટફોન, સોલર ગીઝર, રમકડાં, ફર્નિચર, કમ્પ્યુટર અને કાર સહિતની અનેક ચીજવસ્તુઓ માટે ચીન પર નિર્ભર છે. ચીનથી સ્માર્ટફોન, ટીવી અને ઇલેક્ટ્રૉનિક્સની આયાત બંધ થવાથી ઈ-કૉમર્સ તથા દુકાનોમાં થતા વેચાણ પર પ્રતિકૂળ અસર થશે.

ભારતમાં એમ પણ છેલ્લા થોડા વખતથી અર્થતંત્રની પ્રગતિનો દર નીચો જઈ રહ્યો છે, એવામાં આ વાઇરસના આક્રમણે પરિસ્થિતિ વધુ બગાડી દીધી છે. તેમાં વધુ બગાડો થવાનું જોખમ રહેલું છે. ડામાડોળ આર્થિક સ્થિતિને અનુલક્ષીને વૈશ્વિક કેન્દ્રીય બૅન્કો વ્યાજદર ઘટાડીને લોકોના હાથમાં વધુ નાણાં રહેવા દેવા લાગી છે. નવાં ઊભરતાં અર્થતંત્રોમાં આને કારણે સ્થિતિ સુધરવાની આશા છે.

ભારતમાં શૅરબજારમાં આવેલા કડાકાને લીધે વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી યાદ આવે છે. એ વર્ષે ૮ જાન્યુઆરીએ સેન્સેક્સ ૨૧૦૦૦ પૉઇન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ ઑક્ટોબર સુધીમાં ૬૪ ટકા ઘટીને ૭૬૯૭ પૉઇન્ટ પર આવી ગયો હતો. નોંધનીય છે કે ૨૦૦૪થી ૨૦૦૮ સુધીના ગાળામાં સમગ્ર વિશ્વમાં અર્થતંત્રની વૃદ્ધિનો દર ઊંચો રહ્યો હતો, પણ ૨૦૦૮ની કટોકટીએ ચિત્ર બદલી નાખ્યું.

ભારતમાં આજની તારીખે મ્યુચ્યુઅલ ફન્ડ, એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટૉક માર્કેટમાં મોટાપાયે રોકાણ થયેલું છે. છેલ્લા થોડા વખતથી મુખ્યત્વે ગણ્યાગાંઠ્યા લાર્જ કૅપ સ્ટૉક્સની સારી કામગીરીને લીધે ભારતીય શૅરબજારના ઇન્ડેક્સ વધી રહ્યા હતા. ભારતમાં કોરોના વાઇરસને કારણે વેપાર પર લગભગ ૩૪૮ મિલ્યન ડૉલરની અસર થવાનો અંદાજ છે. યુરોપિયન યુનિયન, અમેરિકા, જપાન અને દક્ષિણ કોરિયાની તુલનાએ ભારતમાં વેપારને ઓછી પ્રતિકૂળ અસર થશે. ચીફ ઇકૉનૉમિક એડવાઇઝર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને હાલમાં આઇઆઇએમ-કલકત્તા ખાતે એક પરિસંવાદમાં બોલતાં કહ્યું હતું કે ચીનમાં કોરોના વાઇરસ ફેલાયો તેને લીધે ભારતને પોતાની નિકાસ વધારવા માટે સારી તક મળી છે. જોકે ચીન સાથેના ભારતના વેપારી સંબંધો પર કેવી અસર થશે એના વિશે કહેવાનું મુશ્કેલ છે. સાર્સના રોગચાળા વખતની વાત કરીએ તો ભારત પર વધારે અસર થઈ નહોતી.

ભારતની મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રની જટિલતાઓ એટલી બધી છે કે વૈશ્વિક વેપાર ક્ષેત્રે ઊભી થયેલી પરિસ્થિતિનો જલદીથી લાભ લેવાનું તેના માટે શક્ય બનતું નથી. આવામાં સારી વાત એ જ છે કે તાજેતરનાં વર્ષોમાં ભારતમાં અત્યાધુનિક કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં હોવાથી તેઓ કદાચ વર્તમાન પરિસ્થિતિનો લાભ લેશે.

કોઈ પણ રોગચાળા વખતે ગભરાઈ જવું અને સતર્કતાથી કામ લેવું એ બન્ને સ્થિતિઓ વચ્ચે ઘણું ઓછું અંતર હોય છે. અત્યારે તો એટલું જરૂર કહી શકાય કે બજારોમાં કડાકા બોલી રહ્યા છે એવા સમયે તકલીફથી બચી રહેવાનું સહેલું નથી, પરંતુ આખરે તો બજારના આવા ઉતાર-ચઢાવ જ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં નિમિત્ત બને છે. બજારથી દૂર ભાગી જવાને બદલે ખંતપૂર્વક ટકી રહેજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK